કોણ હશે મહંતના ઉત્તરાધિકારી? રામ મંદિર માટે આપ્યા હતા 1 કરોડ, હવે સંતની વારસાઇ..
અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે 1 કરોડ રૂપિયા દાન આપનાર મહંત કનક બિહારી દાસના ઉત્તરાધિકારી બનવાને લઇને વિવાદ ઊભો થઇ ગયો છે. સંતની વારસાઇને લઇને આ વિવાદ શ્યામ બાબા અને સાધ્વી લક્ષ્મી વચ્ચે છે. જ્યાં એક તરફ શ્યામ બાબા પોતાને મહંતના ઉત્તરાધિકારી માની રહ્યા છે, તો ભોપાલની રીના રઘુવંશી ઉર્ફ સાધ્વી લક્ષ્મીએ પણ કહ્યું કે મહંતે તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે. ગયા વર્ષે 17 એપ્રિલ 2023ના રોજ મહંત કનક બિહારી દાસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી પાછા છિંદવાડા જઇ રહ્યા હતા. એ દરમિયાન રોડ અકસ્માતમાં નિધન થઇ ગયું હતું.
આ ઘટના મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં બરમાન-સગરી નેશનલ હાઇવે નંબર 44 પર થઇ હતી. અહી બાઇક સવારને બચાવવાના ચક્કરમાં મહંતની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી અને મહંત સહિત 2 લોકોના મોત થઇ ગયા હતા. મહંત કનક બિહારી દાસ મહારાજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ કરતા વધુની રકમ આપીને ચર્ચામાં આવ્યા હતા. રઘુવંશ શિરોમણી 1008ના નામથી વિખ્યાત કનક બિહારી દાસ મહારાજ રઘુવંશી સમાજના રાષ્ટ્રીય સંતના રૂપમાં ઓળખ ધરાવતા હતા.
મહારાજનો આશ્રમ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં સ્થિત નોનીમાં હતો. મહારાજ કનક અયોધ્યામાં થનારા યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા. આ 9 કૂંડિયા યજ્ઞ 10 ફેબ્રુઆરી 2024થી અયોધ્યામાં થવાનો હતો. મહંત તેની તૈયારી માટે બધા ગામોમાં જઇ રહ્યા હતા, પરંતુ આ યજ્ઞ અગાઉ જ તેઓ અકસ્માતનો શિકાર થઇ ગયા. મહંતની વારસાઇ અને ઉત્તરાધિકારી બનવાને લઇને શ્યામ બાબા અને ભોપાલની સાધ્વી લક્ષ્મી વચ્ચે વિવાદ થઇ ગયો છે. શ્યામ બાબાએ રીના પર આરોપ લગાવ્યો છે કે તેમણે મહંતના ખાતામાંથી છેતરપિંડી કરીને 90 લાખ રૂપિયા કાઢી લીધા. આ અંગેની ફરિયાદ પોલીસને કરવામાં આવી છે.
પોલીસે સાધ્વી લક્ષ્મી સહિત અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. છિંદવાડાના લોનિબર્રા સ્થિત શ્રીરામ જાનકી મંદિર ધામના મહંત સ્વ. કનક બિહારી દાસજીનું ખાતું ચૈરઇ સ્થિત SBI બેંકમાં છે. પોતાને મહંતના ઉત્તરાધિકારી બતાવનારા શ્યામ બાબાનું કહેવું છે કે મહંત કનક બિહારી દાસના ખાતામાં 90 લાખ રૂપિયા જમા હતા. અત્યારે તેમાં ઉત્તરાધિકારીને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન સાધ્વી લક્ષ્મીએ પોતાના સાથીઓ સાથે મળીને છેતરપિંડી કરી અને ખાતામાં પોતાનો મોબાઇલ નંબર લગાવીને નેટ બેંકિંગના માધ્યમથી રકમ કાઢી લીધી.
હાલમાં પોલીસે લક્ષ્મી સહિત અન્ય લોકો પર કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. તો રઘુવંશી સમાજના નેતા ચક્રપાલ સિંહ પટેલે સાધ્વી પર કાર્યવાહીની માગ કરી છે. બીજી તરફ સાધ્વી લક્ષ્મીએ પણ પોતાના બચાવમાં સોશિયલ મીડિયા પર એક કોપી પોસ્ટ કરી. શેર કરેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે કનક બિહારી દાસજી મહારાજે પોતાની વારસાઇ અને ઉત્તરાધિકારી રિના રઘુવંશી ઉર્ફ સાધ્વી લક્ષ્મીને બનાવ્યા છે. ચૌરઇના SDOP સૌરભ તિવારીનું કહેવું છે કે એક ફરિયાદ મળી હતી. શ્યામ બાબા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી કે અકાઉન્ટથી પૈસા કાઢી લેવામાં આવ્યા છે. છેતરપિંડીનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. FIRમાં રીના રઘુવંશીનું નામ નોંધાયેલું છે, વિવેચના ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp