ઉત્તરકાશી: શ્રમિકોના જીવ બચાવનારે કહ્યું-મારા સંતાનો પાસે આવું કામ નહીં કરાવું
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરો સહિ સલામત બહાર આવી ગયા છે અને તેમને બહાર કાઢવાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રેટ હોલ માઇનર્સ છે. મજૂરોને બહાર કાઢનાર એક રેટ માઇનરે મીડિયા સાથેની વાતમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા રડતા કહ્યું હતું કે, અમરા સંતાનો પાસે જિંદગીમાં આવું કામ ક્યારેય નહીં કરાવીશું.
ઉત્તરકાશી ટનલ ધસી પડવાની ઘટનામાં 41 મજૂરોને બહાર કાઢવામાં અમેરિકાના આધુનિક મશીનો પણ જ્યારે નિષ્ફળ નિવડ્યા હતા ત્યારે રેટ હોલ માઇનર્સની ભૂમિકા મહત્ત્વની રહી હતી. મુન્ના કુરેશીએ રેટ માઇનર્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. મુન્નાભાઇના યોગદાનની ચારેકોર પ્રસંશા કરવામાં આવી રહી છે. મુન્ના કુરેશીએ રેટ માઇનિંગ વિશે મીડિયા સાથે વાત કરી હતી.
મીડિયાએ જ્યારે મુન્ના કુરેશીને સવાલ પુછ્ય કે હવે તમે સરકાર પાસેથી શું ઇચ્છા રાખો છો? જેના જવાબમાં કુરેશીએ કહ્યુ હતું કે, સરકારે ભારતના તમામ મજૂરોને એટલો પગાર આપવો જોઇએ જેનાથી તેમની બધી મુશ્કેલીઓ દુર થઇ જાય. આજે એવી સ્થિતિ છે કે જે કંપનીઓને ટેન્ડર મળે છે તે મજૂરોના પૈસા રોકી રાખે છે અથવા અડધા જ પૈસા આપે છે. ઘણી વખત તો કંપની મજૂરોને પૈસા આપતી પણ નથી. બિચારા મજૂરો ભટકતા રહે છે અને કશું કરી શકતા પણ નથી. આને કારણે મજૂર પરેશાન રહે છે અને પરિવારોએ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મીડિયાએ જ્યારે મુન્ના કુરેશીને બીજો સવાલ પુછ્યો કે તમે તમારા બાળકોને આ બચાવ અભિયાન વિશે શું બતાવશો? ટનલની અંદર શું થયું હતુ તે કેવી રીતે બતાવશો? જેના જવાબમાં કુરેશીએ કહ્યું કે હું મારા બાળકોને કશું નહીં બતાવીશ. હું નથી ઇચ્છતો કે મારા સંતાનો આ બધું જુએ. આટલું બોલતાની સાથે મુન્ના કુરેશીના આંખમાંથી દડદડ આંસુ પડવા માંડ્યા હતા અને તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો. કુરેશીએ રડતી આંખે કહ્યુ હતું કે, દરેક માતા-પિતા એવું ઇચ્છે છે કે તેમના સંતાનો ભણી ગણીને આગળ વધે, એન્જિનયર બને. કુરેશીએ કહ્યું કે હું મારા બાળકો પાસે રેટ માઇનિંગનું કામ કયારેય નહીં કરવા દઇશ.
કુરેશીએ કહ્યું કે,હું મારા બાળકોને કહીશ કે આવી તક મળે તો જ ત્યાં જવું. કારણ કે બીજાનો જીવ બચાવવો એ પુણ્યનું કાર્ય છે. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે તેના બાળકો બીજું કોઈ કામ કરે. એક વ્યક્તિનો જીવ બચાવવો એ પુણ્યનું કાર્ય છે, આવી સ્થિતિમાં 41 લોકોનો જીવ બચાવવો એ મોટી વાત છે.
મુન્ના કુરેશી દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારનો રહેવાસી છે તે સીવર અને વોટર સાફ કરવાની કામગીરી સાથે જોડાયેલો છે.
તમારામાં મનમાં સવાલ થશે કે રેટ હોલ માઇનીંગ એ શુ છે? ઉત્તરકાશીના બચાવ કાર્યમાં, ઓગર મશીન તૂટી ગયા પછી, રેટ હોલ માઇનિંગ દ્વારા મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય ભાષામાં સમજીએ તો જે રીતે ઉંદર કોતરી કોતરીને આગળ વધે છે તે રીતે રેટ માઇનર કામ કરે છે અને એટલે જ આ ડ્રિલિંગને રેટ માઇનર નામ આપવામાં આવ્યું છે.
રેટ માઇનર્સ સામાન્ય રીતે કોલસાના ખાણકામ માટે થાય છે. આમાં ખાણિયાઓ નાના અને સાંકડા ખાડા ખોદી નાખે છે. આ પ્રક્રિયામાં, પ્રથમ ખાડાઓ ખોદવામાં આવે છે અને પછી દોરડા અથવા વાંસની સીડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી પાવડો અને બાસ્કેટ જેવા નાના સાધનોની મદદથી જાતે ખોદકામ કરવામાં આવે છે. રેટ માઇનિંગને એક વિવાદાસ્પદ અને ખતરનાક પ્રક્રિયા ગણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp