વિશ્વના પ્રથમ ઓમ આકારના સૌથી મોટા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, ભવ્યતા આંજી દેશે
રાજસ્થાનના પાલીમાં વિશ્વનું પ્રથમ ઓમ આકારનું શિવ મંદિર તૈયાર છે. મંદિરની દિવ્યતા અને ભવ્યતા જોઈને તમારી આંખો ચમકી ઉઠશે. પાલી જિલ્લાના જાદનમાં લગભગ 250 એકરમાં ઓમ આકારનું મંદિર તૈયાર છે. આ વિશ્વનું પ્રથમ ઓમ આકારનું શિવ મંદિર છે. આ યોગ મંદિરના પરિસરમાં અન્ય ઘણી ઇમારતો છે જે સનાતન પ્રતીકોના રૂપમાં છે. તેમાં યજ્ઞવેદી જેવું બે માળનું ગુરુકુળ, સ્વસ્તિકના આકારની છાત્રાલય અને તારા આકારની હોસ્પિટલ બિલ્ડીંગ મુખ્ય છે. યોગ મંદિરમાં ફક્ત એક જ આકર્ષણ નથી, મંદિરનો દરેક ખૂણો આકર્ષણનું કેન્દ્ર છે. તો ચાલો જાણીએ મંદિરની વિશેષતા...
લોકોને સનાતન સંસ્કૃતિ અને યોગ સાથે જોડવા માટે, તીર્થસ્થાન લક્ષી શ્રી અલખપુરી સિદ્ધપીઠ પરંપરાના વડા, મહામંડલેશ્વર મહેશ્વરાનંદ મહારાજ દ્વારા તેને નક્કર આકાર આપવામાં આવ્યો હતો. તેમણે 40 વર્ષ પહેલા આ સપનું જોયું હતું. જ્યારે એક વિદેશી પ્રવાસીએ તેને કહ્યું કે, તેણે ભારતની મુલાકાત દરમિયાન તાજમહેલ જોયો નથી, તેથી તેની સફર અધૂરી રહી ગઈ. પછી તેણે ઓમ અકારનું મંદિર બનાવવાનું વિચાર્યું અને 23 જાન્યુઆરી 1995ના રોજ જદન પાસે તેનો શિલાન્યાસ કર્યો.
28 વર્ષ સુધી સતત કામ કર્યા પછી હવે મંદિરે આખો ઓમ આકાર ધારણ કરી લીધો છે. 10 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વનું આ એકમાત્ર ભવ્ય ઓમ આકારનું મંદિર છે. મંદિરમાં પર્વતો અને તળાવોને પણ કૃત્રિમ બનાવવામાં આવ્યા છે. 250 એકરમાં ચાર માળની બિલ્ડીંગ અને 108 રૂમ ઓમ આકારનો અહેસાસ થાય તે રીતે બનાવવામાં આવ્યો છે. ઓમ આકારના ભવ્ય મંદિરમાં 12 જ્યોતિર્લિંગના રૂપમાં ભગવાન શિવનું મંદિર છે. તેમજ આ મંદિરમાં ભગવાન શિવની 1008 મૂર્તિઓ સ્થાપિત છે.
શિવ મંદિરની સાથે અહીં સાત ઋષિઓની સમાધિ પણ છે. ઉપરાંત આ બિલ્ડીંગમાં ચાર માળની શાળા અને કોલેજ પણ છે. મંદિરની ઇમારત નાગર શૈલીની સ્થાપત્ય ધરાવે છે. આર્કિટેક્ચર પણ ઉત્તર ભારતીય છે. અડધા કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા મંદિરનો શિલાન્યાસ સમયે દેશભરમાંથી સંતો-મુનિઓ આવ્યા હતા. મંદિરમાં ભગવાન શિવની 1008 અલગ-અલગ મૂર્તિઓ છે. મંદિરમાં કુલ 108 રૂમ છે.
મંદિરનું શિખર 135 ફૂટ ઊંચું છે. સૌથી ઉપરના ભાગમાં શિવલિંગ છે. શિવલિંગ પર બ્રહ્માંડનો આકાર છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, આશ્રમના નિર્માણમાં ધોલપુરના ગુલાબ બંસી પહાડપુરના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશમાંથી સેંકડો લોકો આવશે. તેમના રહેવા અને જમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તો વિદેશી મહેમાનો માટે 100 સ્વીટ હોમ બનાવવામાં આવ્યા છે. આશ્રમમાં ત્રણ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp