આ કેવું અભિવાદન! શું UP BJPની અંદર બધું બરાબર નથી? નેતાથી લઈ કાર્યકર્તા છે નારાજ
પાર્ટીના કાર્યકર્તાઓને સન્માનિત કરવા માટે BJPનો ચાલી રહેલો રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ 'અભિનંદન સમારોહ'એ UPમાં પાર્ટીના અધિકારીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. જ્યાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભગવા પાર્ટી ખાસ પ્રદર્શન કરી શકી નથી. જ્યારે NDA ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ રહ્યું, એટલું જ નહીં UPમાં તેની સીટો 64 થી ઘટીને 37 થઈ ગઈ. BJPનો વોટ શેર પણ 2019માં 49.98 ટકાથી ઘટીને હવે માત્ર 41.37 ટકા થઈ ગયો છે. પાર્ટીના આવા નિરાશાજનક પ્રદર્શન સાથે, રાજ્યભરમાં આયોજિત 'અભિનંદન સમારોહ'એ પક્ષના કાર્યકરો અને વરિષ્ઠ અધિકારીઓને એકસરખા નારાજ કર્યા છે. મોટા ભાગના નેતાઓએ આ મુદ્દે મૌન જાળવ્યું છે, ત્યારે કેટલીક જગ્યાએથી અસંતોષના છૂટાછવાયા અવાજો આવી રહ્યા છે.
જૌનપુરની બદલાપુર સીટ પરથી BJPના ધારાસભ્ય રમેશ મિશ્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે, BJPની અંદર કંઈક સારું નથી ચાલી રહ્યું. જો આમ જ ચાલશે તો આગામી 2027ની ચૂંટણીમાં BJP રાજ્યમાં સરકાર બનાવી શકશે નહીં. પોતાની શંકા વ્યક્ત કરતા તેઓ વીડિયોમાં કહેતા જોવા મળે છે કે, કેન્દ્રીય નેતૃત્વ અને UPના નેતૃત્વને લઈને બધુ બરાબર નથી ચાલી રહ્યું. વાયરલ વીડિયોમાં રમેશ મિશ્રાએ પોતાના સંગઠન વિશે નિવેદન આપતા કહ્યું કે, કેન્દ્રીય નેતૃત્વએ આમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે. વિધાનસભ્ય રમેશ મિશ્રાનો વાઇરલ વિડિયો ક્યારે અને ક્યાં બન્યો તેની કોઈ માહિતી નથી. ધારાસભ્ય રમેશ મિશ્રા વિસ્તારના લોકો સાથે જોડાયેલી તમામ તસવીરો મીડિયા સાથે શેર કરી રહ્યા છે. જ્યારે મીડિયા સૂત્રોએ વાયરલ વીડિયો અંગે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.
પ્રતાપગઢના પટ્ટામાં આવા જ એક કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતી સિંહના ભાષણનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં મોતી સિંહ કથિત રીતે કહેતા જોવા મળી રહ્યા છે કે, તેમની 42 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેમણે ક્યારેય પણ તહસીલો અને પોલીસ સ્ટેશનોમાં આટલી હદે ભ્રષ્ટાચાર નથી જોયો જેટલો આજકાલ જોવા મળી રહ્યો છે. લખનઉમાં DyCM બ્રજેશ પાઠકે કાર્યકરો પર ફૂલોની વર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ પૂરો થયા પછી ઘરે પરત ફરી રહેલા BJPના કાર્યકરની અન્ય મુસાફર સાથે વાહનની ટક્કર બાબતે ઝઘડો થયો હતો. કાર્યકર્તાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં તેને કથિત રીતે માર મારવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશમાં પાર્ટીના મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાને આ કાર્યક્રમના પ્રભારી બનાવવામાં આવ્યા છે. શુક્લાએ જણાવ્યું કે, આ કાર્યક્રમો લગભગ 200 જગ્યાએ થયા. ઉત્તર પ્રદેશમાં તેના ખરાબ પ્રદર્શન પછી પાર્ટી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પ્રતિસાદ અનુસાર, ઘણી જગ્યાએ કાર્યકરો ટિકિટ વિતરણ અને સામાન્ય અવગણનાને લઈને ઘણા જિલ્લાઓમાં રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વથી નારાજ હતા. તેમ છતાં તે સમયે કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. એક રાજકીય વિશ્લેષક કહે છે કે, મોદી ફેક્ટરનો પણ યોગ્ય પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આનાથી એ નિષ્કર્ષ પર આવ્યો કે, પાર્ટીના કાર્યકર્તાઓ પાસે કામ કરવા માટે કંઈ નથી અને ચૂંટણી PM મોદીના નામે લડાઈ રહી છે અને સરળતાથી જીતી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp