વંદે ભારત સ્લીપર ટ્રેનમાં હશે 22 કોચ, જાણો શું હશે સુવિધાઓ, જુઓ તસવીરો

PC: twitter.com/AshwiniVaishnaw

રેલવે મંત્રાલયે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે અને આવતા વર્ષે ફેબ્રુઆરીથી દોડવાનું શરૂ થશે.

ભારતની સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લઈને નવી માહિતી સામે આવી છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઇનને આખરી ઓપ આપી દીધો છે.

સ્લીપર વંદે ભારત ટ્રેનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. સ્લીપર ટ્રેન અંદરથી કેવી દેખાશે તેની કેટલીક એનિમેટેડ તસવીરો સામે આવી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનમાં 20 થી 22 કોચ હશે, જેમાં 857 બર્થ હશે. તેમાંથી 823 બર્થ મુસાફરો માટે અને 34 બર્થ સ્ટાફ માટે આરક્ષિત હશે.

દરેક કોચમાં મિની પેન્ટ્રી પણ હશે. ટ્રેનમાં વાઈ-ફાઈ અને LED સ્ક્રીન પણ હશે જે મુસાફરોને તેમની મુસાફરી વિશેની માહિતી આપશે. મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, વંદે ભારત સ્લીપર કોચનું નિર્માણ ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં કરવામાં આવશે. આ સાથે, રેલવે રશિયન કંપની સાથે મળીને 120 વંદે ભારત ટ્રેનો તૈયાર કરવાની યોજના ધરાવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં વંદે ભારતમાં માત્ર ચેર કારની વ્યવસ્થા છે. એટલે કે, મુસાફરો આ ટ્રેનમાં બેસીને જ મુસાફરી કરી શકે છે, તેથી લાંબા અંતરની મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ હવે ટૂંક સમયમાં મુસાફરો વંદે ભારતથી લાંબા અંતરની મુસાફરી કરી શકશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે અને તેઓ આવતા વર્ષ એટલે કે ફેબ્રુઆરી 2024થી ટ્રેક પર દોડવાનું શરૂ કરશે.

રેલવેએ વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સુવિધાઓ વધારી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, હાલમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. ખાસ કરીને વિકલાંગ મુસાફરો માટે રેમ્પ અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. રિક્લાઇન એંગલ અને સીટ કુશનને સોફ્ટ બનાવવામાં આવ્યા છે.

મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટના એંગલને વધુ સુધારેલ છે. આ ઉપરાંત ફૂટ રેસ્ટનું વિસ્તરણ પણ વધારવામાં આવ્યું છે. જેથી મુસાફરોને વધુ સુવિધા મળી શકે. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં દેશમાં 33 વંદે ભારત એક્સપ્રેસ ચાલી રહી છે. 2 ટ્રેનોને રિઝર્વ રાખવામાં આવી છે.

દેશમાં સ્લીપર વંદે ભારતનું ઉત્પાદન કરવા માટે, રેલ્વે મંત્રાલયે રશિયન કંપનીઓ સાથે રેલ વિકાસ નિગમ લિમિટેડના સંયુક્ત સાહસ, Kinect રેલ્વે સોલ્યુશન્સ સાથે કરાર કર્યો છે. કંપની સાથે આગામી 35 વર્ષ માટે આ ટ્રેનોના જાળવણી માટેનો કરાર પણ છે. આનો અર્થ એ થયો કે, આ ટ્રેનોએ જાળવણી માટે રેલ્વેના કેરેજ અને વેગન (C&W) વિભાગ પર આધાર રાખવો પડશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp