હરિયાણામાં ઉમેદવારોની યાદીથી BJPમાં નાસભાગ! 5 નેતાના રાજીનામા,પૂર્વ મંત્રી રડ્યા
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BJPએ બુધવારે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યાર પછી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. એક પછી એક પાંચ નેતાઓએ રાજીનામા આપ્યા છે. ત્યારે કેટલાક નેતાઓ ટિકિટ ન મળતાં તેમના સમર્થકો સાથે બેઠકો કરીને આગળની રણનીતિ બનાવી રહ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી કવિતા જૈન રડતા રડતા કાર્યકરો સાથે વાત કરી હતી. તેમણે પાર્ટીને ટિકિટ બદલવાની ચેતવણી પણ આપી છે.
BJPએ ઈન્દ્રી વિધાનસભાથી રામ કુમાર કશ્યપને મેદાનમાં ઉતાર્યા છે. તેનાથી નારાજ હરિયાણા BJP OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી પર દેશદ્રોહીઓને મહત્વ આપવાનો આરોપ લગાવ્યો છે.
રતિયા વિધાનસભા બેઠક પરથી BJPએ પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને ટિકિટ આપી છે. જેના પર ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ નારાજગી વ્યક્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
બાવની ખેડા વિધાનસભા બેઠક પરથી કપૂર વાલ્મિકીને ટિકિટ આપવામાં આવી છે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા સુખવિંદર શિયોરાને કિસાન મોરચાના અધ્યક્ષ પદેથી અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
BJPએ ઉકલાણા વિધાનસભા સીટ પરથી અનુપ ધાનકને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી પર ટિકિટોની ખોટી ફાળવણીનો આરોપ લગાવતા BJPના વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીની સદસ્યતા અને પોતાની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે.
BJPએ સોનીપત વિધાનસભા સીટ પરથી નિખિલ મદાનને ટિકિટ આપી છે. આનાથી નારાજ થઈને BJP યુવા પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને સોનીપતના વિધાનસભા ચૂંટણી પ્રભારી અમિત જૈને રાજીનામું આપી દીધું છે.
BJPની પ્રથમ યાદી જાહેર થયા પછી અનેક મોટા રાજીનામા આવી ચુક્યા છે. બીજી તરફ ટિકિટ ન મળવાથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી કવિતા જૈન અને હરિયાણાના CMના પૂર્વ મીડિયા સલાહકાર રાજીવ જૈને કાર્યકરોની બેઠક બોલાવી છે. સભામાં પૂર્વ CM મનોહર લાલ ખટ્ટર અને ઉમેદવાર નિખિલ મદન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રડતા રડતા કવિતા જૈને કાર્યકરો સાથે વાત કરી અને પાર્ટીને ટિકિટ બદલવાની માંગ કરી. તેમણે 8મી સપ્ટેમ્બરે ફરી પાર્ટી કાર્યકરોની બેઠક બોલાવી છે.
જ્યારે, રાનિયા બેઠક પરથી રણજીત સિંહ ચૌટાલાની જગ્યાએ શીશપાલ કંબોજને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ કપાયા બાદ રણજીત સિંહ ચૌટાલાએ પણ સિરસામાં પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp