'15 જૂન સુધી રાઉઝ એવન્યુ ખાતેની પાર્ટી ઓફિસ ખાલી કરો',AAPને સુપ્રીમ કોર્ટનો ઝટકો

PC: theindiadaily.com

 આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. હવે તેણે 15 જૂન સુધીમાં રાઉઝ એવન્યુ ખાતેની ઓફિસ ખાલી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને 15 જૂન સુધીમાં ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને ઓફિસ ખાલી કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ચૂંટણી પછી તેમણે આ જગ્યા ખાલી કરવી પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ તેની ઓફિસ ખોલવા માટે જમીન અંગે કેન્દ્ર સરકારને અરજી કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતના જણાવ્યા અનુસાર, રાઉઝ એવન્યુ સ્થિત આમ આદમી પાર્ટીની ઓફિસ દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવેલી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે. આ જમીનનો ઉપયોગ રાઉઝ એવન્યુ કોર્ટ સંકુલના વિસ્તરણ માટે થવાનો હતો. અહીં એક વધારાનો કોર્ટરૂમ બાંધવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે તમને ત્રણ મહિનાનો વધારાનો સમય આપી રહ્યા છીએ. ત્યાર પછી આ જમીન ખાલી કરવી પડશે.'

ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડ, જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે AAPને તેની ઓફિસ માટે વૈકલ્પિક જમીનની ફાળવણી માટે લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઑફિસ (L&DO)નો સંપર્ક કરવા જણાવ્યું હતું. કોર્ટે AAPને કહ્યું, 'તમને હાલની જમીન પર કબજો ચાલુ રાખવાનો કોઈ કાનૂની અધિકાર નથી. અમે L&DOને તમારી અરજી પર પ્રક્રિયા કરવા અને તેનો નિર્ણય 4 અઠવાડિયાના સમયગાળામાં જણાવવા વિનંતી કરીશું.'

વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, AAP રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ભોગવે છે, પરંતુ તેને અન્ય રાષ્ટ્રીય પક્ષો કરતાં ઓછી અનુકૂળ ઓફિસ જગ્યા ફાળવવામાં આવી છે. તેમને બદરપુરમાં જમીન આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય તમામ પક્ષોની ઓફિસ સારી જગ્યાએ છે. સર્વોચ્ચ અદાલતે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં લીધા અને આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી પછી 15 જૂન, 2024 સુધી તે જગ્યા ખાલી કરવા માટે સમય આપ્યો.

દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પરની ઓફિસમાં SCના આદેશ પર AAPના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, 'અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ. કોર્ટે કેન્દ્ર સરકારના જમીન અને વિકાસ વિભાગને આમ આદમી પાર્ટીને જમીન ફાળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. અમે માત્ર આશા રાખીએ છીએ કે BJP કોઈ પ્રતિકૂળ અને નકારાત્મક કાવતરું નહીં કરે અને અમને તે જ વિસ્તારમાં જમીન ફાળવશે જ્યાં અન્ય રાષ્ટ્રીય પક્ષોની ઓફિસ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp