તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થઈ ગઈ છે. ટેસ્ટ રિપોર્ટ મુજબ, પ્રસાદ બનાવનાર ઘીમાં પશુઓની ચરબીની પુષ્ટિ થઈ છે. આ દાવો TDPએ કર્યો છે. લાડુ બનાવવાની ખરાબ સામગ્રી અને પશુ ચરબીના કથિત ઉપયોગને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ ગુરુવારે દાવો કર્યો હતો કે ગુજરાત સ્થિત પશુધન લેબ તરફથી ભેળસેળની પુષ્ટિ કરવામાં આવી છે. TDPએ દાવો કર્યો છે કે તિરૂપતિના પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદના રૂપમાં વિતરીત કરાતા લાડુ બનાવવા માટે ગૌમાંસની ચરબી, માછલીનું તેલ અને તાડના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
TDPના પ્રવક્તા અનમ વેંકટ રમણ રેડ્ડીએ સંવાદદાતાઓને કથિત લેબ રિપોર્ટ દેખાડ્યો, જેમાં આપવા આવેલા ઘીના નમૂનામાં ગૌમાંસની ચરબીની ઉપસ્થિતિની પુષ્ટિ કરવામાં આવી હતી. કથિત લેબના રિપોર્ટમાં નમૂનામાં લાર્ડ (ડુક્કરની ચરબી સાથે સંબંધિત) અને માછલીના તેલની ઉપસ્થિતિનો પણ દાવો કરવામાં આવ્યો છે. સેમ્પલ લેવાની તારીખ 9 જુલાઇ 2024 હતી અને લેબ રિપોર્ટ 16 જુલાઈનો હતો. ગુજરાતના રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના પશુધન અને ખાદ્ય વિશ્લેષણ અને અધ્યયન કેન્દ્ર અથવા CALF લેબના રિપોર્ટથી ખબર પડે છે કે YSRCP સત્તામાં હતી એ દરમિયાન પ્રસિદ્ધ તિરૂપતિ લાડુ બનાવવા માટે ઉપયોગ કરાયેલ ઘીમાં પશુ ચરબીની ઉપસ્થિતિ હતી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ લગવાયો કે પાછલી YSRCP સરકારે પવિત્ર મીઠાઇ તિરૂપતિ લાડુ બનાવવામાં ખરાબ સામગ્રી અને પશુ ચરબીનો ઉપયોગ કર્યો હતો. વિપક્ષી YSR કોંગ્રેસ પાર્ટીએ તેનું ખંડન કર્યું છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ભાજપ અને TDPએ પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની નિંદા કરી છે. ભાજપના નેતા બંદી સંજય કુમારે કહ્યું કે, હિન્દુઓ સાથે મોટા વિશ્વાસઘાત માટે ભગવાન માફ નહીં કરે. લાડુમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવો તિરૂમાલા વેંકટેશ્વર સ્વામીની પૂજા કરનારા હિન્દુઓની આસ્થા અને વિશ્વાસ સાથે વિશ્વાસઘાત છે.
તો રાજા સિંહે કહ્યું કે પવિત્ર તિરૂપતિ લાડુ પ્રસાદમમાં બીફ ફેટ અને માછલીના તેલનો ઉપયોગ કરવો, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા પર સીધો હુમલો છે, જેને સહન નહીં કરી શકાય. હું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહ મંત્રી અમિત શાહજીને આ ગંભીર ગુના માટે જવાબદાર લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp