'કાલે બધા નેતાઓ સાથે BJP હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય...', CM કેજરીવાલ

PC: facebook.com/AAPkaArvind

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે CM અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારની ધરપકડ કરી છે. દરમિયાન, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'કાલે હું મારા તમામ નેતાઓ સાથે 12 વાગે BJP હેડક્વાર્ટર આવી રહ્યો છું. તમે જેને ઈચ્છો તેની ધરપકડ કરી શકો છો.'

CM અરવિંદ કેજરીવાલે કહ્યું, 'તમે જોઈ રહ્યા છો કે, આ લોકો કેવી રીતે આમ આદમી પાર્ટીની પાછળ પડી ગયા છે. તેઓ એક પછી એક અમારા નેતાઓને જેલમાં ધકેલી રહ્યા છે. મને જેલમાં નાખ્યો, મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યો, સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખ્યો, સંજય સિંહને જેલમાં નાખ્યો, આજે મારા PAને જેલમાં નાખ્યો, હવે તેઓ કહે છે કે, રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં નાખશે જે હમણાં જ લંડનથી પાછા આવ્યા છે, થોડા દિવસોમાં તેઓ કહી રહ્યા છે કે, સૌરભ ભારદ્વાજને પણ જેલમાં નાખવામાં આવશે, આતિશીને પણ જેલમાં નાખવામાં આવશે.'

તેમણે કહ્યું, 'હું વિચારી રહ્યો હતો કે, તેઓ શા માટે અમને બધાને જેલમાં નાખવા માગે છે. અમારો શું વાંક? અમારો દોષ એ છે કે, અમે દિલ્હીમાં ગરીબ બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી અને સરકારી શાળાઓને ઉત્તમ બનાવી, તે લોકો આવું કરી શકતા નથી. એટલા માટે તેઓ દિલ્હીની સરકારી શાળાઓને બંધ કરાવવા માંગે છે. અમારો દોષ એ છે કે, અમે દિલ્હીની અંદર મહોલ્લા ક્લિનિક બનાવ્યા, સરકારી હોસ્પિટલો બનાવી, લોકો માટે મફત દવાઓની વ્યવસ્થા કરી, સારી સારવારની વ્યવસ્થા કરી, પરંતુ તે લોકો આવું કરી શકતા નથી. એટલા માટે તેઓ દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક, હોસ્પિટલ અને સારવાર બંધ કરવા માંગે છે.'

CM કેજરીવાલે કહ્યું, 'અમારી ભૂલ એ છે કે, પહેલા દિલ્હીમાં 10-10 કલાકનો પાવર કટ થતો હતો, અમે લોકોએ 24 કલાક વીજળી આપી, તેઓ તે વીજળીને બંધ કરવા માંગે છે. અમારી ભૂલ એ છે કે, અમે દિલ્હીના લોકો માટે વીજળી મફત કરી, તેઓ મફત વીજળી બંધ કરવા માગે છે. હું PMને કહેવા માગું છું, PM, તમે આ જેલ-જેલની રમત રમી રહ્યા છો. ક્યારેક મનીષ સિસોદિયાને જેલમાં ધકેલી દે છે, તો ક્યારેક CM અરવિંદ કેજરીવાલને તો ક્યારેક સંજય સિંહને. આવતીકાલે હું મારા તમામ મોટા નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે 12 વાગે BJP હેડક્વાર્ટર આવી રહ્યો છું. જેને તમારે જેલમાં નાખવા હોય, તેમને જેલમાં નાખો.'

તેમણે કહ્યું, 'તમને લાગે છે કે, તમે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખીને પાર્ટીને કચડી શકો છો. આમ આદમી પાર્ટી આ રીતે કચડાઈ જવાની નથી, તમે એકવાર અજમાવી જુઓ. આમ આદમી પાર્ટી એક એવો વિચાર છે, જે દેશભરના લોકોના દિલમાં ઉતરી ગયો છે. તમે જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂર્યા છે, તેના કરતા આ દેશ 100 ગણા વધુ નેતાઓ પેદા કરશે. આવતીકાલે 12 વાગે હું મારા તમામ નેતાઓ સાથે BJP હેડક્વાર્ટર આવી રહ્યો છું, તમારે જેને જેલમાં નાખવા હોય તેને જેલમાં નાખી દો.'

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર CM હાઉસમાં મારપીટ કરવાના કેસમાં દિલ્હી પોલીસે આરોપી વિભવ કુમારની ધરપકડ કરી છે. વિભવની CM અરવિંદ કેજરીવાલના CM હાઉસમાંથી અટકાયત કરવામાં આવી હતી અને ત્યાંથી પોલીસ તેને સિવિલ લાઈન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યા હતા કે, વિભવ દિલ્હીની બહાર નથી પરંતુ તે માત્ર CMના આવાસમાં જ હાજર હતો.

જેવી પોલીસ વિભવને લઈને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી કે તરત જ AAPના લીગલ સેલના વડા સંજીવ નાસિયારે બળજબરીથી ત્યાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. આ પછી દિલ્હી પોલીસે તેને ધક્કો મારીને એક તરફ ધકેલી દીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિભવ કુમાર દ્વારા દિલ્હી પોલીસને તેમની ફરિયાદ અંગે મોકલવામાં આવેલા મેઈલનું IP એડ્રેસ પણ પોલીસે ટ્રેક કર્યું હતું. ઘણી ટીમો સતત વિભવને શોધી રહી હતી અને અંતે વિભવને CM આવાસ પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp