મથુરાના ઝફર અલી જેમની 5 પેઢી ભગવાન રામની સેવા કરી રહી છે, રાવણનું 110 ફૂટ...

PC: hindi.scoopwhoop.com

ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા માત્ર એક પુસ્તક પ્રકરણ નથી, કે જે બાળકોને શીખવવામાં આવે છે. પરંતુ, આ ભારતીય સંસ્કૃતિની વાસ્તવિકતા છે, જેને તમે દેશની શેરીઓમાં અને તહેવારોમાં હસતી અને રમતી જુઓ છો. ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા ઝફર અલીની વાર્તા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે. 62 વર્ષીય ઝફર અલીની પાંચ પેઢી ભગવાન રામની અનોખી રીતે સેવા કરી રહી છે.

હકીકતમાં ભગવાન શ્રી રામમાં ઊંડી આસ્થા ધરાવતા ઝફર અલી છેલ્લા ઘણા સમયથી આગરાની ઐતિહાસિક રામલીલામાં રાવણ, કુંભકરણ, મેઘનાદ અને શૂર્પણખાના પૂતળા બનાવી રહ્યા છે. તેમના પહેલા તેમના પિતા આ કામ કરતા હતા. છેલ્લી પાંચ પેઢીઓથી તેમનો પરિવાર ભગવાન શ્રી રામના કાર્યમાં વ્યસ્ત છે. ઝફર અલીએ કહ્યું કે, તેમનો ધર્મ ક્યારેય તેમના કામના આડે આવ્યો નથી.

શ્રી રામને પોતાના આરાધ્ય દેવ માનનારા ઝફરે આ વખતે આગરાની ઐતિહાસિક રામલીલા માટે રાવણનું અનોખું પૂતળું તૈયાર કર્યું છે. જે 110 ફૂટ ઊંચું હશે અને મોં ખોલવાની સાથે આંખ પણ પટપટાવશે. આટલું જ નહીં તેનો રાવણ તેના મોંમાંથી આગ પણ બહાર ફેંકશે. પ્રદૂષણથી બચવા માટે ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 24 ઓક્ટોબરે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ પોતાના બાણથી દશાનનનો વધ કરશે.

ઝફર અલી ખાને જણાવ્યું કે, તે રામલીલામાં રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળા બનાવવા પિતા સાથે આગ્રા આવતા હતા. હવે તેઓ પોતે આ કામને આગળ વધારી રહ્યા છે. આ કાર્યને કારણે જ તેમને ભગવાન શ્રી રામમાં ઊંડી શ્રદ્ધા છે.

ઝફર અલી પોતાનું કામ ખૂબ જ ખંતથી કરે છે. જ્યાં સુધી તે રામલીલાના કામ માટે આગ્રામાં રહે છે ત્યાં સુધી તે સંપૂર્ણપણે શાકાહારી જ રહે છે. તે કહે છે કે, તે ભાગ્યશાળી છે કે તે આ રામલીલાનો હિસ્સો છે.

ઝફરને એ વાતમાં પૂરો વિશ્વાસ છે કે કામ જ ઈબાદત છે. ઉપરાંત, ભગવાન રામની સેવા કરવાની તેમને જે તક મળી છે, તેનાથી શ્રેષ્ઠ બીજું કંઈ હોઈ શકે નહીં. હવે તેમની આગામી પેઢી પણ આ કામ કરવા તૈયાર છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળા બનાવવા માટે ઝફરને એકથી દોઢ મહિનાની મહેનત લાગે છે. આ કાર્ય પૂર્ણ કરવા માટે 6 થી 7 લોકો તેમની તમામ મહેનત એની અંદર લગાવી દેતા હોય છે.

ઉત્તર ભારતની સૌથી ઐતિહાસિક રામલીલાનું આયોજન દર વર્ષે આગ્રાના રામલીલા મેદાનમાં કરવામાં આવે છે. આ રામલીલા લગભગ એક મહિના સુધી ચાલે છે. 24 ઓક્ટોબરે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ દશાનનનો વધ કરે છે. રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળાઓને પૂજાના સ્વરૂપ તરીકે બાળવામાં આવે છે. આ વખતે રામલીલામાં રાવણના પૂતળાની ઊંચાઈ 110 ફૂટ છે. ગયા વર્ષે આ ઊંચાઈ 100 ફૂટ હતી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે આ પૂતળાઓમાં ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp