પુરીના જગન્નાથ મંદિરમાં બ્રિટિશ નાગરિકની કેમ અટકાયત કરી લેવામાં આવી? નિયમો જાણો

PC: twitter.com

ઓડિશા પોલીસે પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવા અને મંદિરની અંદર તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરવા બદલ એક બ્રિટિશ નાગરિકની અટકાયત કરી છે. વિદેશી પ્રવાસીની ઓળખ લંડનના વેન્ડ્સવર્થના થોમસ ક્રેગ શેલ્ડન તરીકે થઈ છે. શનિવારે આરોપીએ 12મી સદીમાં બનેલા દક્ષિણ ભારતના આ પ્રખ્યાત મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે કહ્યુ હતું કે, ગેર હિંદુ હોવાને કારણે થોમસને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો હતો, તો તેણે પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. પુરીના જગન્નાથ મંદિરમાં નોન હિંદુને પ્રવેશવાની મંજૂરી નથી. પુરીના DCP પ્રશાંત સાહુએ મીડિયાને કહ્યું હતું કે અમે વિદેશી પર્યટકની અટકાયત કરી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા 23 માર્ચે પણ પોલેન્ડની મહિલાએ જગન્નાથ મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરી હતી.

આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જગન્નાથ મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ માટે 9 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આ મામલે ફરિયાદ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, ઘણા બાંગ્લાદેશી નોન-હિંદુ લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ મામલે સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પુરીના એડિશનલ SP સુશીલ મિશ્રાએ કહ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રવાસીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે કે બાંગ્લાદેશથી કેટલાક નોન હિંદુ લોકો મંદિરમાં પ્રવેશ્યા છે. અમે 9 બાંગ્લાદેશીઓને કસ્ટડીમાં લીધા છે. મંદિરના નિયમો અનુસાર માત્ર હિન્દુઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

જગન્નાથ મંદિરના મેનેજમેન્ટે શ્રધ્ધાળુઓના ડ્રેસ કોડને લઇને નવા વર્ષ પર સૂચનો જારી કર્યા હતા. નવા નિયમો મુજબ જગન્નાથ મંદિરમાં ફાટેલી જીન્સ, હાફ પેન્ટ, શોર્ટ્સ, ર્સ્કટ અને સ્લીવલેસ જેવા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ છે. મંદિરમાં સભ્ય વસ્ત્રો પહેરીને આવનારને જ પ્રવેશ મળે છે. નવા નિયમો પછી જગન્નાથ મંદિરમાં શ્રધ્ધાળુઓ ધોતિયા, સલવાર કમીઝ કે સાડીમાં જ જોવા મળી રહ્યા છે.

જગન્નાથ મંદિરના મેનેજમેન્ટે હોટલ માલિકોને કહ્યું છે કે, જે મહેમાનો હોટલમાં રોકાવવા માટે આવે તેમને મંદિરના ડ્રેસ કોડ વિશે જાણકારી આપે. કારણ કે મોટાભાગના શ્રધ્ધાળુઓ પુરી આવ્યા પછી સૌથી પહેલાં હોટલમાં જ જતા હોય છે. મંદિરના કેમ્પસમાં ગૂટકા ખાવા પર અને પ્લાસ્ટીકની થેલીઓ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp