ફેવીક્વિકની ટ્યુબ,100 પીડિત અને લાખોની રમત..આ ગેંગની વાર્તા ધ્રુજાવશે
રાત્રે લગભગ 9 વાગ્યાનો સમય હશે, જ્યારે બ્રિજેશ સિંહ (કાલ્પનિક નામ)ને થોડીક રોકડની જરૂર હતી. બ્રિજેશ તેનું ATM કાર્ડ લઈને નજીકના ATM બૂથ પર પૈસા ઉપાડવા પહોંચ્યો હતો. પૈસા ઉપાડ્યા પછી, તેણે તરત મશીનમાંથી તેનું કાર્ડ કાઢવાનો પ્રયાસ કર્યો, તેણે જોયું કે કાર્ડ ફસાઈ ગયો હતો. ઘણા પ્રયત્નો પછી પણ કાર્ડ ન નીકળતાં બ્રિજેશે ATM બૂથમાં લખેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરીને પોતાની સમસ્યા સમજાવી મદદ માંગી હતી.
કસ્ટમર કેરથી બ્રિજેશને તેનું કાર્ડ મશીનમાં છોડી દેવાનું કહેવામાં આવ્યું. બેંક દ્વારા ટૂંક સમયમાં તેમના ઘરના સરનામે નવું કાર્ડ મોકલવામાં આવશે. બ્રિજેશે પણ એમ જ કર્યું અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. તે થોડે દૂર પહોંચ્યો હતો કે, તેના મોબાઈલ પર ATMમાંથી પૈસા ઉપાડવાનો મેસેજ આવ્યો. બ્રિજેશ ચોંકી ગયો અને એ જ ATM તરફ દોડ્યો.
બ્રિજેશ ATM બૂથ પર પહોંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેનું કાર્ડ જે મશીનમાં ફસાઈ ગયું હતું તે હવે ત્યાં ન હતું. ખરેખર, બ્રિજેશ ATM છેતરપિંડી કરતી ફેવીક્વિક ગેંગનો શિકાર બન્યો હતો. તે ગેંગ, જે લાંબા સમયથી દિલ્હી અને ફરીદાબાદ જેવા NCR શહેરોમાં લોકોને શિકાર બનાવી રહી હતી.
22 ઓક્ટોબરે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ખરેખર, પોલીસને આ ગેંગ વિશે 21 ઓક્ટોબરે માહિતી મળી હતી. આ પછી પોલીસે એક ટીમ બનાવી અને તેમને પકડવા માટે છટકું ગોઠવ્યું. મંગળવારે પોલીસે DND ચાર રસ્તા પાસે ઘેરો ઘાલ્યો હતો અને આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 35,000 રોકડા, એક સ્ક્રુડ્રાઈવર, એક પ્લાસ, એક છરી, બ્લેક માર્કર અને ફેવીક્વિક ટ્યુબ મળી આવી હતી.
આ ટોળકીના સાગરિતો એવા ATM બૂથની શોધખોળ કરતા હતા જે રાત્રે ખુલ્લા રહે છે અને જ્યાં ચોકીદાર ન હોય. ગેંગનો એક સભ્ય અંદર જઈને ATM મશીનમાં જ્યાં કાર્ડ નાખવામાં આવ્યું હતું તે સ્લોટ પર ફેવીક્વિક મૂકતો હતો. આ પછી તે પૈસા ઉપાડવાના બહાને બૂથની અંદર જ રહેતો હતો. આ દરમિયાન જ્યારે પણ કોઈ ATM વાપરવા માટે ત્યાં આવતું ત્યારે તેનું કાર્ડ મશીનના સ્લોટમાં ફસાઈ જતું. દરમિયાન આ જ ગેંગનો સભ્ય ગુપ્ત રીતે તેનો ATM પિન જોઈ લેતો હતો.
કાર્ડ ફસાઈ ગયા પછી, ગેંગના સભ્ય પીડિતને દિવાલ પર લખેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરવાની સલાહ આપતા હતા. આ જ ગેંગ ATMની દિવાલ પર બ્લેક માર્કરથી આ નંબર લખતી હતી અને જ્યારે કોલ કરવામાં આવતો ત્યારે ગેંગનો જ કોઈ સભ્ય ફોનનો જવાબ આપતો હતો. આ પછી, પીડિતને તેનું ATM કાર્ડ ત્યાં જ છોડી દેવાનું કહેવામાં આવતું, બેંકની ટીમ તેને સવારે બહાર કાઢશે અને ટૂંક સમયમાં તેના સરનામા પર નવું ATM કાર્ડ મોકલવામાં આવશે.
હવે જ્યારે પીડિત ATM બૂથમાંથી બહાર આવતાની સાથે જ ગેંગ સાથે સંકળાયેલા લોકો તરત જ તેના ATM કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતા હતા અને સ્થળ પરથી ભાગી જતા હતા. ફેવીક્વિક દ્વારા લોકોને લૂંટતી હોવાથી આ ગેંગનું નામ 'ફેવીક્વિક ગેંગ' પડ્યું હતું. પોલીસે જે ત્રણ લોકોની ધરપકડ કરી છે તેમના નામ રાહુલ કુમાર સિંહ, ગૌરવ કુમાર અને દીપક પટેલ છે. ત્રણેયની ઉંમર 30થી 31 વર્ષની વચ્ચે છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગનો લીડર રાહુલ કુમાર સિંહ છે અને તે 2011થી આવા ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. અગાઉ તેની પૂર્વ દિલ્હીના જગતપુરીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે દિલ્હી ઉપરાંત ગુજરાત, દમણ અને UPમાં પણ છેતરપિંડીની આવી ઘટનાઓને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓએ અત્યાર સુધીમાં દિલ્હી NCRમાં આવી 100થી વધુ ઘટનાઓને અંજામ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp