ટાઈ-ચશ્મા,સફેદ થ્રી-પીસનો શોખ,સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાની મોર્ડન શૈલી,ખુદની સેના
ઉત્તર પ્રદેશમાં હાથરસમાં થયેલી નાસભાગમાં 121 લોકોના મોત પછી નારાયણ સાકાર હરી અથવા સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબા સમાચારમાં છે. ભોલે બાબાનું સાચું નામ સૂરજ પાલ સિંહ જાટવ છે. UPના એટાહ જિલ્લાના રહેવાસી ભોલે બાબા પોતાના સત્સંગ ઉપરાંત પોતાની વિચિત્ર શૈલીને કારણે પણ ચર્ચામાં રહે છે. અન્ય સંતોની જેમ બાબા ભગવા વસ્ત્રો પહેરતા નથી અને તેમના કાર્યક્રમોમાં કોઈ ભગવાનની તસવીર પણ નથી લગાવતા. સાકર હરિ તેમના ઉપદેશોમાં સફેદ થ્રી-પીસ સૂટ-બૂટ અને મોંઘા ચશ્મામાં જોવા મળે છે. બાબા પાસે લક્ઝરી કારનો કાફલો અને પોતાની યુનિફોર્મવાળી સેના છે. આ વિશાળ સેનાને આશ્રમના સેવકો કહેવામાં આવે છે.
ખાસ વાત એ છે કે સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની સાથે તેમની પત્ની પણ સત્સંગના મંચ પર બેસે છે. અનુયાયીઓ દાવો કરે છે કે, બાબા કોઈ દાન, દક્ષિણા કે પ્રસાદ વગેરે સ્વીકારતા નથી. બાબા સેવક બનીને ભક્તોની સેવા કરે છે. તે પોતાના ઉપદેશોમાં દંભનો વિરોધ કરે છે. માનવ સેવાને સૌથી મોટી વસ્તુ ગણવાનો સંદેશ આપે છે.
ભોલે બાબા તરીકે ઓળખાતા નારાયણ સાકાર હરી ઉર્ફે સૂરજપાલ જાટવ 18 વર્ષ ઉત્તર પ્રદેશ પોલીસમાં કામ કરી ચુક્યા છે. તેમણે ઈન્ટેલિજન્સ બ્યુરો અને વિભાગના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. ત્યાર પછી લગભગ 26 વર્ષ પહેલા VRS લીધા બાદ તેમણે પત્ની સાથે સત્સંગ શરૂ કર્યો હતો.
પશ્ચિમ UPના જિલ્લાઓમાં બાબાની વિશાળ એકરની જમીન પર આશ્રમ છે, જ્યાં સતત સત્સંગ કાર્યક્રમો ચાલતા રહેતા હોય છે. બાબાના અનુયાયીઓનો સૌથી મોટો વર્ગ અનુસૂચિત જાતિ, જનજાતિ અને OBC શ્રેણીનો છે. વંચિત વર્ગ બાબાને ભોલે બાબા તરીકે જુએ છે.
સૂરજપાલ જાટવ વિરુદ્ધ યૌન શોષણ સહિત 5 કેસ નોંધાયેલા છે. જ્યારે તેઓ UP પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા ત્યારે તેમના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો ત્યારે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. આ દાવો UPના પૂર્વ DGP વિક્રમ સિંહે મીડિયા સૂત્રો સાથે વાત કરતા કર્યો હતો.
ખાસ વાત એ છે કે, ઈન્ટરનેટના યુગમાં અન્ય ઋષિઓ અને કથાકારોની જેમ તેઓ સોશિયલ મીડિયાથી દૂર છે. બાબાનું કોઈપણ પ્લેટફોર્મ પર કોઈ સત્તાવાર એકાઉન્ટ નથી. કથિત ભક્તોનો દાવો છે કે, નારાયણ સાકાર હરિ એટલે કે ભોલે બાબાના પાયાના સ્તરે ઘણા બધા અનુયાયીઓ છે.
વર્ષ 2022માં કોવિડ ગાઇડલાઇન હોવા છતાં, ભોલે બાબાએ તેમના સત્સંગમાં 50 હજાર લોકોની ભીડ એકઠી કરી હતી, જ્યારે માત્ર 50 લોકોની જ મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલો UPના ફરુખાબાદનો હતો. તે દરમિયાન પોલીસ પ્રશાસને કાર્યક્રમના આયોજકો સામે ફરિયાદ નોંધીને સમગ્ર મામલાનો વિટો વળી દીધો હતો. ખાસ વાત એ છે કે, જો કોઈ કાર્યક્રમમાં સ્થિતિ બગડે તો આયોજકો સામે કેસ નોંધવામાં આવે છે. હાથરસની નાસભાગ બાદ પણ પોલીસે માનવ મંગલ મિલન સદભાવના સમાગમ સમિતિના આયોજકોને આરોપી બનાવ્યા છે. બાબાનું નામ FIRમાં નથી.
121 મૃત્યુના કિસ્સામાં, ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં ધાર્મિક મેળાવડાના આયોજકો વિરુદ્ધ FIR નોંધી છે. આયોજકો પર પુરાવા છુપાવવાનો અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ કાર્યક્રમમાં 2.5 લાખ લોકો એકઠા થયા હતા, જ્યારે માત્ર 80 હજાર લોકોની જ મંજૂરી આપવામાં આવી હતી.
સામગમ અથવા 'સત્સંગ'ના આયોજક જગત ગુરુ સાકાર વિશ્વહારી ઉર્ફે ભોલે બાબાનું નામ FIRમાં નથી, જોકે તેમનું નામ ફરિયાદમાં છે. FIRમાં આરોપ છે કે, આયોજકોએ પરવાનગી માંગતી વખતે 'સત્સંગ'માં હાજર રહેલા ભક્તોની વાસ્તવિક સંખ્યા છુપાવી હતી, ટ્રાફિક વ્યવસ્થાપનમાં સહકાર આપ્યો ન હતો અને નાસભાગ પછી પુરાવા છુપાવ્યા હતા. ત્યાં એકઠા થયેલા લોકો બાબાના વાહનના માર્ગ પરથી તેમની ચરણ રજ ઉપાડવા માટે રોકાયા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. ભક્તોની ભારે ભીડને કારણે બાબાના ચરણોની રજ લેવા માટે જે લોકો સુઈ ગયા હતા, તે લોકો કચડાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp