ભાજપના નેતાએ પોતાના પર કરાવ્યું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશો

PC: app.goo.gl

ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભાજપના યુવા મોરચાના જિલ્લા મહામંત્રીએ એક એવું ષડયંત્ર રચ્યું કે તેને ઠેકાણે પાડતા સામાન્ય પોલીસકર્મીથી લઈ ડીએસપી સુધીના પોલીસ અધિકારીઓની પાછલા દસ દિવસોથી ઉંઘ ઊડી ગઈ હતી. જોકે પાછળથી પોલીસે સત્ય શોધી કાઢ્યું હતું અને ભાજપના યુવા નેતા સહિત તેના ચાર સાગરિતોને જેલના સળિયા ગણાવ્યા હતા.

વાત એમ હતી કે પંતનગરનો શિવભૂષણ ઉર્ફે ચંચલ ચૌબે ઉત્તરપ્રદેશ ભાજપના યુવા મોરચાનો નેતા હતો. તેની લોકપ્રિયતા પણ ઘણી હતી. પરંતુ તેનું સપનું એવું હતું કે તે બજારમાં નીકળે ત્યારે તેની આગળ પાછળ સરકારી ગનર ફરતા હોય! આ માટે તેણે એક કારસો રચ્યો અને તેના પર કોઈએ ફાયરિંગ કરાવ્યું!

લગભગ દસ દિવસ પહેલાં ભાજપના આ જિલ્લા મંત્રી પોતાના એક મિત્ર સાથે શહેરની એક સ્વિટ શોપમાં પહોંચ્યો અને ત્યાં આઈસક્રિમનો ઑર્ડર આપ્યો. એ જ દરમિયાન બે શૂટર આવ્યા અને ચંચલ ચૌબેની દિશામાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોળીબારની આવી ગંભીર ઘટના બની એટલે પોલીસ અત્યંત સતર્ક થઈ ગઈ અને થોડા દિવસ માટે ચંચલ ચૌબેની સુરક્ષા વધારીને આ ઘટનાના સંદર્ભમાં તપાસ કરી.

પણ કોથળામાંથી બિલાડું ત્યારે નીકળ્યું જ્યારે એક સીસીટીવી ફૂટેજમાં ચંચલ ચૌબે અને ગોળીબાર કરનારા હમલાખોરો એકસાથે ચાલતા નજરે ચડ્યા. બસ, પછી તો પોલીસે સઘન તપાસ શરૂ કરી એટલે થોડા જ સમયમાં એ સત્ય સામે આવ્યું કે ફેમસ થવા અને સરકારી ગનર મેળવવા માટે ખુદ ચૌબેજીએ જ આ કરતૂત કરાવી હતી.

આ ગંભીર ગુના બદલ પોલીસે ચંચલ ચૌબે અને તેના સાગરીતોને જેલને હવાલે કર્યા છે. જોકે ઉત્તરપ્રદેશ ભાજપે તેમના આ હોનહાર યુવાનેતા સંદર્ભે શું પગલા લીધા એ વિશે હજુ સુધી કશું જાણવા નથી મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp