84Km સુધી ડ્રાઈવર વગર દોડતી રહી ટ્રેન,રેલ્વેમાં ખળભળાટ મચી ગયો,તપાસના આદેશ આપ્યા

PC: aajtak.in

જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલ્વે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન અચાનક પઠાણકોટ તરફ આગળ વધી હતી. સ્ટેશન પાસે ઢાળના કારણે આ માલસામાન ટ્રેન ડ્રાઈવર વગર જ દોડવા લાગી, ત્યારપછી ટ્રેન લગભગ 84 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી. આ ઘટનાથી રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

ભારે ઉતાવળમાં, ઘણા પ્રયત્નો પછી, ટ્રેનને પંજાબના મુકેરિયનમાં ઉંચી બસ્સી પાસે રોકવાના પ્રયાસોમાં સફળતા મળી હતી. જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરનું કહેવું છે કે, આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. ડ્રાઇવરે જમ્મુના કઠુઆ રેલવે સ્ટેશન પર માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. અહીં ડ્રાઈવર ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા માટે ગયો હતો. આ દરમિયાન, ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને થોડી આગળ ધીમે ચાલ્યા પછી તે વધારે ઝડપથી દોડવા લાગી હતી.

કઠુવા રેલ્વે સ્ટેશન નજીકના સૂત્રોનું એવું કહેવું છે કે, માલગાડી કોંક્રીટ લઈને જઈ રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી લોડ કરવામાં આવી હતી. જ્યારે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર બંને નીચે ઉતરીને ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ હતું. દરમિયાન સવારે 7:10 કલાકે અચાનક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા એન્જીનની હેન્ડબ્રેક ખેંચી ન હતી.

આ પછી જ્યારે ડ્રાઈવરે જોયું કે, ટ્રેન ચાલુ થઈ ગઈ છે, તો તેના હોશ ઉડી ગયા. આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. આ પછી પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓ દસુહા નજીક ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકવામાં સફળ થયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

એ તો સારું થયું કે સદનસીબે તે ટ્રેક પર આગળ ની બાજુ બીજી કોઈ ટ્રેન ન હતી, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને આ કેમ થયું તેનું કારણ જાણવા માટે ફિરોઝપુરથી એક ટીમ મોકલવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp