CJI બેન્ચમાં સૌથી અલગ નિર્ણય આપનાર જસ્ટિસ નાગરથના કોણ છે? 36 દિવસ માટે CJI બનશે

PC: aajtak.in

CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની 9 જજોની બેંચે કહ્યું છે કે, ખનીજ પરની રોયલ્ટીને ટેક્સ ગણી શકાય નહીં. ખંડપીઠે, 8:1ની બહુમતીથી આપેલા તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે, રાજ્યોને ખનીજ પર કર લાદવાની કાયદાકીય સત્તા છે અને તેના પર ચૂકવવામાં આવતી રોયલ્ટી કર નથી. જસ્ટિસ B.V. નાગરથના 9 જજોની બેન્ચમાં એકમાત્ર જજ હતા, જેમણે અલગ નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ નાગરથનાએ તેમના 193 પાનાના ચુકાદામાં કહ્યું હતું કે, ખનીજ પર ચૂકવવામાં આવતી રોયલ્ટી ટેક્સની પ્રકૃતિમાં છે. જો રાજ્યોને ખનિજો પર કર વસૂલવાની છૂટ આપવામાં આવે તો આવક વસૂલવાની સ્પર્ધા થશે.

હકીકતમાં, ઘણી રાજ્ય સરકારો અને કંપનીઓ વતી સુપ્રીમ કોર્ટમાં કુલ 86 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે, રાજ્યોને ખનીજ પર રોયલ્ટી અને ખાણો પર ટેક્સ લાદવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં. આ મામલામાં અસંમત ચુકાદો આપનાર જસ્ટિસ B.V. નાગરથના પહેલા પણ ઘણા મામલામાં અસંમત ચુકાદો આપી ચૂક્યા છે. જસ્ટિસ નાગરથના ભારતના ચીફ જસ્ટિસ બનવાની લાઇનમાં પણ છે. ચાલો તેમના વિશે વધુ જાણીએ...

જસ્ટિસ B.V. નાગરથનાનો જન્મ 30 ઓક્ટોબર 1962ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમણે વર્ષ 1984માં જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી BA ઓનર્સ (ઇતિહાસ)નો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાં LLBમાં એડમિશન લીધું. 1987માં LLB પૂર્ણ કર્યા પછી, તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. તેમણે 1987થી 1994 સુધી KESVY & Co સાથે કામ કર્યું. વર્ષ 1994માં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી.

જસ્ટિસ નાગરથના વર્ષ 2008માં પ્રથમ વખત કર્ણાટક હાઈકોર્ટના જજ બન્યા હતા. 18 ફેબ્રુઆરી 2008ના રોજ તેઓ કર્ણાટક હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા. આ પછી, 17 ફેબ્રુઆરી 2010ના રોજ, તેમને કર્ણાટક હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જસ્ટિસ નાગરથના કર્ણાટક જ્યુડિશિયલ એકેડમીના પ્રમુખ અને બેંગલુરુ મધ્યસ્થતા કેન્દ્રના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

31 ઓગસ્ટ 2021ના રોજ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ B.V. નાગરથનાની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI બનવાની પણ લાઇનમાં છે. જસ્ટિસ નાગરથના ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હશે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 36 દિવસનો રહેશે. તે 24 સપ્ટેમ્બર 2027ના રોજ CJI બનશે અને 29 ઓક્ટોબર 2027 સુધી આ પદ સંભાળશે.

જસ્ટિસ નાગરથનાને વહીવટી કાયદો, બંધારણીય કાયદો, વાણિજ્યિક કાયદો અને પારિવારિક કાયદા જેવી બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે. સ્કોબઝર્વરના અહેવાલ મુજબ, જસ્ટિસ નાગરથના અત્યાર સુધીમાં 366થી વધુ બેન્ચનો ભાગ રહી ચૂક્યા છે અને 53થી વધુ ચુકાદાઓ આપી ચૂક્યા છે. જસ્ટિસ નાગરથનાએ પણ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીમાં સર્વસંમતિથી નિર્ણય આપ્યો હતો.

તેમણે નોટબંધી પર અસહમતી દર્શાવી હતી. આ સિવાય આઝમ ખાન સંબંધિત ફ્રીડમ ઓફ સ્પીચ કેસમાં પણ અલગ ચુકાદો આપવામાં આવ્યો હતો. અન્ય એક મહત્વના નિર્ણયમાં, જસ્ટિસ નાગરથનાએ સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે, જો જાહેર સેવકો સામે સંજોગોવશાત્ પુરાવા હોય તો તેમને લાંચ માટે જવાબદાર ગણી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp