'તેઓ દારૂ પીને ગુરુદ્વારા જાય છે, માને પણ આપ્યો ત્રાસ...',CM માનની પુત્રીનો આરોપ

PC: news18.com

પંજાબના CM ભગવંત માનની પુત્રીએ તેમના પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. સીરત કૌર માનનો આરોપ છે કે CM ભગવંત માન દ્વારા તેની માતા અને તેની પૂર્વ પત્નીનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. CM ભગવંત માન પર આરોપ લગાવતા તેમની પુત્રીએ કહ્યું કે, તેમના ભાઈને રાત્રે CM આવાસની બહાર નિકાળી દેવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં CM ભગવંત માનની પુત્રીએ કહ્યું, 'હું સીરત કૌર માન છું. હું પંજાબના CM ભગવંત માનની પુત્રી છું. શરૂઆતમાં જ હું સ્પષ્ટ કરી રહી છું કે આ વિડિયોમાં હું તેમને શ્રીમાન અથવા CM સાહેબ તરીકે સંબોધીશ. તેણે મારા દ્વારા પપ્પા કહેવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.'

 

સીરત કૌર માને વાયરલ વીડિયોમાં કહ્યું, 'આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી વાર્તા દુનિયા સમક્ષ આવે. આજ સુધી લોકોએ જે પણ સાંભળ્યું છે તે ફક્ત CM સાહેબ પાસેથી જ સાંભળ્યું છે અને તેમના કારણે અમારે તે બધું સાંભળવું અને સહન કરવું પડ્યું, જે અમે કહી પણ શકતા નથી. આજ સુધી, મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે અને અમે, તેમના બાળકોએ પણ કંઈ કહ્યું નથી, પરંતુ એવું લાગે છે કે, અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.'

સીરત કૌર માને કહ્યું કે CM ભગવંત માનને ખ્યાલ નથી કે, અમારા મૌનને કારણે જ તેઓ આ પદ (CM) પર બેઠા છે. સિરતે આરોપ લગાવ્યો કે, તેના પિતાએ તેના અને તેના નાના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. સિરતે કહ્યું કે, તેનો ભાઈ ગયા વર્ષે બે વાર CM ભગવંત માનને મળવા ગયો હતો પરંતુ તેને CM હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.

 

સીરત કૌર માને વધુમાં આરોપ લગાવ્યો કે, 'એકવાર તેના નાના ભાઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી તેને એવું બહાનું કરીને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું કે, તે રાત્રે ત્યાં રોકાઈ શકશે નહીં. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ઉઠાવી નથી શકતો તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકે?

વીડિયોમાં સીરત કૌરે જણાવ્યું કે, તેના પિતા તેના ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. તેણે જણાવ્યું કે, તેને આ માહિતી તેના પિતાની આસપાસના લોકો પાસેથી મળી હતી. સિરતે કહ્યું કે, તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને બાજુમાંથી કાઢી નાખ્યા છે. ડો.ગુરપ્રીત કૌર ગર્ભવતી છે. સિરતે સવાલ કર્યો કે જે વ્યક્તિએ બે નાના બાળકોને તરછોડી દીધા હોય, તેણે ત્રીજા બાળકને જન્મ કેમ આપવો જોઈએ?

CM ભગવંત માનની પુત્રી સીરત કૌર માને એ પણ કહ્યું કે, પંજાબના CM દારૂ પીને ગુરુદ્વારા જાય છે અને દારૂ પીને વિધાનસભામાં જાય છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. AAP માને છે કે આ CM ભગવંત માનની અંગત બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp