54 SP બદલાઈ ગયા બાદ 37 વર્ષ પહેલા જામીન પર ભાગી ગયેલો ચોર પકડાયો
વર્ષ 1986માં એક વ્યક્તિને જામીન મળે છે. બહાર આવ્યા પછી તે ભાગી જાય છે. ત્યારથી પોલીસ તેનો પીછો કરી રહી હતી, પરંતુ દરેક વખતે તે ચકમો આપીને જતો રહ્યો હતો. તે પણ માત્ર એક-બે વર્ષ માટે નહીં, પરંતુ પુરા 37 વર્ષ સુધી. બિજનૌર પોલીસને આ મોટી સફળતા મળી ત્યાં સુધીમાં વિસ્તારના 45થી વધુ SHO અને 58થી વધુ SP બદલી ચૂક્યા હતા. પરંતુ ગુનેગારનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ પેલું કહેવાય છે ને કે, ગુનેગાર ગમે તેટલો હોંશિયાર હોય, તે હંમેશા કોઈને કોઈ ભૂલ કરે જ છે અને આવી જ એક ભૂલને કારણે આ ખતરનાક ગુનેગાર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો. તે પણ 72 વર્ષની ઉંમરે.
આ વાર્તા કોઈ ફિલ્મની નથી, પરંતુ એક સત્ય ઘટના પર આધારિત છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં બની હતી. જ્યાં નગીના ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગામ સૈદપીર (બનીવાલા)ના હાશિમ નામના ખતરનાક બદમાશે આતંક મચાવી મુક્યો હતો. હાશિમે 1975થી 1980 સુધીના માત્ર પાંચ વર્ષમાં ચોરી, લૂંટ અને અપહરણ જેવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો હતો. વર્ષ 1979માં હાશિમે બઢ઼ાપુર વિસ્તારના આસફપુર ગામમાં એક ઘરમાં ઘૃણાસ્પદ લૂંટ ચલાવી હતી. જોકે થોડા સમય પછી તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં ગયો, ત્યારે CGM કોર્ટે થોડા વર્ષો પછી તેને દોષિત ઠેરવ્યો અને 7 વર્ષની જેલની સજા ફટકારી.
હાશિમે આ મામલે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જ્યાં લગભગ બે-ત્રણ મહિનાની સજા ભોગવ્યા બાદ તેને જામીન મળી ગયા અને વર્ષ 1986માં જેલમાંથી બહાર આવ્યા. પરંતુ બહાર આવ્યા પછી હાશિમ ફરી કોર્ટમાં હાજર થયો ન હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કોર્ટ દ્વારા તેની સામે ઘણી વખત બિનજામીનપાત્ર વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ પોલીસને કંઈ મળ્યું ન હતું. કંટાળીને પોલીસે તેને ભાગેડુ જાહેર કર્યો હતો અને તેની સામે જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા, ચાલાક હાશિમે તેની બધી મિલકત વેચી દીધી હતી અને રફુચક્કર થઇ ગયો હતો.
હવે કહેવાય છે ને કે કાયદાના હાથ ઘણા લાંબા હોય છે. આવી સ્થિતિમાં, કેસનો જૂનો પુરાણો મામલો ફરી ખુલ્યો. હાઈકોર્ટ વતી કાયમી વોરંટ બહાર પાડીને બિજનૌર પોલીસને હાશિમની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે પછી, પોલીસ અધિક્ષક નીરજ જાદૌન વતી, SHO નગીના (ગ્રામીણ) ને હાશિમને પકડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓને પકડવા દરોડા શરૂ કર્યા હતા. આખરે તે દિલ્હીમાં હોવાની માહિતી મળી હતી.
ઇનપુટના આધારે પોલીસની ટીમ દિલ્હી પહોંચી અને મુસ્તફાબાદથી હાશિમને પકડી લીધો. જ્યાં તે કરિયાણાની દુકાન ચલાવતો હતો. પોલીસ તેને બિજનૌર લાવી છે અને હવે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિજનૌરથી ફરાર થયા પછી હાશિમ તેના એક ભાઈના સતત સંપર્કમાં હતો અને આ તેના પકડવાનું કારણ બની ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp