UPSC ચેરમેન મનોજ સોનીનું રાજીનામું!,નોકરીના 5 વર્ષ બાકી હતા, હવે સ્વામિનારાયણ...
UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો, UPSCના ચેરપર્સન મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. પરંતુ તેમણે લગભગ પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી દીધું હતું. તેઓ વર્ષ 2017માં સંઘલ પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે જોડાયા હતા. તેમણે 16 મે 2023ના રોજ અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા. આ રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તાલીમાર્થી IAS પૂજા ખેડકરનો વિવાદ હેડલાઇન્સમાં છવાયેલો છે. જો કે રાજીનામાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ મનોજ સોનીએ લગભગ એક મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું. સૂત્રોનું માનીએ તો હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે કે નહીં. સૂત્રએ એ પણ સ્પષ્ટ કર્યું કે, આ રાજીનામાનો UPSC ઉમેદવારો દ્વારા નોકરી મેળવવા માટે નકલી પ્રમાણપત્રો રજૂ કરવા સંબંધિત વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. એવું માનવામાં આવે છે કે, મનોજ સોનીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું છે. જોકે, સરકારે હજુ સુધી નવા પ્રમુખના નામની જાહેરાત કરી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મનોજ સોની હવે તેમનો વધુ સમય ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશનને આપવા માંગે છે. વર્ષ 2020માં દીક્ષા લીધા પછી, તેઓ અનુપમ મિશનમાં સાધુ અથવા નિષ્કામ કર્મયોગી બન્યા. મનોજ સોની PM નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે. 2005માં, જ્યારે તેઓ 40 વર્ષના હતા, ત્યારે PM નરેન્દ્ર મોદીએ તેમને વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા. આ રીતે તેઓ દેશના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા હતા.
જૂન 2017માં UPSCમાં તેમની નિમણૂક પહેલાં, મનોજ સોનીએ તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે યુનિવર્સિટીઓમાં ત્રણ વખત વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. સોની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે 2015 સુધી બે વખત સેવા આપી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે, મનોજ સોનીના રાજીનામાને તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકરના વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp