સરકાર વાત નહીં માને તો BJPને હરાવીશું, સરપંચોએ આ રાજ્યની સરકારને આપ્યું 'ટેન્શન'
હરિયાણાની CM નાયબ સિંહ સૈની સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. રાજ્યભરના સરપંચોએ ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમના પર રાજ્યમાં બનેલા અમૃત સરોવરમાં 1800 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે. પંચાયતોએ અમૃત સરોવરની જવાબદારી લેવાનો ઈનકાર કરી દીધો છે અને ચેતવણી આપી છે કે, સરકાર સરપંચોના તમામ અધિકારો પરત આપે નહીંતર વિધાનસભાની ચૂંટણીમાં ફરી BJPનો વિરોધ કરવામાં આવશે.
હકીકતમાં લોકસભાની ચૂંટણીમાં સરકારનો વિરોધ કરનાર સરપંચોએ ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર સામે મોરચો માંડવાનું શરૂ કર્યું છે. સરપંચોએ ગામડાઓમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ અમૃત સરોવરની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે, અને ચેતવણી આપી છે કે, સરકાર સરપંચોના તમામ હક્કો પરત આપે નહીંતર વિધાનસભાની ચૂંટણીમાં ફરી BJPનો વિરોધ કરવામાં આવશે.
આ સંદર્ભે ફતેહાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા સરપંચ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ રણબીર ગિલે જણાવ્યું હતું કે, સરકારે 1800 કરોડ રૂપિયાના ખર્ચે સીધા કોન્ટ્રાક્ટરો પાસેથી રાજ્યભરમાં સેંકડો અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે. આ સરોવરો યોગ્ય રીતે બાંધવામાં આવ્યા નહોતા, ન તો તેને ખોદવામાં આવ્યા હતા. હવે હમણાં ચોમાસું આવી રહ્યું છે, ત્યારે સરકાર આ તળાવોને પંચાયતોના તાબામાં મૂકવા માંગે છે, કારણ કે વરસાદનું પાણી જ્યારે એકઠું થશે ત્યારે તે ઓવરફ્લો થશે અને ગ્રામજનોને મુશ્કેલી ઊભી થશે તે નિશ્ચિત છે.
તેમણે કહ્યું કે, કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સરકાર હવે સરપંચો પર દોષનો ટોપલો નાખવા માંગે છે. સરપંચો ચોક્કસપણે આ સ્વીકારશે નહીં અને જો સરકાર સરપંચોના તમામ મૂળભૂત અધિકારો પરત નહીં કરે તો, સરપંચો ફરીથી વિધાનસભાની ચૂંટણીમાં BJP સામે વિરોધનો મોરચો ઉભો કરશે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં એક પણ તળાવ એવું નથી કે, જે નિયમો મુજબ પૂર્ણ થયું હોય, પરંતુ સરકારે તમામ કોન્ટ્રાક્ટરોને પૂર્ણતાના પ્રમાણપત્રો આપ્યા છે. જ્યારે ફરી એકવાર તેમના કટ્ટર વિરોધી પૂર્વ પંચાયત મંત્રી દેવેન્દ્ર બબલી વિરુદ્ધ નિવેદન આપતાં તેમણે કહ્યું કે, સરકાર સાથે લડાઈ હંમેશા ચાલતી રહી છે અને જ્યારે માંગણીઓ સ્વીકારવામાં આવે છે ત્યારે તેનો અંત પણ આવે છે, પરંતુ પૂર્વ મંત્રી બબલીનો વિરોધ આમ જ ચાલુ રહેશે, કારણ કે તેમણે સરપંચોને જે ખોટા શબ્દો કહ્યા, તેમને ચોર કહ્યા, તેને લઈને તેમનો વિરોધ હંમેશા ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp