યુરિન બેગ હતી નહિ,હોસ્પિટલવાળાએ તેની જગ્યાએ દર્દીને સ્પ્રાઇટની બોટલ લગાવી દીધી

બિહારમાં આ દિવસોમાં સરકારી તંત્રના આશ્ચર્યજનક કારનામાઓ સામે આવી રહ્યા છે. પ્રથમ તો ખુરશી તોડવાના કારણે શાળામાં મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીઓને એટલો માર માર્યો હતો કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યારે વૈશાલીમાં એક શાળામાં શિક્ષકે 6 વિદ્યાર્થીઓને એક રૂમમાં બંધ કરી તાળું મારીને ઘરે નીકળી ગયા હતા, અને હવે જમુઈની એક સરકારી હોસ્પિટલમાં પેશાબની થેલીને બદલે હોસ્પિટલના કર્મચારીઓએ દર્દીને ઠંડા પીણાની બોટલ લગાવી દીધી છે. જો કે, હાલમાં તો દરેકને ખબર છે કે, બિહારની હોસ્પિટલમાં આરોગ્ય તંત્ર ભગવાન ભરોસે ચાલી રહ્યું છે, પરંતુ આ જમુઈ સદર હોસ્પિટલમાં જે કંઈ બન્યું છે તે હાસ્યાસ્પદ પણ છે.
બિહારની એક હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. યુરિન ડ્રેનેજ બેગ ન મળવાને કારણે એક દર્દીને ઠંડા પીણાની ખાલી બોટલ લગાવવામાં આવી હતી. ત્યાર પછી ખબર પડી કે દર્દી માટે જરૂરી દવાઓ અને ઈન્જેક્શન પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. હોસ્પિટલના મેનેજરે બેદરકારી અંગે ખુલાસો કર્યો છે.
મીડિયા સૂત્રો દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલ મુજબ, આ મામલો જમુઈ જિલ્લાની સદર હોસ્પિટલ સાથે સંબંધિત છે. 7 ઓગસ્ટની રાત્રે ઝાઝા રેલવે પોલીસે અહીં એક દર્દીને બેભાન અવસ્થામાં દાખલ કર્યો હતો.
હોસ્પિટલના સ્ટાફને દર્દીને એપ્સોલીન અને ગેસનું ઈન્જેક્શન આપવા અને યુરીનલ બેગ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, હોસ્પિટલ પાસે આમાંથી કોઈ પણ વસ્તુ સ્ટોકમાં ન હતી. ત્યારબાદ સ્ટાફે દર્દીને ઠંડા પીણાની બોટલ લગાવી દીધી હતી. દર્દીને કોઈ દવા પણ આપવામાં આવી ન હતી. એવું જણાવવામાં આવે છે કે, રાત્રે હોસ્પિટલના મેનેજર રમેશ પાંડેને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. દર્દી આખી રાત દવા વગર રહ્યો.
બીજા દિવસે સવારે, જ્યારે મેનેજરને આ બાબતની જાણ થઈ, ત્યારે ભારે ઉતાવળથી એક યુરીનલ બેગ અને અન્ય જરૂરી દવાઓ મંગાવી અને દર્દીને આપવામાં આવી. મેનેજર રમેશ પાંડેએ સ્પષ્ટતામાં મીડિયા સૂત્રોને જણાવ્યું કે, મને એ જાણ ન હતી કે, હોસ્પિટલમાં યુરીનલ બેગ નથી. હોસ્પિટલના સ્ટોર ઈન્ચાર્જના પગમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે ફરજ પરના કર્મચારીઓને તેની માહિતી મળી શકી ન હતી. મને માહિતી મળતાં જ મેં માલ ઉપલબ્ધ કરાવ્યો. ભવિષ્યમાં આવી સ્થિતિ ન બને તે માટે સંબંધિત આરોગ્ય કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
આ સાથે મેનેજરે બેદરકારીની વાત સ્વીકારતા દાવો કર્યો હતો કે, ઘટના સમયે હાજર આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp