હરિયાણા માટે રાહુલનો શું પ્લાન? 'દુશ્મન' સાથે હાથ મેળવીને BJPને હરાવવા તૈયાર!

PC: hindi.news18.com

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સોમવારે સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ જૂના 'દુશ્મન' સાથે ગઠબંધનની શક્યતાઓ પર હરિયાણા કોંગ્રેસના નેતાઓના મનમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું તેઓ ઈન્ડિયા એલાયન્સ પાર્ટી સાથે હરિયાણામાં ચૂંટણી લડી શકે છે?

રાહુલ ગાંધીએ CECની બેઠકમાં પૂછ્યું, 'શું હરિયાણાની ચૂંટણી એકલા હાથે લડવાથી કોંગ્રેસને નુકસાન નહીં થાય? શું કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા છે?

તેના પર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ઘણી બધી સીટો માંગી રહી છે. ત્રણથી ચાર બેઠકો આપી શકાય એમ છે, પરંતુ તેમની ઈચ્છા મોટી છે, તેથી ગઠબંધન કરવું મુશ્કેલ છે. જો કે, રાહુલ ગાંધીએ તો પણ કહ્યું હતું કે, 'INDIA ગઠબંધનના મતોનું વિભાજન ન થાય તે માટે આપણે બધાએ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ. તમે લોકો જુઓ શું શક્ય છે.'

શું કોંગ્રેસ કુસ્તીબાજ વિનેશ ફોગટને હરિયાણા ચૂંટણીમાં ઉતારશે? આજે આ પ્રશ્ન પર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. કોંગ્રેસ મહાસચિવ દીપક બાબરિયાના હવાલાથી મીડિયા સૂત્રોને આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે CECની બેઠકમાં ચર્ચા કરાયેલા 49 નામોમાંથી 34ને મંજૂરી આપવામાં આવી છે. એવા અહેવાલ છે કે, કોંગ્રેસના 28 વર્તમાન ધારાસભ્યોમાંથી 22ની ટિકિટ ક્લિયર થઈ ગઈ છે. 5 વર્તમાન ધારાસભ્યોની ટિકિટની સમીક્ષા કરવા રાખવામાં આવી છે, જ્યારે છઠ્ઠા ધારાસભ્ય વરુણ મુલાના લોકસભા સાંસદ બન્યા છે.

કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે લોકસભાના સાંસદ કુમારી સેલજા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલા અંગે અંતિમ નિર્ણય લેશે, જેઓ વિધાનસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવતા હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને AAPએ હરિયાણા, ગુજરાત, ગોવા, દિલ્હી અને ચંદીગઢમાં સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડી હતી. જો કે, હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી સેલજાએ ગયા મહિને વિધાનસભા ચૂંટણી માટે AAP સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી રાજ્યમાં મજબૂત ખેલાડી છે અને એકલા હાથે ચૂંટણી લડશે. આ વર્ષની શરૂઆતમાં, દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.

હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો છે, જેના માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp