ઉત્તરકાશી ટનલ: 17 દિવસ સુધી ઠંડીમાં ફસાયેલા 41 શ્રમિકોએ આ રીતે જીતી જિંદગીની જંગ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા 17 દિવસથી 2 કિલોમીટરના વિસ્તારમાં ફસાયેલા હતા, પરંતુ હવે તેમને સુરંગની ઉપર રૅટ હોલ માઇનિંગ અને વર્ટિકલ ડ્રિલિંગ કરીને સહી સલામત બહાર કાઢી લેવાયા હતા.ઉત્તરાખંડની કડકડતી ઠંડી અને માત્ર 2 કિ.મી. વિસ્તારમાં ફસાયેલા આ 41 મજૂરોએ જિંદગીની જંગ કેવી રીતે જીતી તે જાણો. મજૂરોનો પોતાનો જૂસ્સો, ડોકટરો, તંત્રની મહેનત, પરિવારના લોકોની ચિંતા અને દેશભરના લોકોની પ્રાર્થનાએ 41 મજૂરોના જીવ બચી શક્યા છે. આ એક અદભૂત ચમત્કારથી કમ નથી.
સુરંગની અંદર ફસાયેલી મજૂરોની સ્થિતિ એકદમ પડકારૂપ હતી, પરંતુ તેમનો હોસલોં એટલો બુલંદ હતો કે તેમણે જિંદગી સામે હાર ન માની.અંદર ફસાયેલા મજૂરો સાથે સુરંગની બહાર ડોકટર્સની એક ટીમ ખડે પગે હતી, જે નિયમિત રીતે ફસાયેલા મજૂરો સાથે વાત કરીને તેમના આરોગ્યની માહિતી મેળવી રહી હતી. ડોકટરોની ટીમ મજૂરોને સતત મનોવૈજ્ઞાનિક રીતે તેમનો જૂસ્સો વધારી રહી હતી.5 ડોકટર્સની ટીમ મજૂરો સાથે સતત વાત કરતી રહેતી હતી.
સુરંગની અંદર પાઇપ મારફતે માઇક મોકલવામાં આવ્યું હતું, જે તેમની જિંદગીનો સહારો બન્યુ હતું. માઇકને કારણે મજૂરો ડોકટર્સ અને તેમના પરિવારો સાથે વાત કરી શકતા હતા, જેને કારણે તેમને જીવવા માટે બળ મળતું હતું. ડોકટર્સ સતત કહી રહ્યા હતા કે, ગભરાશો નહી, તમને બહાર કાઢવા માટે પુરી તૈયારી ચાલી રહી છે.
દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વધતી જતી ઠંડીને કારણે મજૂરોના પરિવારજનો સુરંગમાં રાત કેવી રીતે વિતાવતા હશે તેની ચિંતા સતાવી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે, ડોકટરોની ટીમમાં સામેલ વરિષ્ઠ ડૉક્ટર પ્રેમ પોખરિયાલે કહ્યું હતું કે સુરંગની અંદર કામદારોને ઠંડીથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહોતો. તેમણે કહ્યું હતું કે, જ્યાં લોકો ફસાયેલા છે, ત્યાં લગભગ 2 કિલોમીટર ચાલવા માટે જગ્યા છે અને ત્યાંનું તાપમાન 22-24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું અને તેમને શિયાળાના વુલન કપડાંની પણ જરૂરત નહોતી પડતી.સદનસીબે સુરંગની અંદર જિયોટેક્સટાઇલના બંડલ પડેલા હતા. મજૂરો તે પાથરીને તેની પર સૂતા હતા.
જ્યારે ડો. પોખરિયાલને પુછવામાં આવ્યું કે તમે મજૂરોને મનોવૈજ્ઞાનિક રીતે કેવી રીતે સ્વસ્થ રાખતા હતા? તો ડોકટરે કહ્યુ કે, અમે તેમને યોગ અને કસરત કરવાનું સતત કહેતા હતા અને તેઓ સવાર સાંજ ટનલના 2 કિ.મી વિસ્તારમાં ટહેલતા હતા.
એક અધિકારીએ કહ્યુ કે, ઘણી બધી બાબતો મજૂરોની તરફેણમાં રહી હતી. ટનલની અંદર વિજળીનો સપ્લાય કાપવામાં નહોતો આવ્યો, જેને કારણે મજૂરોને મોટી રાહત હતી કે અંધકારમાં રહેવું ન પડ્યું. 24 કલાક વિજળી ચાલું રહેતી હતી. મજૂરો માટે ટુથબ્રશ. ટુથપેસ્ટ, ટુવાલ, કપડાં, અંડરગારમેન્ટસ, એવી ઘણી બધી જરૂર ચીજવસ્તુઓ બહારથી અંદર મોકલવામાં આવી હતી. તેમને મોબાઇલ ફોન પણ મોકલવામાં આવ્યા હતા, જેનાથી તેઓ મૂવી જોઇ શકતા હતા અને વીડિયો ગેમ પણ રમતા હતા.
ડોકટર્સની ટીમે કહ્યું કે, શરૂઆતમાં મજૂરોને માત્ર પ્રવાહી મોકલવામાં આવતું હતું, પરંતુ એ પછી તેમને સંપૂર્ણ ભોજન મોકલવામાં આવતું હતું, જેને કારણે તેમણે ભૂખ્યા રહેવું નહોતું પડ્યું. બપોર, રાતનું ખાવાનું અને સાથે ડિસ્પોસેબલ પ્લેટસ પણ મોકલવામાં આવતી હતી.
ટીમે જણાવ્યું કે મજૂરોને પૂરતું હાઇડ્રેશન મળી રહે તે માટે સુરંગમાં પાઇપ દ્વારા ORS પાવડર મોકલવામાં આવ્યો હતો. તેમને આંખના ટીપાં, વિટામિનની ગોળીઓ અને અન્ય એનર્જિ ડ્રિંક્સ પણ મોકલવામાં આવ્યા હતા. ડ્રાયફ્રૂટ્સ અને બિસ્કિટનો સ્ટોક પણ કામદારોને મોકલવામાં આવ્યો હતો.
મેડિકલ ટીમના નોડલ ઓફિસર ડૉ. બિમલેશ જોશીએ જણાવ્યું હતું કે મજૂરોની સાથે તેમના પરિવારના સભ્યોનું પણ નિયમિત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું હતું કે, ફસાયેલા મજૂરો સાથે વાત કરતી વખતે તેઓએ એવું કંઈ ન બોલે જેનાથી તેમના પર નકારાત્મક અસર પડે અને તેમની નિરાશા વધે.
ટનલમાંથી સહી સલામત બહાર આવેલા મજૂરોએ કહ્યું કે,ટનલમાં ફસાયા પછી એવું લાગતું હતું કે કદાચ જિંદગી અહીં જ પુરી થઇ જશે, કારણકે ખબર નહોતી કે કેવી રીતે બહાર નિકળશું. પરંતુ જ્યારે પરિવારના લોકોનો અવાજ સાંભળ્યો, ડોકટરો સતત વાત કરી રહ્યા હતા એટલે હાશકારો થયો કે બહાર નિકળવાની આશા છે. બધા એકબીજાને જૂસ્સો આપી રહ્યા હતા, પરંતુ અંદરથી બહાર નિકળવું એ ચમત્કારથી કમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp