રામમંદિર, બળવો, નેમ પ્લેટ વિવાદ...કોંગ્રેસ માટે માથાનો દુખાવો વિક્રમાદિત્ય સિંહ
વાર્તા 2012ની આસપાસ શરૂ થાય છે. 2012ની વિધાનસભા ચૂંટણી પછી વીરભદ્ર સિંહ હિમાચલ પ્રદેશમાં સત્તા પર પાછા ફર્યા. વરિષ્ઠ નેતા કૌલ સિંહને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા પછી કોંગ્રેસે 2013માં પ્રદેશ અધ્યક્ષની કમાન સુખવિંદર સિંહ સુખુને સોંપી હતી. અહીંથી વીરભદ્ર સિંહ અને સુખવિંદર સિંહ સુખુ વચ્ચે વિવાદ શરૂ થયો. હવે આ વિવાદ વીરભદ્ર સિંહ અને સુખુની આગામી પેઢી વચ્ચે ચાલુ છે.
છેલ્લા 20 મહિનામાં રાજ્યના રાજકારણમાં આવી અનેક રાજકીય ઘટનાઓ બની છે, જે દર્શાવે છે કે વીરભદ્ર સિંહ જૂથ અને CM સુખુ વચ્ચે હજુ પણ 36નો આંકડો યથાવત છે. અલબત્ત, વીરભદ્ર સિંહના મૃત્યુને ત્રણ વર્ષ વીતી ગયા છે, પરંતુ હવે તેમની આગામી પેઢી એટલે કે વિક્રમાદિત્ય સિંહ તેમના પિતાના પગલે ચાલી રહ્યા છે.
હકીકતમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહના નિવેદનો અને નિર્ણયો સરકાર અને કોંગ્રેસ માટે સતત મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. જેના કારણે રાજ્યની સુખુ સરકાર પણ અસહજ છે. 2013 થી 2017 સુધી વીરભદ્ર સિંહ અને સુખુ વચ્ચે સતત વિવાદ અને તણાવ જોવા મળ્યો હતો. હવે તેમના પુત્ર અને CM સુખુ વચ્ચે આડકતરી રીતે અણબનાવ છે. હા, એ ચોક્કસ સાચું છે કે, વીરભદ્ર સિંહના સમયમાં આ વિવાદ જાહેરમાં જોવા મળતો હતો.
હિમાચલ પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. આ સમયગાળા દરમિયાન, વીરભદ્ર જૂથ અને સુખુ જૂથ વચ્ચે CM પદ માટે જોરદાર ટક્કર થઈ હતી. પ્રતિભા સિંહ પણ CM પદની રેસમાં હતા અને તેમના તરફથી જોરદાર પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ આખી બાજી CM સુખુના પક્ષમાં આવી હતી. ત્યારપછી પ્રતિભા સિંહ સંગઠનના લોકોને સરકારમાં સ્થાન ન મળવા સામે અવાજ ઉઠાવતા રહ્યા. મીડિયા સુધી તેમણે આ પ્રશ્નો ઉઠાવ્યા અને મંડી લોકસભાની ચૂંટણી લડવા માટે ના પાડી દીધી.
આ વર્ષે જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થયો હતો. અહીં કોંગ્રેસ હાઈકમાન્ડે જવાનો ઈન્કાર કરી દીધો અને કોંગ્રેસ પાર્ટીએ આ કાર્યક્રમથી પોતાને દૂર કરી દીધા. પરંતુ વિક્રમાદિત્ય સિંહે હાઈકમાન્ડના આદેશને ફગાવીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. અહીં પણ વિક્રમાદિત્ય સિંહ રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરતા જોવા મળ્યા હતા. સવાલો ઉઠ્યા કે કોંગ્રેસ ફંકશનમાં નથી જઈ રહી તો વિક્રમાદિત્ય સિંહ શા માટે જઈ રહ્યા છે. જો કે, વિક્રમાદિત્ય સિંહને પ્રાણ પ્રતિષ્ઠા માટે ઔપચારિક આમંત્રણ મળ્યું હતું. જેના કારણે કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને સ્પષ્ટતા આપવી પડી.
હિમાચલ પ્રદેશમાં ફેબ્રુઆરી મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી અને રાજકારણમાં 27મી ફેબ્રુઆરીની તારીખ કોણ ભૂલી શકે છે. કોંગ્રેસના છ ધારાસભ્યોએ બળવો કરીને પક્ષ વિરુદ્ધ જઈને BJPને મત આપ્યો હતો. અહીં એવો હોબાળો થયો કે, સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ. આ દરમિયાન વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપીને વિદ્રોહી વલણ દાખવ્યું અને પોતાની સરકાર પર મોટા સવાલો ઉભા કર્યા. બળવાખોર ધારાસભ્યો જ્યારે પંચકુલાની એક હોટલમાં રોકાયા હતા ત્યારે પણ વિક્રમાદિત્ય સિંહ ત્યાં જોવા મળ્યા હતા. તેઓ હરિયાણાની BJP સરકારના CMના સલાહકાર પણ હતા. આવી સ્થિતિમાં વિક્રમાદિત્ય સિંહને લઈને પણ અહીં અનેક સવાલો ઉભા થયા છે. એવી પણ ચર્ચા હતી કે, વિક્રમાદિત્ય BJPમાં જોડાઈ રહ્યા છે. પરંતુ ત્યાર પછી તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું અને હજુ પણ CM સુખુ કેબિનેટમાં છે.
રાજ્યસભાની ચૂંટણી પછી વિક્રમાદિત્ય સિંહને રાજકીય નુકસાન થયું હતું અને તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો, જેથી તેમની છબી સુધારી શકાય. આ જ કારણ હતું કે, તેઓ શિમલાના સંજૌલીમાં ચાલી રહેલા મસ્જિદ વિવાદને લઈને કડક નિવેદનો આપી રહ્યા છે અને ઈશારા દ્વારા હિંદુઓના પક્ષમાં અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ સંજૌલી મસ્જિદ વિવાદ વચ્ચે, વિક્રમાદિત્ય સિંહના નિવેદન અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંગેની સોશિયલ મીડિયા પોસ્ટથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો. આ દરમિયાન દિલ્હીથી લઈને શિમલા સુધી સરકાર અને પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટતા આપવી પડી હતી. CM સુખુએ પોતે નિવેદન આપવું પડ્યું કે, દુકાનોની બહાર નેમ પ્લેટ લગાવવા અંગે હજુ સુધી કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. CM સુખુના નજીકના ધારાસભ્ય સંજય અવસ્થીએ કહ્યું કે, આ વિક્રમાદિત્ય સિંહનું અંગત નિવેદન છે અને સરકાર હવે તેના પર વિચાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિક્રમાદિત્ય સિંહ સતત પોતાનો અભિપ્રાય ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. તેમણે રામ મંદિરને સમર્થન આપ્યું હતું. હિંદુઓને લગતા મુદ્દાઓ પર તેઓ સતત સમર્થન અને અભિપ્રાય વ્યક્ત કરે છે અને આવી સ્થિતિમાં તેમના પર BJPની ભાષા બોલવાનો આરોપ પણ લાગે છે.
વીરભદ્ર સિંહ 2012 થી 2017 સુધી હિમાચલ પ્રદેશમાં સરકારમાં હતા. આ સમયગાળા દરમિયાન CM સુખુ પ્રદેશ પ્રમુખ હતા અને સંગઠન અને સરકાર વચ્ચે સતત તકરાર થતી હતી. વીરભદ્ર સિંહના મૃત્યુ પછી તેમનું જૂથ નબળું પડી ગયું છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, હવે સરકારમાં વીરભદ્ર જૂથના લોકો ઓછા છે. CM સુખુએ સંગઠનમાંથી માત્ર અમુક પસંદ કરેલા લોકોને સરકારમાં એડજસ્ટ કર્યા છે. કેબિનેટમાં વીરભદ્ર જૂથમાંથી માત્ર વિક્રમાદિત્ય સિંહ જ જોવા મળે છે. DyCM મુકેશ અગ્નહોત્રી પણ એક સમયે વીરભદ્ર સિંહની નજીક હતા, પરંતુ હવે તેઓ તટસ્થ ભૂમિકામાં જોવા મળે છે. બીજી તરફ પ્રતિભા સિંહ પ્રદેશ અધ્યક્ષ પદ પર યથાવત રહ્યા છે. પરંતુ તે કેટલો સમય ચાલશે તે કોઈ જાણતું નથી. વિક્રમાદિત્ય સિંહ તેમના પિતાના વારસાને આગળ લઈ રહ્યા છે. જોકે, CM સુખવિંદર સિંહ સુખુ તેના માટે મોટો પડકાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp