ચેકિંગથી બચવા યાત્રી શૌચાલયમાં ઘુસ્યો,ધૂમ્રપાન કરી સિગારેટ કચરામાં ફેંકી, પછી...

PC: punjabkesari.in

બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ-સિકંદરાબાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ધુમાડો નીકળ્યો હતો. આ ઘટના બાદ ટ્રેનના ડ્રાઈવરે તેને આંધ્રપ્રદેશના મનુબોલુ ગામમાં રોકી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન નેલ્લોર જિલ્લામાંથી પસાર થઈ રહી હતી અને લોકો પાયલટે સ્ટાફને ધુમાડા અને આગ વિશે ચેતવણી આપી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યાર પછી તપાસ કરતા રેલવે સ્ટાફને એક કોચના ટોયલેટમાંથી આ ધુમાડો નીકળતો દેખાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તિરુપતિ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં એક ટિકિટ વગરનો યાત્રી મુસાફરી કરી રહ્યો હતો. આ મુસાફર ટિકિટ ચેકરના ચેકિંગથી બચાવવા માટે ટ્રેનના C-13 કોચમાં પોતાની જાતને બંધ કરી દીધી હતી. કહેવામાં આવે છે કે, આ મુસાફર તિરુપતિથી અનધિકૃત રીતે ટ્રેનમાં ચઢ્યો હતો. ટિકિટ વિનાના મુસાફરે શૌચાલયમાં રહેલી પ્લાસ્ટિકની નકામી સામગ્રી પર સળગતી સિગારેટ ફેંકી દીધી હતી. જેના કારણે તેમાં આગ લાગી હતી.

આ પછી, ટોઇલેટમાંથી ધુમાડો નીકળવાનું શરુ થઇ ગયું હતું, જે લોકો પાઇલટની નજરમાં આવી ગયું. આ વાતને ગંભીરતાથી લઈને લોકો પાયલટે હાજર સ્ટાફને જાણ કરી. આ મામલે કોઈ જાનહાનિ વગેરે થવા અંગે કોઈ માહિતી નથી. આ મામલામાં મુસાફરની નેલ્લોરમાં અટકાયત કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ મધ્ય રેલવે હેઠળ ચાલતી તિરુપતિ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન 8 એપ્રિલ 2023ના રોજ PM નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને કર્યું હતું. સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ એ બીજી વંદે ભારત ટ્રેન છે જે ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેલંગાણાથી રજૂ કરવામાં આવી છે.

તિરુપતિ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સિકંદરાબાદથી સવારે 6.15 વાગ્યે ઉપડે છે. મુસાફરી દરમિયાન, આ ટ્રેન સવારે 7:29 વાગ્યે નાલગોંડા, સવારે 9:35 વાગ્યે ગુંટુર, 11:12 વાગ્યે ઓંગોલ, 12:29 વાગ્યે નેલ્લોર સ્ટેશને રોકાઈને પછી બપોરે 2:30 વાગ્યે તિરુપતિ પહોંચશે. આના પછી, તે જ વંદે ભારત ટ્રેન બપોરે 3:15 વાગ્યે તિરુપતિથી શરુ થાય છે અને રાત્રે 11:30 વાગ્યે સિકંદરાબાદ પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp