શિંદે સરકારના મંત્રીએ પોતાના દીકરી-જમાઈ માટે એવું કેમ કહ્યું 'નદીમાં ફેંકી દો'

PC: ap7am.com

મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી અને NCPના વરિષ્ઠ નેતા ધર્મરાવ બાબા અત્રામે તેમની પુત્રી અને જમાઈ માટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે હાલમાં જ અહેરી વિધાનસભા મતવિસ્તારના મતદારોને કહ્યું હતું કે, જો તેમની પુત્રી ભાગ્યશ્રી અને જમાઈ ઋતુરાજ હલગેકર દગો કરે તો તેમને પ્રાણહિતા નદીમાં ફેંકી દેવા જોઈએ. ચાલો જાણીએ શું થયું કે, મહારાષ્ટ્રના મંત્રીએ પોતાની જ દીકરી અને જમાઈ વિરુદ્ધ આ પ્રકારનું ઝેર ઓકવાનું શરૂ કરી દીધું.

આ નિવેદન પાછળનું કારણ એ છે કે, ધર્મરાવ બાબા આત્રામની પુત્રી ભાગ્યશ્રી NCPના શરદ પવાર જૂથમાં જોડાવાની તૈયારી કરી રહી છે. આના લીધે તેઓ પોતાના પિતા સામે ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. ત્યાર પછી ધર્મરાવે મતદારોને કહ્યું કે, જો આવું થાય તો દીકરી અને જમાઈને નદીમાં ફેંકી દો.

ધરમરાવ બાબા આત્રામે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને DyCM અજિત પવારની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું. તે સમયે DyCM અજિત પવાર અહેરીમાં 'જન સન્માન યાત્રા' અંતર્ગત મહાયુતિ સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરી રહ્યા હતા.

ધમરાવબાબા આત્રામે કહ્યું, 'લોકો પાર્ટી છોડી રહ્યા છે, પરંતુ આપણે તેમની પરવા ન કરવી જોઈએ. મારા પરિવારના કેટલાક લોકો મારી રાજકીય તાકાતનો લાભ લઈને અન્ય પક્ષમાં જવા માંગે છે. છેલ્લા 40 વર્ષથી લોકો રાજકારણમાં પક્ષપલટા કરી રહ્યા છે. હવે શરદ પવારનું જૂથ મારા ઘરના ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યું છે અને મારી દીકરીને મારી વિરુદ્ધ ચૂંટણી લડાવી રહ્યા છે, મારા જમાઈ અને મારી દીકરી પર વિશ્વાસ ન કરશો.'

તેમણે આગળ કહ્યું, 'આ લોકોએ મારી સાથે દગો કર્યો છે. બધાએ તેમને નજીકની પ્રાણહિતા નદીમાં ફેંકી દેવા જોઈએ. જે છોકરી તેના પિતાની નથી બની શકી, તે તમારી કેવી રીતે બનશે? જરા વિચારો તે તમને કેવો ન્યાય અપાવશે.'

આત્રામે કહ્યું કે, તેઓ આગામી ચૂંટણીમાં અહેરી વિધાનસભા મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે એમ પણ કહ્યું કે, જો એક દીકરી તેને છોડીને ગઈ, તો બીજી દીકરી, તેનો દીકરો, ભાઈ અને પિતરાઈ ભાઈનો દીકરો હજી પણ તેની સાથે છે.'

DyCM અજિત પવારે પણ ધર્મરાવ બાબા આત્રામની પુત્રીને ચેતવણી આપી હતી અને તેને તેના પિતાને ન છોડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, 'આખો પરિવાર ધર્મરાવ બાબા આત્રામ સાથે છે. હવે તેઓ (ભાગ્યશ્રી) પોતાના પિતા સામે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે આ ભૂલ ન કરે અને તેમના પિતાને સમર્થન આપે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp