ઝારખંડની ધરતી પર શું થયું કે CM મમતા બેનર્જી થયા ગુસ્સે,બોર્ડર પર વાહનો અટકાવ્યા

PC: amarujala.com

CM મમતા બેનર્જી આ સમયે નારાજ છે. તેમનો ગુસ્સો BJP કે કેન્દ્ર સરકાર માટે નથી પરંતુ INDIA ગઠબંધન ભાગીદાર અને પડોશી રાજ્ય ઝારખંડના CM હેમંત સોરેન માટે છે. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીનો ગુસ્સો એટલો વધી ગયો છે કે, તેમણે પાડોશી રાજ્યમાંથી આવતા માલસામાનના વાહનોના રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. હવે મનમાં પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે, એવું તો શું થયું કે CM મમતા બેનર્જી CM હેમંતબાબુથી આટલા બધા નારાજ થઈ ગયા. તેનું કારણ મૈથન અને પંચેટ ડેમમાંથી પાણી છોડવાને કારણે બંગાળમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ છે.

CM મમતા બેનર્જીનો આરોપ છે કે, ઝારખંડને પૂરથી બચાવવા માટે બંગાળમાં પાણી છોડવામાં આવ્યું હતું. મૈથન અને પંચેત ડેમમાંથી પાણી છોડવાથી નારાજ પશ્ચિમ બંગાળ સરકારે ઝારખંડથી બંગાળ આવતા વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પશ્ચિમ બંગાળ પોલીસે ગુરુવારે સાંજે લગભગ 7 વાગે ઝારખંડથી બંગાળ જતા માલસામાન વાહનોને મૈથન નજીક દેબુડીહ ચેકપોસ્ટ પર રોક્યા હતા. વાહનો રોકવાના કારણે દિલ્હી-કોલકાતા લેનમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ અંગે પશ્ચિમ બંગાળ પોલીસનું કહેવું છે કે, વરિષ્ઠ અધિકારીઓનો આદેશ છે. તેથી મોટા વાહનોને બંગાળમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બંગાળ સરકાર DVC એટલે કે દામોદર વેલી કોર્પોરેશન દ્વારા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે બંગાળ સરકાર નારાજ છે. ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્થિતિ એવી છે કે બંગાળના મેદિનીપુરની સાથે પશ્ચિમ બર્દવાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસમાં ડેમમાંથી બંગાળ તરફ 5 લાખ ક્યુસેક લીટર પાણી છોડવામાં આવ્યું છે. વાહનો રોકવાના કારણે ચેકપોસ્ટની આસપાસ ટ્રાફિક જામ થઈ ગયો છે. હવે ઝારખંડ સરકાર પણ બંગાળ સામે આવી જ કાર્યવાહી કરવાની ધમકી આપી રહી છે.

CM મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની સરકાર બંગાળમાં પૂર લાવી ઝારખંડને બચાવવા માટે બંને રાજ્યોમાં કામ કરી રહેલા DVC સાથેના તમામ સંબંધો તોડી રહી છે. JMMના જનરલ સેક્રેટરી સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું, 'બંગાળ દ્વારા આ ઉતાવળમાં લેવાયેલું અને અયોગ્ય પગલું છે. અમે બંગાળમાં અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લઈ જતી તમામ માલવાહક ટ્રકોને રોકીશું. ભારે વરસાદને કારણે ઝારખંડના જળાશયોમાં પાણીનું સ્તર ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. કોઈ પણ સંજોગોમાં, આંતર-રાજ્ય સમિતિ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડવા પર નજર રાખે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp