VRS લો અથવા ટ્રાન્સફર, વિશ્વના ધનિક હિંદુ મંદિરનો ઓર્ડર, 300 કર્મચારીમાં ગભરાટ

PC: galgotiastimes.com

વિશ્વના સૌથી ધનાઢ્ય હિંદુ મંદિરે તેના બોર્ડમાં કામ કરતા બિન-હિન્દુ કર્મચારીઓ માટે નવો આદેશ બહાર પાડ્યો છે. જી હા, TTP એટલે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે સોમવારે એક ઠરાવ પસાર કર્યો હતો. આની અંદર, બોર્ડે તેના બિન-હિન્દુ કર્મચારીઓને ક્યાં તો સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવા અથવા આંધ્ર પ્રદેશના અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર લઇ લેવા જણાવ્યું હતું. હકીકતમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે, જે તિરુપતિમાં તિરુમલા વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. આ વિશ્વનું સૌથી ધનિક હિન્દુ મંદિર છે.

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના પ્રમુખ BR નાયડુએ આ નિર્ણયની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે બિન-હિન્દુ કર્મચારીઓની ચોક્કસ સંખ્યા જણાવવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોનું માનીએ તો, આ પગલાથી બોર્ડના 7,000 કાયમી કર્મચારીઓમાંથી લગભગ 300ને જ અસર થશે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમમાં લગભગ 14,000 કરાર આધારિત કર્મચારીઓને પણ નિમણૂંક આપી છે. આ નિર્ણયને વિવિધ કર્મચારી સંગઠનોનો ટેકો મળ્યો છે. તેમણે કહ્યું છે કે, આ આંધ્ર પ્રદેશ ધાર્મિક સંસ્થાઓ અને દેવસ્થાનમ એક્ટ અને તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ એક્ટ અનુસાર છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક કર્મચારી નેતાએ કહ્યું કે, 'તેનો સંપૂર્ણ અમલ થવો જોઈએ.' 31 ઓક્ટોબરે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના પ્રમુખ તરીકે તેમની નિમણૂક પર BR નાયડુએ તેમનું વલણ વ્યક્ત કર્યું હતું કે, મંદિર ફક્ત હિન્દુઓ દ્વારા જ ચલાવવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ એક્ટમાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો છે. મંદિર બોર્ડ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા માત્ર હિંદુઓની જ નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 1989માં બહાર પડાયેલા એક સરકારી આદેશમાં એ પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું કે, તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સંચાલિત પોસ્ટ્સ પરની નિમણૂક માત્ર હિંદુઓ સુધી જ મર્યાદિત રહેશે.

સૂત્રોનો દાવો છે કે, આ જોગવાઈઓ હોવા છતાં, બિન-હિન્દુઓ મંદિર અને બોર્ડની અંદર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. CM ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની સરકારે જૂનમાં સત્તા સંભાળી ત્યારથી, હિંદુ કર્મચારીઓ દ્વારા અન્ય ધર્મના તેમના સાથીદારોને ઓળખવાની ફરિયાદો પ્રાપ્ત થઈ છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમનો નિર્ણય નાયડુ સરકારે ભૂતપૂર્વ YSRCP સરકાર પર મંદિરના પ્રસિદ્ધ તિરુપતિ લાડુ બનાવવા માટે પશુઓની ચરબીમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યા પછી આવ્યો છે, જેના કારણે એક મોટો વિવાદ ઉભો થયો છે.

સૂત્રોનું કહેવું છે કે, તિરુમલા તિરુપતિ દેવસ્થાનમનો આ નિર્ણય બંધારણની કલમ 16(5) હેઠળ માન્ય છે. આ મુજબ ધાર્મિક સંસ્થાઓને તેમના ધર્મના લોકોને નોકરી આપવાનો અધિકાર છે. તેવી જ રીતે, આંધ્રપ્રદેશ ચેરિટેબલ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સેવાઓના નિયમોમાં નિયમ 3 જણાવે છે કે, ધાર્મિક સંસ્થાઓના કર્મચારીઓએ હિન્દુ ધર્મનું પાલન કરવું આવશ્યક છે. આ કાનૂની આધારને નવેમ્બર 2023માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે નિયમ 3ને સમર્થન આપ્યું હતું અને પુષ્ટિ કરી હતી કે, ટ્રસ્ટ બોર્ડ કર્મચારીઓ માટે સેવાની શરતો નક્કી કરી શકે છે. આમાં કર્મચારીઓ માટે હિંદુ ધર્મનું પાલન કરવાનું ફરજિયાત બનાવવાનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp