રામદાસ અઠાવલેએ અધીર રંજન ચૌધરીને આપી ખુલ્લી ઓફર, બોલ્યા- ‘પરેશાન છો તો..’
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ બુધવારે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને કોંગ્રેસ છોડવાની સલાહ આપી નાખી. તેની સાથે જ રામદાસ અઠાવલેએ અધીર રંજન ચૌધરીને ખુલ્લી ઓફર પણ આપી. તેમણે કહ્યું કે, જો અધીર રંજન ચૌધરી ઇચ્છે તો NDA કે મારી પાર્ટીમાં સામેલ થઇ શકે છે. રામદાસ અઠાવલેએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને કહ્યું કે જો તમને કોંગ્રેસમાં નજરઅંદાજ અને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તો તમે અમારી સાથે આવી જાવ.
રામદાસ અઠાવલેએ કહ્યું કે, ઘણા લોકો કોંગ્રેસના આ વલણથી નારાજ થઇને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઇ ચૂક્યા છે અને હવે તમારે પણ કોંગ્રેસ છોડી દેવી જોઇએ. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે બોલ્યા કે, અધીર રંજન ચૌધરી સાથે એવું એટલે કરવામાં આવી રહ્યું છે કેમ કે તેઓ લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળથી હારી ગયા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને હું પોતાની પાર્ટી (RPI)માં સામેલ થવાનું આમંત્રણ આપું છું.
એવા સમાચાર છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી હાઇકમાનથી નારાજ ચાલી રહ્યા છે. મંગળવારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, હાલમાં જ થયેલી એક બેઠકમાં મને પૂર્વ અધ્યક્ષ કહીને સંબોધિત કરવામાં આવ્યો અને તેની જાણકારી પહેલા આપવામાં આવી નહોતી. મને પૂર્વ અધ્યક્ષ કહેવું મારા માટે ખૂબ ચોંકાવનારું હતું. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મલ્લિકાર્જૂન ખરગે જે દિવસે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, પાર્ટીના સંવિધાન મુજબ એજ દિવસે બધા પદ અસ્થાયી થઇ જાય છે.
તેમણે કહ્યું કે, એ વિષય જો સામે રાખીએ તો જે દિવસે મલ્લિકાર્જૂન ખરગેએ પદ સંભાળ્યું, એજ દિવસથી આખા દેશમાં બધા પદ અસ્થાયી થઇ ગયા અને મારું પદ પણ અસ્થાયી થઇ ગયું. તો TMC નેતા કૃણાલ ઘોષે કહ્યું હતું કે, એમ લાગે છે કે અધીર રંજન ચૌધરી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થવા માગે છે, તેઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બની શકે કે તેમણે પહેલા જ ભાજપ સાથે વાતચીત કરી રાખી હોય. અધીર રંજન ચૌધરી અત્યારે પણ કોંગ્રેસ પાર્ટીના નેતા છે. તેમને માત્ર બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે. હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં ચૌધરીને મુર્શિદાબદના બહરામપુર સીટથી TMC ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. TMCએ અહી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ઉતાર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp