ફરી એકવાર ટ્રેન પાટા પરથી ઉતારવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યું

PC: twitter.com

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમપુર રેલવે સ્ટેશન પાસે રવિવારે સવારે રેલવે ટ્રેક પર એક ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો, જે જોઈને લોકો પાયલોટ (ડ્રાઇવરે) માલગાડીને રોકી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે ગૂડ્ઝ ટ્રેનના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવ્યા બાદ ટ્રેનને પાટા પરથી ઉતરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે માલગાડી કાનપુરથી પ્રયાગરાજ તરફ જઈ રહી હતી. લગભગ એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે રેલવે સેવા ખોરવાઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે લગભગ 8.10 વાગ્યે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોલીસે માહિતી આપી હતી કે પ્રેમપુર સ્ટેશનથી અલ્હાબાદ તરફના રેલવે માર્ગ પર લાલ રંગનો ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો.

આ માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક પ્રેમપુર રેલવે સ્ટેશન પર પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું. ટ્રેક પર લાલ રંગનો ખાલી સિલિન્ડર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કાનપુર પૂર્વના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) શ્રવણ કુમાર સિંહે જણાવ્યું કે, લોકો પાઇલટે રેલવે અધિકારીઓને એલર્ટ કર્યા, જેમણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને કાનપુર પોલીસને જાણ કરી અને તપાસ શરૂ કરવામાં આવી.

પોલીસે જણાવ્યું કે ગૂડ્ઝ ટ્રેનના લોકો પાયલોટે પાંચ કિલોગ્રામ વજનનો LPG સિલિન્ડર જોયો, ત્યારબાદ કાનપુરથી પ્રયાગરાજ જતી ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકી દેવામાં આવી.

તેમણે કહ્યું ત્યાર બાદ સ્નિફર ડોગ્સને કામે લગાડવામાં આવ્યા હતા અને ફોરેન્સિક નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા. તેઓએ જોયું કે સિલિન્ડર ખાલી છે. લગભગ 15 દિવસ પહેલા શિવરાજપુર વિસ્તારમાં સિલિન્ડર પાટા પર મૂકીને પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન ઉભી રહે તે પહેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી અને ટ્રેન અથડાયા બાદ સિલિન્ડર પાટા પરથી નીચે પટકાયો હતો.

આવી જ રીતે થોડા દિવસો પહેલા કાનપુર-કાસગંજ રેલવે માર્ગ પર પાટા વચ્ચે ગેસ સિલિન્ડર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંને કેસમાં તપાસ ચાલી રહી છે. લગભગ એક મહિનામાં આ ત્રીજી ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp