પત્નીનો પતિ પર રેલવેના ટુવાલ-બેડશીટ ચોરવાનો આરોપ, કહ્યું- ઘર સાફ કર્યું તો...

PC: aajtak.in

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ખાનગી કંપનીના એન્જિનિયર પર રેલવેના ટુવાલ, બેડશીટ અને ધાબળા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. એન્જિનિયરની પત્નીએ આ અંગે રેલવેમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. રેલ્વે કોચમાં મુસાફરોને મોટી સંખ્યામાં આપવામાં આવતા પથારીઓના કપડાં ઘરની અંદરથી મળતા પત્નીએ પોલીસને જાણ કરી હતી. ચોરાયેલો સામાન રિકવર કર્યા પછી રેલવે પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

મીડિયા સૂત્રો સાથે વાતચીતમાં ફરિયાદ કરનારી મહિલાએ જણાવ્યું હતું કે, 'હું રાજસ્થાનના કોટાની રહેવાસી છું. મારા લગ્ન કાનપુરના રહેવાસી મોહમ્મદ અરશદ સાથે આ વર્ષે 12 જાન્યુઆરીએ થયા હતા. અરશદ એક ખાનગી કંપનીમાં IT એન્જિનિયર છે અને હાલમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના એરપોર્ટ રોડ પર દત્તા કોલોનીમાં એક મકાનમાં ભાડેથી રહે છે અને ઘરેથી કામ કરે છે. લગ્ન પછી હું મારા પતિ સાથે ભોપાલના ઘરમાં રહેતી હતી. આ દરમિયાન, રમઝાન મહિનાની શરૂઆત અને ઈદના તહેવાર પહેલા, મેં ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, જ્યારે મેં રૂમમાં રાખેલ એક સુટકેશ ખોલ્યું તો હું દંગ રહી ગઈ, કારણ કે તેની અંદર ભારતીય રેલવેના લગભગ 30 ટુવાલ અને 6 ધાબળા અને મોટા ભાગની બેડશીટ રાખવામાં આવી હતી. આ સાથે દિલ્હીની એક મોટી હોટલનો સામાન પણ રાખવામાં આવ્યો હતો. મારા પતિએ આ બધી વસ્તુઓ ચોરી કરીને છુપાવી રાખી હતી.

જ્યારે મેં મારા પતિને કહ્યું કે, ચોરી કરવી ખોટી વાત છે અને આ સામાન સરકારનો છે, તેથી આપણે તેને પરત કરી દેવો જોઈએ, ત્યારે તેઓ મારી પર ખૂબ ગુસ્સે થયા. તેઓએ મંગળવારે મને ચપ્પલ અને જૂતા વડે માર માર્યો હતો. પરંતુ મેં મારા મોબાઈલથી રેલવેમાં આ ફરિયાદ નોંધાવી અને GPRFને ફોન કરીને રેલવેનો સામાન સોંપ્યો. તે જ સમયે, જ્યારે મને રાત્રે મારા પતિ દ્વારા ખતરો લાગ્યો, ત્યારે હું ચૂપચાપ મારા વતન એટલે કે કોટા શહેર માટે એક કાર ભાડેથી લઈને રવાના થઈ ગઈ.' મહિલાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે.

ફરિયાદી મહિલાએ રેલવેની મોબાઈલ એપ પર નોંધાવેલી ફરિયાદનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ અંગે રેલવે દ્વારા લખવામાં આવ્યું છે કે, 'સર, ફરિયાદી મહિલા અફસાના ખાનનો સંપર્ક કર્યા પછી તેણે જણાવ્યું કે, મારા ઘરના એક સુટકેશમાં 40 રેલ્વે બેડશીટ્સ છે, જેમાંથી કેટલીક દક્ષિણ રેલવેની છે અને કેટલીક અન્ય રેલવેની છે. અને સફેદ કલરના 30 ટુવાલ અને 6 ધાબળા મળી આવ્યા છે, જે મારા પતિએ ચોરી લીધા છે. તેનું કહેવું છે કે, તેણે પોતાનું સરનામું, ઘર નંબર 202 દત્તા કોલોની એરપોર્ટ રોડ ભોપાલ તરીકે આપ્યું છે. આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ સંદર્ભે સંત હિરદારામ નગરના નિરીક્ષકને નોંધ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

સિનિયર ડિવિઝન સિક્યુરિટી કમિશનર ભોપાલ પ્રશાંત યાદવે કહ્યું કે, મહિલાની ફરિયાદ પછી મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કર્યા પછી જે પણ હકીકતો બહાર આવશે તે મુજબ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, જો કોઈ ભારતીય રેલવેના સામાનની ચોરી કરતા પકડાય છે, તો રેલવે પ્રોપર્ટી એક્ટ-1966 હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. રેલવેની મિલકતની ચોરી કે નુકસાન કરવા બદલ દંડ અને જેલ બંનેની જોગવાઈ છે. આ માટે એકથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. જ્યારે, લઘુત્તમ દંડ એક હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે. મહત્તમ દંડ રેલવે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp