અમે સ્વતંત્ર છીએ પરંતુ આ મુદ્દે સરકાર સાથે છીએ, CJI ચંદ્રચુડે આવું કેમ કહ્યું?
CJI DY ચંદ્રચુડે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો કોર્ટ સંબંધિત કામ સ્વતંત્ર રીતે કરે છે, પરંતુ જ્યારે કોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બજેટને લગતા મુદ્દાઓની વાત આવે છે ત્યારે અમે સરકાર સાથે ઉભા છીએ, કારણ કે અમારું મિશન એક જ છે. CJIએ કહ્યું કે, તેની પાછળનું કારણ એ છે કે આવા પ્રોજેક્ટ્સનો સીધો સંબંધ સામાન્ય લોકો સાથે હોય છે.
CJIએ પોતાનો મુદ્દો વધુ સ્પષ્ટ કરતા કહ્યું કે, આ પ્રોજેક્ટ ન્યાયાધીશો અથવા વકીલોનો વ્યક્તિગત પ્રોજેક્ટ નથી અને તે આપણા નાગરિકો સાથે સંબંધિત છે.
CJI ચંદ્રચુડ સોમવારે બાંદ્રા (વેસ્ટ)માં તાજ લેન્ડસ એન્ડમાં મુંબઈ હાઈકોર્ટની નવી ઈમારતના શિલાન્યાસ સમારોહમાં બોલી રહ્યા હતા. CJIએ કહ્યું કે દેશના નિર્માણ અને કાયદાકીય સંસ્કૃતિના વિકાસમાં મુંબઈ હાઈકોર્ટની ભૂમિકાને ઓછો આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે, વસાહતી શાસન દરમિયાન પણ મુંબઈ હાઈકોર્ટ એક સ્વતંત્ર સંસ્થા રહી હતી.
CJIએ કહ્યું કે નવા કોર્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ ઝડપી થવું જોઈએ. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ અને DyCM અજિત પવાર પણ હાજર હતા. CM શિંદેએ કહ્યું કે, લોકો મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની અપેક્ષા રાખે છે અને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ આપવામાં કોઈ કસર નથી છોડી રહી, જેથી આરોપીઓને ઝડપથી સજા થઈ શકે. DyCM ફડણવીસે કહ્યું કે, નવા કેમ્પસનું કામ રેકોર્ડ સમયમાં પૂર્ણ થશે.
અત્રે એ યાદ અપાવવું રહ્યું કે, થોડા દિવસો પહેલા જ જ્યારે PM નરેન્દ્ર મોદી ગણેશ પૂજામાં ભાગ લેવા CJI DY ચંદ્રચુડના નિવાસસ્થાને ગયા હતા, ત્યારે તે વાતને લઈને ભારે રાજકીય હોબાળો થયો હતો. જ્યારે વિપક્ષી દળોએ આના પર સવાલ ઉઠાવ્યા તો PM નરેન્દ્ર મોદીએ રેલીમાં સ્ટેજ પરથી તેનો જવાબ આપ્યો. PM મોદીએ કહ્યું હતું કે, પહેલા ગણેશ ઉત્સવ અંગ્રેજોને ચિડવતો હતો અને હવે કોંગ્રેસ અને તેના સાથી વિરોધ પક્ષો ગણેશ પૂજાને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સોમવારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ પોક્સો એક્ટ અને IT એક્ટની કલમ 15 હેઠળ પણ ગુનો છે. CJI ચંદ્રચુડ અને જસ્ટિસ J.B. પારડીવાલાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે.
ચંદ્રચુડ 29 માર્ચ 2000ના રોજ બોમ્બે હાઈકોર્ટના જજ બન્યા હતા. 31 ઓક્ટોબર, 2013ના રોજ, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને 13 મે, 2016ના રોજ, તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.
બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા પહેલા ચંદ્રચુડ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પણ હતા. તેઓ મુંબઈ યુનિવર્સિટી અને USAની ઓક્લાહોમા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp