ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ફેંકાયું 'ટામેટા-છાણ', 'ભાઈ' રાજના જવાબે સૌને ચોંકાવ્યા

PC: marathi.abplive.com

મહારાષ્ટ્રમાં આગામી બે મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય ગરમાવો શરૂ થયો છે. ચૂંટણીના માહોલમાં ઉદ્ધવ અને પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચેની દુશ્મનાવટની કોઈ ચર્ચા ન થાય એ અસંભવ છે. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ ઓછાવત્તા અંશે એવો જ સંકેત આપે છે. હકીકતમાં, જ્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરે શનિવારે તેમના પક્ષના કાર્યકરોની બેઠક માટે થાણેના ગડકરી રંગાયતન સભાગૃહ પહોંચ્યા, ત્યારે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ વિરોધ કર્યો અને તેમના કાફલા પર ટામેટાં અને ગાયનું છાણ ફેંક્યું. હવે આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે.

શિવસેના (UBT)એ રાજ ઠાકરે પર હુમલો કર્યો અને તેમની પાર્ટીને સોપારીબાજ ગણાવી. શિવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, 'હવે સમજાયું કે રાજ ઠાકરે અને તેમની પાર્ટીને સોપારીબાજ કેમ કહેવામાં આવે છે. થાણેમાં જે રીતે ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સરકાર પર સવાલો ઉભા કરે છે કે, તે મહારાષ્ટ્રના પૂર્વ CMને સુરક્ષા કેમ આપી શકતી નથી.'

શિવસેના (UBT)એ મહારાષ્ટ્રના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું, 'રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. જો CM એકનાથ શિંદેના ગૃહ જિલ્લામાં આવા હુમલા થાય છે, તો સ્પષ્ટ છે કે, તેના માટે 'સોપારી' લેવામાં આવી છે. પહેલા લોકો કહેતા હતા કે, રાજ ઠાકરે અને તેમની પાર્ટી સોપારીબાજ છે. પરંતુ હવે એ વાત સાબિત થઈ છે, થાણેમાં જે રીતે અમારા નેતા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ ખૂબ જ શરમજનક છે. CM એકનાથ શિંદેની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. DyCM દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.'

જ્યારે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉદ્ધવ ઠાકરે પર હુમલો સ્વીકાર્યો છે. MNSના થાણે-પાલઘર જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યું, 'કેટલાક શિવસૈનિકોએ રાજ ઠાકરેની કારની સામે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. MNSએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અમારા કાર્યકરોએ 15થી વધુ વાહનો પર છાણ ફેંક્યું છે. જો કોઈ શિવસૈનિક રાજ ઠાકરેની વિરુદ્ધ જશે તો તેને એવો જ જવાબ આપવામાં આવશે. અને તેઓને ઘરની અંદર ઘૂસીને મારવામાં આવશે.'

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે ઉદ્ધવ ઠાકરેના કાફલા પર પક્ષના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલાને કાર્યકરોના રોષનું પરિણામ ગણાવ્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું કે, કેટલાક લોકોએ તેમના કાફલા પર સોપારી ફેંકી હતી, જેની શિવસેના (UBT)એ નિંદા કરી નથી, જેના કારણે હતાશામાં MNS કાર્યકર્તાઓએ ઉદ્ધવના કાફલાને નિશાન બનાવ્યું હતું. હકીકતમાં શુક્રવારે બીડ જિલ્લામાં રાજ ઠાકરેના કાફલા પર કેટલાક લોકોએ સોપારી ફેંકી હતી. સત્તાવાળાઓએ ઉદ્ધવના કાફલા પર હુમલાના સંબંધમાં MNSના 40 કાર્યકરોની અટકાયત કરી હતી, પરંતુ પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, પોલીસે પાછળથી 54 MNS કાર્યકરોના નામ સાથે બે FIR નોંધી

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, બીડમાં શિવસેના-UBT જિલ્લા પ્રમુખે ઘટનાની નિંદા ન કરવા પર MNS કાર્યકર્તાઓએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, 'થાણેમાં MNS કાર્યકર્તાઓની આ કાર્યવાહી, બીડ જિલ્લામાં શિવસેના-UBT જિલ્લા પ્રમુખે ઘટનાની નિંદા ન કરવાને કારણે હતાશાથી પ્રેરિત હતી. MNS કાર્યકર્તાઓ શિવસેના-UBT દ્વારા પ્રતિસાદ ન મળવાથી નારાજ હતા, જેના કારણે તેઓએ આ કર્યું.' રાજ ઠાકરેએ તેમના કાર્યકરોને હાલ પૂરતા પાછળ હટી જવાની અપીલ કરી હતી. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે, વિધાનસભાની ચૂંટણી પછી એ લોકોના વર્તન પર ધ્યાન આપવામાં આવશે, જેમણે પોતાનું વર્તન બદલવાનું નકાર્યું છે.

આ ઘટના પર મહારાષ્ટ્રના CM અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું છે કે, થાણેમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કાફલાને નિશાન બનાવવું એ 'ક્રિયાની પ્રતિક્રિયા' છે. આ ઘટના અંગેના પ્રશ્નના જવાબમાં CM શિંદેએ કહ્યું, 'આની શરૂઆત કોણે કરી? શિવસેના (UBT)ના કાર્યકરોએ ઔરંગાબાદમાં રાજ ઠાકરેના કાફલાને નિશાન બનાવ્યું હતું. તે માત્ર ક્રિયાની પ્રતિક્રિયા હતી.'

તેમણે કહ્યું કે, જે લોકોએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે અને શિવસેનાના નેતા આનંદ દિઘેના વિચારોને છોડી દીધા છે, તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. શુક્રવારે, શિવસેના (UBT) સમર્થકોએ બીડ શહેરમાં ઉદ્ધવના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના કાફલા પર સોપારી ફેંકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp