મણિપુરમાં ફરી હિંસા ભડકી, પોલીસ સ્ટેશનો અને કોર્ટ પર ટોળાનો હુમલો,અનેક ઈજાગ્રસ્ત

PC: ndtv.com

પૂર્વોત્તરનું રાજ્ય છેલ્લાં કેટલાંક મહિનાઓથી હિંસાને કારણે દુનિયાભરમાં ચર્ચામાં છે, થોડા સમયથી મણિપુર શાંત હતું, પરંતુ 5 યુવાનોની ધરપકડના વિરોધમાં મણિપુર ફરી સળગ્યું છે અને ટોળાએ પોલીસ સ્ટેશનો અને કોર્ટને ટાર્ગેટ કર્યા છે. સુરક્ષા કર્મીઓએ ટીયરગેસના સેલ છોડ્યા હતા જેમાં અનેક લોકોને ઇજા થઇ છે.

મણિપુરમાં જાતિય હિંસા અટકતી દેખાતી નથી. ગુરુવારે 5 યુવકોની ધરપકડને લઈને ભીડે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોની બિનશરતી મુક્તિની માગણી કરતા ટોળાએ ઇમ્ફાલ પૂર્વના પોરોમપટ પોલીસ સ્ટેશન, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઇ પોલીસ સ્ટેશન અને ક્વાકિથેલ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઇમ્ફાલમાં 16 સપ્ટેમ્બરે 5 યુવકની ધરપકડ બાદ સ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ છે.

સુરક્ષા દળોએ ટોળાં પર ટીયર ગેસના શેલ છોડ્યા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. પોલીસ સાથે અથડામણની ઘટનાઓ પછી, રાજ્ય સરકારે ઇમ્ફાલના બંને જિલ્લામાં કરફ્યુમાં આપેલી છુટછાટને રદ કરી દીધી છે.

ઇમ્ફાલ પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કરફ્યુમાં રાહત આપવામાં આવી હતી, જે સાંજે 5 વાગ્યાથી પાછી ખેંચી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં, પહેલાથી જારી કરાયેલા તમામ નિયંત્રણો અમલમાં રહેશે. પૂર્વ ઇમ્ફાલમાં પણ ઓર્ડર આપવામાં આવ્યા છે.

પાંચ યુવાનોનીની ધરપકડના વિરોધમાં ખીણ વિસ્તારોમાં વ્યાપક દેખાવો થયા હતા. પાંચ છોકરાઓની બિનશરતી મુક્તિની માંગ સાથે સ્થાનિક લોકોએ મંગળવારથી ખીણમાં 48 કલાકનું લોકડાઉન લગાવી દીધું હતું. સોમવારે અનૌપચારિક હડતાળ પડી હતી. અધિકારીઓએ એમ પણ કહ્યું કે ટોળાને છ સ્થાનિક ક્લબો અને મીરા પૈબિસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા.

મણિપુર પોલીસે 16 સપ્ટેમ્બરે અત્યાધુનિક શસ્ત્રો રાખવા અને નકલી વર્દી પહેરવાના આરોપમાં 5 લોકોની ધરપકડ કરી હતી. આ પાંચ યુવાનોની ધરપકડ પછી પોલીસે એક નિવેદન જારી કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે પાંચેયને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમનેપોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

મણિપુરમાં 3 મેથી જાતિય હિંસા થઈ રહી છે, જેમાં 150થી વધુ લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp