ન્યાયાધીશ ભગવાન નથી, હાથ જોડીને વાત કરશો નહીં; કેરળ હાઈકોર્ટે આવી સલાહ કેમ આપી?

PC: rbangla.in

કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોર્ટમાં ન્યાયાધીશોની સામે હાથ જોડીને કેસ રજૂ કરવાની જરૂર નથી. હાઈકોર્ટનું કહેવું છે કે, અરજદારો અને વકીલોને કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવાનો અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે, જજ તેમની બંધારણીય ફરજ બજાવી રહ્યા છે અને તેઓ ભગવાન નથી. વાદી હાથ જોડીને અને આંખોમાં આંસુ સાથે કોર્ટમાં પોતાના મંતવ્યો રજૂ કરી રહી હતી. ત્યાર પછી કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ PV કુન્હિક્રિષ્નને કહ્યું કે, ભલે કોર્ટને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે, પરંતુ બેન્ચ પર બેસનાર કોઈ ભગવાન નથી. તેમણે કહ્યું હતું કે, શિષ્ટાચાર જાળવવા સિવાય ન્યાયાધીશોને અરજદારો અથવા વકીલો તરફથી કોઈ અલગ પ્રકારના સન્માનની જરૂર નથી.

કોર્ટે કહ્યું, 'સૌપ્રથમ તો, કોઈ પણ અરજદાર કે વકીલને હાથ જોડીને કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવાની જરૂર નથી, કારણ કે કોર્ટમાં કેસની સુનાવણી એ તેમનો બંધારણીય અધિકાર છે. સામાન્ય રીતે કોર્ટને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે, પરંતુ બેંચ પર કોઈ ભગવાન બેસેલા નથી. ન્યાયાધીશો તેમની બંધારણીય ફરજ બજાવી રહ્યા છે. રજૂઆતકર્તા અને વકીલોએ કેસની ચર્ચા દરમિયાન કોર્ટની મર્યાદા જાળવવી જોઈએ.'

રમલા કબીર તેની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIR રદ્દ કરાવવા માટે કોર્ટમાં પહોંચી હતી. તેમની સામેના આરોપો એ હતા કે, કબીરે અલપ્પુઝાના ઉત્તર પોલીસ સ્ટેશનના સર્કલ ઇન્સ્પેક્ટર સાથે ફોન પર વારંવાર દુર્વ્યવહાર કર્યો અને અને ધમકી આપી હતી. કબીરે કોર્ટને કહ્યું કે, આ કેસ ખોટો છે અને પોલીસ દ્વારા આ આરોપો લગાવવામાં આવ્યા છે.

કબીરે જણાવ્યું કે, તેણે એક પ્રાર્થના હોલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેનો ઉપયોગ એવી રીતે કરવામાં આવી રહ્યો હતો કે, અવાજનું પ્રદૂષણ વધવા લાગ્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે સર્કલ ઓફિસરને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું અને જ્યારે પોલીસ અધિકારીને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ફોન પર તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આ પછી કબીરે સર્કલ ઈન્સ્પેક્ટરના વર્તન અંગેની ફરિયાદ પણ કરી. તેમનું કહેવું છે કે, સર્કલ ઈન્સ્પેક્ટરે તેમની વિરુદ્ધ કાઉન્ટર કેસ નોંધ્યો છે. પક્ષકારોને સાંભળ્યા પછી, અદાલતે પ્રાથમિક દૃષ્ટિએ જાણ્યું કે, કથિત ગુનાઓ આચરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં કબીર વિરુદ્ધ નોંધાયેલ કેસ રદ કરવામાં આવ્યો હતો. તેમજ સર્કલ ઈન્સ્પેક્ટર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp