એડિનોવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, બાળકોને ટારગેટ પર, જાણો લક્ષણો અને બચાવ વિશે

PC: haribhoomi.com

કોરોના વાયરસ બાદ હવે વધુ એક વાયરસ પગ પેસારો કરી રહ્યો છે. તેનું નામ એડિનોવાયરસ છે. હાલ આ વાયરસ પશ્ચિમ બંગાળમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એડિનોવાયરસની ચપેટમાં નાના બાળકો આવી રહ્યા છે. સરકારી આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળમાં એડિનોવાયરસના કારણે અત્યારસુધીમાં 12 બાળકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી આઠ એવા હતા, જે પહેલાથી કોઈક ને કોઈક બીમારી સામે લડી રહ્યા હતા. જોકે, પ્રશાસને છેલ્લાં 24 કલાકમાં થયેલા મોતને એડિનોવાયરસ ડેથ નથી માન્યા. તેમનું કહેવુ છે કે, આ વાતાવરણમાં આ સંક્રમણ (એક્યૂટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન) સામાન્ય છે.

પ્રશાસને જણાવ્યું કે, કોઈપણ સ્થિતિ સામે લડવાની તૈયારી અમે કરી છે. 600 બાળ રોગ વિશેષજ્ઞો સાથે 121 હોસ્પિટલોમાં પાંચ હજાર બેડ તૈયાર રાખ્યા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાવમાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વીતેલા એક મહિનામાં એક્યૂટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (ARI)ના 5213 મામલા સામે આવ્યા છે. ARI એક ઋતુગત સમસ્યા છે. આ વર્ષે મામલા એટલા માટે વધુ સામે આવી રહ્યા છે કારણ કે, વીતેલા બે વર્ષોમાં કોવિડના કારણે તે પકડમાં નહોતા આવી શકતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. સરકારે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર- 1800-313444-222 પણ જાહેર કર્યો છે.

એડિનોવાયરસ શું છે?

એડિનો વાયરસ ઈન્ફેક્શન એક વાયરલ બીમારી છે જે એડિનોવાયરસના કારણે થાય છે. તે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે કે શ્વાસ નળી પર હુમલો કરે છે. તેનાથી સંક્રમિત થવા પર સામાન્ય તાવ જેવુ સંક્રમણ થાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) અનુસાર, એડિનોવાયરસથી કોઈપણ ઉંમરની વ્યક્તિ ક્યારેય પણ સંક્રમિત થઈ શકે છે. નાના બાળકોને તેનાથી વધુ જોખમ છે. પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવુ છે કે, બે વર્ષ સુધીના બાળકોને તેનું સૌથી વધુ જોખમ છે. તેના કારણે મોટી ઉંમરના બાળકોના સંક્રમિત થવાના ચાન્સ ઓછાં છે.

કયા છે તેના લક્ષણો?

  • તેનાથી સંક્રમિત થવા પર કોમન કોલ્ડ અથવા ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે. આ ઉપરાંત, તાવ, ગળુ સુકાવુ, એક્યૂટ બ્રોંકાઇટિસ જેવી સમસ્યા પણ આવે છે.
  • આ બધા ઉપરાંત નિમોનિયા, કન્ઝૂક્ટિવિટીઝ, ડાયેરિયા, ઉલ્ટી અથવા પેટમાં દુઃખાવા જેવી ફરિયાદ પણ થાય છે. કેટલાક લોકોને બ્લેડર ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

કઈ રીતે ફેલાય છે આ વાયરસ?

  • આ વાયરલ બીમારી છે એટલે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. હવા દ્વારા પણ ખાંસી ખાવા અથવા છીંકવાથી ફેલાઈ શકે છે.
  • જો કોઈ સપાટી પર એડિનોવાયરસ હાજર હોય અને તેને તમે હાથ લગાડો અથવા તેના સંપર્કમાં આવો તો વાયરસની ચપેટમાં આવી શકે છે.
  • CDC અનુસાર, ઘણીવાર એડિનોવાયરસ સંક્રમિત વ્યક્તિના મળ દ્વારા પણ ફેલાઈ શકે છે. દાખલા તરીકે, ડાયપર બદલવા દરમિયાન. ઘણીવાર સ્વિમિંગ પૂલ દ્વારા પણ તે ફેલાઈ શકે છે.

સારવાર અને બચાવની રીત

  • CDCનું કહેવુ છે કે, આ વાયરસથી બચવા માટે થોડી-થોડીવારે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા જોઈએ.
  • ગંદા હાથોથી આંખ, નાક અને મોઢાંને અડકવા ના જોઈએ. જે લોકો બીમાર છે, તેમના સંપર્કમાં આવવાથી બચવુ જોઈએ. જો તમે બીમાર હો તો ઘરે જ રહેવુ જોઈએ. ખાંસી ખાતી વખતે અથવા છીંકતી વખતે ટીશ્યૂનો ઉપયોગ કરો. પોતાના વાસણો બીજા સાથે શેર ના કરો.
  • CDC અનુસાર, એડિનોવાયરસની કોઈ ખાસ દવા અથવા સારવાર નથી. મોટાભાગે એડિનોવાયરસ ઈન્ફેક્શનમાં હળવા લક્ષણો હોય છે અને દુઃખાવા અથવા તાવની દવાથી તેને દૂર કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp