કોણ છે હરેકૃષ્ણ મહતાબ? ઓડિશામાં જેમની સંપત્તિ પર BJP દાવો કરે છે
ઓડિશામાં ઈતિહાસ રચીને BJPએ 2024માં પૂર્ણ બહુમતીની સરકાર બનાવી છે અને પાર્ટીએ રાજ્યમાં પોતાનું કદ વધારવાની યોજનાઓ પર અમલીકરણની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન, ઓડિશાની મોહન ચરણ માંઝી શાસિત BJP સરકારે જાહેરાત કરી છે કે, ભૂતપૂર્વ CM અને દિવંગત પીઢ નેતા ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિ પર આખા વર્ષ દરમિયાન રાજ્યમાં ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
BJPના સૂત્રો કહે છે કે, આ તેની ઓડિયા સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાના પક્ષના પ્રયાસોનો એક ભાગ છે, આ તે જ મુદ્દો છે જેણે આ વર્ષની શરૂઆતમાં બીજુ જનતા દળ (BJD)ને સત્તા પરથી હટાવવામાં અને પ્રથમ વખત પોતાના દમ પર સત્તા મેળવવામાં મદદ કરી હતી. ઓડિશામાં BJP પાસે એવો કોઈ લોકપ્રિય નેતા નથી કે, જેના વારસા પર તે દાવો કરી શકે.
હરેકૃષ્ણ મહતાબ વિશે વાત કરીએ તો, તેઓ ઉત્કલ કેસરી તરીકે જાણીતા હતા, જેમની 1960ના દાયકાના આખરી વર્ષોમાં ઈન્દિરા ગાંધી સાથે ઝગડો થઇ ગયો હતો અને ત્યાર પછી ઈમરજન્સીનો વિરોધ કરવા બદલ તેમને જેલમાં જવું પડ્યું હતું. CM મોહન ચરણ માઝી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મહતાબને મહાન રાષ્ટ્રવાદી બતાવ્યા છે.
હરેકૃષ્ણ મહતાબ એક સ્વાતંત્ર્ય સેનાનીની સાથે સાથે એક ઉત્કૃષ્ટ લેખક અને આધુનિક ઓડિશાનું નિર્માણ કરનારા એક જાણીતા નેતા હતા. તેમનો જન્મ 21 નવેમ્બર 1899ના રોજ ભદ્રક જિલ્લા (પહેલાનો બાલાસોર જિલ્લો)ના અગરાપાડામાં કૃષ્ણ ચરણ દાસ અને તોપહા બીબીના ઘરે થયો હતો અને તેમના નાના (મા ના પિતા) જગન્નાથ મહતાબ, જે અગરપાડાના મહારાજા હતા અને તેમની પત્ની રાણી ધની બીબી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા.
1918માં મહતાબ ઉત્કલ સંમિલનીમાં સામેલ થાય ગયા, જે એક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠન હતું, જેની સ્થાપના 1903માં સમાજ સુધારક મધુસૂદન દાસ દ્વારા અલગ ઓડિશા પ્રાંત અને તેના સામાજિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઝુંબેશ ચલાવવા માટે કરવામાં આવી હતી.
1920માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે સંમિલનીએ તેમાં જોડાવાનું નક્કી કર્યું. મહતાબ, તે સમયે કટકની રેવેનશો કોલેજના વિદ્યાર્થી હતા, તે મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા હતા અને તેમણે અંગ્રેજો દ્વારા ઘણી વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા.
મહતાબ ઉત્કલ પ્રદેશ કોંગ્રેસ કમિટી અને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ઘણા હોદ્દા પર પણ કાર્ય કર્યું હતું. 1920ના દાયકામાં તેમણે ઓડિશામાં પ્રજા મંડળ આંદોલનનું નેતૃત્વ કર્યું, જેને ગજત પ્રજા આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, જે રજવાડાઓમાં સ્થાનિક ચુનંદા લોકો અને અંગ્રેજો સામે જન આંદોલન હતું.
આઝાદી પહેલા પણ મહતાબ રાજ્યમાંથી બંધારણ સભા માટે ચૂંટાયા હતા. તેઓ 1946થી 1950 સુધી ઓડિશાના છેલ્લા PM હતા અને પછી 1956થી 1961 સુધી CM રહ્યા હતા. CM તરીકે, મહતાબને તે સમયના 26 ઓડિયા ભાષી રજવાડાઓને ઓડિશામાં એકીકૃત કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે 1949માં ઓડિશાની રાજધાની કટકથી ભુવનેશ્વરમાં ખસેડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને મહાનદી પરના હીરાકુડ ડેમ સહિતના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પહેલ કરી હતી.
મહતાબે જવાહરલાલ નેહરુના પ્રથમ મંત્રીમંડળના સભ્ય તરીકે કેન્દ્રમાં સેવા આપી હતી અને 1955માં તેમની બોમ્બે પ્રાંતના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1966માં, મહતાબને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી PM બનેલા ઈન્દિરા ગાંધી સાથેના નીતિવિષયક મતભેદોને પગલે, મહતાબે તે જ વર્ષે કોંગ્રેસ છોડી દીધી અને પોતાની પાર્ટી ઓરિસ્સા જન કોંગ્રેસની સ્થાપના કરી.
આ પછી તેઓ ત્રણ વખત ઓરિસ્સા વિધાનસભામાં ચૂંટાયા અને 1976માં ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીનો વિરોધ કરવા બદલ જેલમાં પણ ગયા. મહતાબ 1977માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા અને 2 જાન્યુઆરી 1987ના રોજ તેમનું અવસાન થયું. 1923માં તેમના દ્વારા સ્થપાયેલ અખબાર પ્રજાતંત્ર, હજુ પણ પ્રકાશિત થઈ રહ્યું છે અને તેનું સંપાદન હવે તેમના પુત્ર અને કટકના BJP સાંસદ ભર્તુહરિ મહતાબ દ્વારા કરવામાં આવે છે.
સંભવતઃ ઈન્દિરા સામેના બળવાને કારણે જ હરેકૃષ્ણ મહતાબને કોંગ્રેસ તરફથી જે સન્માન મળવાનું હતું તે ન મળ્યું, જેના તેઓ હકદાર હતા. તેઓ એવા નેતા હતા, જેમણે ચાર દાયકાથી વધુ સમય સુધી ઓડિશા પર શાસન કર્યું. કોંગ્રેસ માટે, રાજ્યમાં સૌથી મોટા નેતા જાનકી વલ્લભ પટનાયક હતા, જેઓ 13 વર્ષ સુધી CM રહ્યા હતા.
જ્યારે નવીન પટનાયકે 1997માં બીજુ જનતા દળ (BJD)ની રચના કરી અને માર્ચ 2000માં ઓડિશાના CM બન્યા, ત્યારે બીજુ પટનાયકને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો અને તેમણે અત્યાર સુધીના ઓડિયાના સર્વકાલિન મહાન નેતા તરીકે ઓળખવામાં આવ્યા.
BJP માટે મહતાબના વારસાનો દાવો કરવો સરળ છે, તેનું કારણ એ પણ છે કે, ઈન્દિરા સાથેના તેમના મતભેદોને ધ્યાનમાં રાખીને, તેમના માટે કોંગ્રેસનો વિરોધ કરવાનું પણ સરળ બનશે. કટોકટીની ઘોષણા પછીના 50મા વર્ષમાં, BJP અને તેના સૌથી વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસને હરાવવા માટે તે સમયગાળા દરમિયાન નાગરિક સ્વતંત્રતાઓને સ્થગિત કરવા અને લોકપ્રિય નેતાઓને જેલની સજા કરવાનો વારંવાર ઉલ્લેખ કર્યો છે.
આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા, મહતાબના પુત્ર ભર્તુહરિ જે તે સમયે કટકના છ વખત સાંસદ હતા, તેમને BJDમાંથી પાર્ટીમાં સામેલ કરવામાં BJP સફળ રહી હતી. ભર્તુહરિ મહતાબ 1998થી સતત કટકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણી માટે, માઝી સરકાર એક સ્મારક સંગ્રહાલય સ્થાપવા, તેમના જન્મસ્થળ અગરાપાડા ખાતે તેમની એક આખી પ્રતિમા સ્થાપિત કરવા અને તે સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો ઇરાદો ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp