ટોયલેટમાં સફર, કોચમાં પગ મૂકવાની જગ્યા નથી...રાહુલે વીડિયો શેર કરી સવાલો ઉઠાવ્યા

PC: kalaignarseithigal.com

લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે. આ તબક્કામાં કેરળની તમામ 20 સીટો પર મતદાન થશે. વોટિંગના પાંચ દિવસ પહેલા વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના એક્સ હેન્ડલથી નવી દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસ ટ્રેનનો વીડિયો શેર કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વીડિયોમાં કેટલાક લોકો ટ્રેનના AC કોચમાં ટોયલેટ પાસે સૂઈ રહેલા જોવા મળે છે. કોચની અંદર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે. બેઠકો સિવાય, ફ્લોર પર પણ દરેક જગ્યાએ લોકો બેઠા છે. શૌચાલયની પાસે પણ ઘણા લોકો બેઠા છે અને સૂઈ રહેલા છે. એક યુવકના પગ ટોયલેટના દરવાજાની અંદર છે અને તે સૂઈ રહ્યો છે.

વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું કે, 'PM નરેન્દ્ર મોદીના શાસનમાં ટ્રેનની મુસાફરી સજા બની ગઈ છે. સામાન્ય માણસની ટ્રેનોમાંથી જનરલ કોચ ઘટાડીને માત્ર પસંદગીની ટ્રેનોને જ પ્રોત્સાહન આપતી મોદી સરકાર દ્વારા દરેક વર્ગના મુસાફરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ લોકો પોતાની સીટ પર શાંતિથી બેસી શકતા નથી. સામાન્ય માણસને જમીન પર અને શૌચાલયોમાં છુપાઈને મુસાફરી કરવાની ફરજ પડે છે. મોદી સરકાર પોતાની નીતિઓથી રેલ્વેને નબળી અને અયોગ્ય સાબિત કરવા માંગે છે, જેથી તેને તેના મિત્રોને વેચવાનું બહાનું મળી શકે. જો સામાન્ય માણસની સવારી બચાવવી હોય તો રેલવેને બરબાદ કરવામાં લાગેલી મોદી સરકારને દૂર કરવી પડશે.'

રાહુલ ગાંધીએ શેર કરેલો વીડિયો કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક છોકરાએ શૂટ કર્યો હતો. વીડિયોના અંતમાં છોકરો મલયાલમમાં કહેતો જોઈ શકાય છે કે, દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસની આ હાલત છે. તે જણાવે છે કે, ટ્રેનના કોચમાં ભારે ભીડ છે અને કેટલાક મુસાફરો ટોઇલેટમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. ભારે ભીડને કારણે મુસાફરોને ટ્રેનના ફ્લોર પર બેસીને મુસાફરી કરવાની ફરજ પડે છે અને એક બીજાની ઉપર બેસેલા જોવા મળે છે. છોકરો કહે છે કે, AC કોચમાં જેમની પાસે ટિકિટ છે, તેઓ પણ પોતાની સીટ પર બરાબર બેસી શકતા નથી.

આ વીડિયોમાં પ્લેટફોર્મનો નજારો પણ બતાવવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉભા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન કે રેલ્વે સ્ટેશન પર ભીડ જોવાની વાત નવી નથી. ભારતમાં અનેક પ્રસંગોએ, લોકો કોચની ઉપર અથવા તો બે કોચ વચ્ચે મુસાફરી કરતા જોવા મળ્યા છે. આવી બેદરકારીના કારણે અનેક મોટા અકસ્માતો થયા છે. ઘણીવાર તહેવારોના સમયમાં ટ્રેનમાં ભીડ વધી જાય છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે સ્ટેશનો અને ટ્રેનોમાં પણ ઘણી ભીડ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp