શું કોંગ્રેસ અનામત ખતમ કરશે? રાહુલનો પ્લાન USથી જાહેર થયો, પરંતુ શરત રાખી

PC: business-standard.com

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ફરી એકવાર અનામતનો મુદ્દો સામે આવ્યો છે. આ વખતે રાહુલ ગાંધીએ અમેરિકામાં બેસીને અનામતને લઈને પોતાની યોજના જણાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ અનામત ખતમ કરી શકે છે, પરંતુ તેમણે તેના માટે એક શરત મૂકી છે. તે ન્યાયીતા એટલે કે સમાનતા છે. હકીકતમાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી આરક્ષણને ખતમ કરવા વિશે ત્યારે જ વિચારશે જ્યારે ભારતમાં અનામતની બાબતમાં ન્યાયીતા હશે અને અત્યારે એવું નથી. રાહુલ ગાંધીએ પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત કહી.

વોશિંગ્ટનની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાહુલને અનામત અંગે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યું હતું કે, તે ક્યાં સુધી ચાલુ રહેશે. આના પર તેમણે કહ્યું, 'જ્યારે ભારતમાં (આરક્ષણના સંદર્ભમાં) ન્યાયીપણું હશે, ત્યારે અમે આરક્ષણ સમાપ્ત કરવા વિશે વિચારીશું. અત્યારે ભારત આ માટે યોગ્ય સ્થાન નથી, રાહુલ ગાંધીએ કહ્યું, 'જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને અન્ય પછાત વર્ગ (OBC)ના લોકોને પણ લગભગ એટલી જ રકમ મળે છે. સત્ય એ છે કે તેમને યોગ્ય ભાગીદારી નથી મળી રહી.'

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, 'સમસ્યા એ છે કે ભારતની 90 ટકા વસ્તી ભાગીદારી કરવામાં સક્ષમ નથી. ભારતના દરેક 'બિઝનેસ લીડર'ની યાદી જુઓ. મેં આ કર્યું છે. મને આદિવાસી નામો બતાવો. મને દલિત નામો બતાવો. મને OBC નામો બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક OBC છે. તેઓ ભારતની 50 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ અમે આ બીમારીનો ઇલાજ નથી કરી રહ્યા.' તેમણે કહ્યું, 'હવે આ જ સમસ્યા છે, આ (આરક્ષણ) જ એકમાત્ર સાધન નથી, અન્ય માધ્યમો પણ છે.'

રાહુલ ગાંધીએ કહ્યું, 'ઘણા એવા લોકો છે જે ઉચ્ચ જાતિમાંથી આવે છે, જે કહે છે કે જુઓ, અમે શું ખોટું કર્યું છે? અમને શા માટે સજા કરવામાં આવે છે? તેથી, પછી તમે આમાંની કેટલીક વસ્તુઓનો પુરવઠો નાટકીય રીતે વધારવા વિશે વિચારો છો. તમે સત્તાના વિકેન્દ્રીકરણ વિશે વિચારો છો. તમે આપણા દેશના શાસનમાં ઘણા વધુ લોકોને સામેલ કરવા વિશે વિચારો છો. હું પૂરા આદર સાથે કહેવા માંગુ છું કે, મને નથી લાગતું કે તમારામાંથી કોઈ ક્યારેય અદાણી કે અંબાણી બનશે. આનું પણ એક જ કારણ છે. તમે બની શકતા નથી, કારણ કે તેના માટે દરવાજા બંધ છે. તેથી, સામાન્ય જાતિના લોકોનો જવાબ છે કે, તમે તે દરવાજા ખોલો.'

જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલે કહ્યું કે, તે ત્યારે જ તેના પર ટિપ્પણી કરશે જ્યારે તેઓ જાણશે કે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પ્રસ્તાવ શું છે. તેમણે કહ્યું, 'BJP સમાન નાગરિક સંહિતાનો પ્રસ્તાવ લાવી રહી છે. અમે તેને જોયો નથી. અમને ખબર નથી કે તેઓ શેના વિશે વાત કરી રહ્યાં છે. અમારા માટે આ અંગે ટિપ્પણી કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે તેઓ તેને લાવશે, અમે તેને જોઈશું અને તેના પર ટિપ્પણી કરીશું.' તેમણે એમ પણ કહ્યું કે 'INDIA' ગઠબંધનના સભ્યો વચ્ચે મતભેદ છે, પરંતુ તેઓ ઘણી બાબતો પર સહમત પણ છે.

તેમણે કહ્યું, 'અમે સંમત છીએ કે, ભારતના બંધારણની રક્ષા થવી જોઈએ. અમારામાંના મોટા ભાગના લોકો જાતિની વસ્તી ગણતરીના વિચાર સાથે સહમત છે. અમે સંમત છીએ કે, બે ઉદ્યોગપતિઓ, એટલે કે અદાણી અને અંબાણી, ભારતમાં દરેક વ્યવસાય ચલાવવો જોઈએ નહીં. તેથી, તમારું કહેવું કે અમે સહમત નથી, મને લાગે છે, ખોટું છે.' રાહુલે કહ્યું, 'બીજી વાત એ છે કે, તમામ જોડાણોમાં હંમેશા કેટલાક મતભેદો તો રહેવાના જ. આ સંપૂર્ણપણે કુદરતી છે. આમાં કશું ખોટું નથી. અમે ઘણી વખત સરકારો ચલાવી છે, જે ગઠબંધન સાથે સફળ રહી છે. તેથી અમને વિશ્વાસ છે કે અમે આ ફરીથી કરી શકીશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp