...જ્યારે અચાનક PM મોદીએ કહ્યું, ચાલો સિગરા સ્ટેડિયમ તરફ જઈએ...
મંગળવારે PM નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે હતા. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા પછી, PM મોદીએ બનારસ રેલ્વે એન્જિન ફેક્ટરી (BLW)ના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતી વખતે PM મોદીએ અચાનક અધિકારીઓને સિગરા સ્ટેડિયમ પહોંચવાની સૂચના આપી. સિગરા સ્ટેડિયમ જવાની વાત સાંભળતા જ અધિકારીઓ ચોંકી ગયા હતા. કારણ કે સિગરા સ્ટેડિયમની મુલાકાત PMના શિડ્યુલમાં ન હતી અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ ન હતી.
ખુબ જ ઉતાવળમાં વારાણસી પોલીસ પ્રશાસનને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું. PMનો કાફલો સિગરા સ્ટેડિયમ તરફ વળતા જ સ્થાનિક વહીવટીતંત્રના હોશ ઉડી ગયા હતા. જો કે, ટૂંક સમયમાં જ તમામ વ્યવસ્થાઓ નિયંત્રણમાં આવી ગઈ હતી. રૂટ બદલવામાં આવ્યો હતો અને મહમૂરગંજ, રથયાત્રાના રૂટ પર સુરક્ષા દળો વધારવામાં આવ્યા હતા.
Reviewed the progress at the Dr. Sampurnanand Sports Stadium in Kashi. This stadium and sports complex will greatly help the youth of Kashi. pic.twitter.com/VJt82v6GfZ
— Narendra Modi (@narendramodi) June 18, 2024
સિગરા સ્ટેડિયમ પહોંચ્યા પછી PM મોદીએ સ્ટેડિયમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ હાજર હતા. નિરીક્ષણ દરમિયાન, PM મોદીને કહેવામાં આવ્યું હતું કે, સ્ટેડિયમનું ઉદ્ઘાટન તેમના દ્વારા બે મહિના પછી કરાવવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં ખેલાડીઓને લગતો મોટો કાર્યક્રમ થશે.
સિગરા સ્ટેડિયમમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યા પછી, PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'કાશીના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પ્રગતિની સમીક્ષા કરી. આ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાશીના યુવાનોને ખૂબ મદદરૂપ થશે.'
છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશ રમતગમત વિભાગની જમીન પર બનેલ સંપૂર્ણાનંદ સિગરા સ્ટેડિયમ જર્જરિત હાલતમાં પડેલું હતું. ડબલ એન્જિનની સરકાર પૂર્વાંચલના ખેલાડીઓને વધારે સુવિધા આપવા માટે કાશીમાં 'નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ' સ્ટેડિયમનું નિર્માણ કરાવી રહી છે. સ્ટેડિયમના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. બીજા અને ત્રીજા તબક્કાનું કામ જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે. કુલ 66782.4 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરી શકાશે. સ્ટેડિયમમાં લગભગ તમામ રમતોનું આયોજન કરવામાં આવશે અને તમામ રમતોના ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે. તેમાં બેડમિન્ટન, હેન્ડબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, વેઈટ લિફ્ટિંગ, સ્ક્વોશ જેવી 20થી વધુ ઇન્ડોર ગેમ્સ રમવાની સુવિધા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp