મેમાં તો કંઈ નથી, જૂનમાં હજુ વધુ ગરમી પડશે, IMDએ ચોમાસા અંગે પણ ખુલાસો કર્યો

PC: mukhyadhara.in

ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. IMD ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસા હેઠળ સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.

તેમણે કહ્યું કે, આ ચાર મહિનામાં વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના 106 ટકા રહેવાની શક્યતા છે. જો કે, તેમણે કહ્યું કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

મહાપાત્રાએ સોમવારે કહ્યું કે, દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના લોકો, જે આકરી ગરમીથી ત્રસ્ત છે, તેઓ 30 મે પછી આકરી ગરમીથી રાહત મેળવી શકે છે. તેમણે કહ્યું કે, ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં તીવ્ર ગરમીની લહેર ચાલી રહી છે અને તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે, પરંતુ તેની તીવ્રતા 30 મેથી ધીમે ધીમે ઘટશે, કારણ કે પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, તેમજ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદની સંભાવના છે, જે લોકોને ગરમીથી રાહત આપી શકે છે.

જો કે, મહાપાત્રાએ એમ પણ કહ્યું કે, આ રાહત કામચલાઉ હશે અને જૂન મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે અને ઉકળાટમાં પણ વધારો થશે.

તેમના મતે, દક્ષિણ દ્વીપકલ્પના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહી શકે છે, જ્યારે ઉત્તર પશ્ચિમના દૂરના ઉત્તરીય ભાગો અને પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહી શકે છે.

તેમણે એમ પણ કહ્યું કે, જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર મધ્ય પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી તીવ્ર ગરમીની લૂ ચાલુ રહી શકે છે.

મહાપાત્રાએ કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં ત્રણ દિવસ ગરમીની લૂ રહે છે, પરંતુ આ વખતે આવી સ્થિતિ આ વિસ્તારોમાં તેની અંદર બે-ચાર દિવસ વધારો થઇ શકે છે, એટલે કે તીવ્ર ગરમીની લૂ વધારે સમય રહેવાની ધારણા છે. એટલે કે આ વિસ્તારોમાં ચાર થી છ દિવસ ભયંકર લૂ લાગી શકે છે. તેમણે જણાવ્યું કે, મે મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં 9 થી 12 દિવસ સુધી ગરમીની લૂ રહી હતી અને તાપમાન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

મહાપાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગા વિસ્તાર, દક્ષિણ છત્તીસગઢ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે વરસાદ આધારિત કૃષિ વિસ્તારોમાં પણ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ભાગોનો સમાવેશ થાય છે.

મહાપાત્રાએ કહ્યું કે જો વરસાદ LPAના 90 ટકાથી ઓછો હોય તો તેને ઓછો વરસાદ ગણવામાં આવે છે. તેમના મતે, 90 થી 95 ટકા વચ્ચેનો વરસાદ સામાન્યથી ઓછો, 96 થી 104 ટકા વચ્ચેનો વરસાદ સામાન્ય અને 105 થી 110 ટકા વચ્ચેનો વરસાદ સામાન્ય કરતાં વધુ ગણવામાં આવે છે.

IMD ચીફે કહ્યું કે, લાંબા ગાળાની સરેરાશ હેઠળ સમગ્ર દેશમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે સરેરાશ 87 cm વરસાદ પડે છે. તેમણે કહ્યું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. તેમના મતે, આ વિસ્તારોમાં LPAના 94 થી 106 ટકા વરસાદ થઈ શકે છે.

મહાપાત્રાએ કહ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના મોટાભાગના ભાગોમાં વિસ્તર્યું છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને કેરળ અને તમિલનાડુ-પુડુચેરીના કેટલાક ભાગો અને બંગાળની ખાડીના કેટલાક ભાગો અને પૂર્વોત્તર રાજ્યોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp