શું સરકાર કાચાથીવુ ટાપુ પાછો લેશે? શ્રીલંકા મંત્રીએ કહ્યું, સરકાર બદલવાથી...
શ્રીલંકાને કાચાથીવુ ટાપુ સોંપવાનો મુદ્દો 50 વર્ષ પછી ફરી એકવાર હેડલાઇન્સમાં છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP) કેન્દ્રમાં તત્કાલીન શાસક કોંગ્રેસ અને તમિલનાડુના શાસક DMK પર પ્રહારો કરી રહી છે. PM નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી S. જયશંકરે કોંગ્રેસ અને DMK પર આ મામલે દેશની સાર્વભૌમત્વ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર આ મુદ્દાને આટલી જોરદાર રીતે ઉઠાવી રહી છે, ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું ભારત શ્રીલંકાને સોંપવામાં આવેલ કાચાથીવુ ટાપુ પાછો લેશે? આ અંગે શ્રીલંકાના મંત્રી સાથે વાત કરવા પર તેમણે કહ્યું કે, ભારતે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર સંદેશ મોકલ્યો નથી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની કેબિનેટમાં તમિલ મૂળના મંત્રી જીવન થોન્ડમનનો ઉલ્લેખ કરીને મીડિયા સૂત્રોએ કહ્યું કે, 'જ્યાં સુધી શ્રીલંકાની વાત છે, કાચાથીવુ ટાપુ શ્રીલંકાની નિયંત્રણ રેખામાં આવે છે. શ્રીલંકા સાથે PM નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ જીવંત અને સ્વસ્થ છે. હજી સુધી, ભારત દ્વારા કાચાથીવુ ટાપુ પર નિયંત્રણ પરત કરવાની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ભારત તરફથી હજુ સુધી આવી કોઈ વિનંતી આવી નથી. જો આવો કોઈ સંદેશ આવશે તો વિદેશ મંત્રાલય તેનો જવાબ આપશે.'
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે આ પ્રશ્ન પર શ્રીલંકાના અન્ય મંત્રી સાથે વાત કરવામાં આવી, તો તેમણે કાચાથીવુ ટાપુ ભારતને સોંપવાની કોઈપણ સંભાવનાને નકારી કાઢી. તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, નવી સરકારની ઈચ્છા મુજબ રાષ્ટ્રીય સીમાઓ બદલી શકાય નહીં. શ્રીલંકાના મંત્રીએ કહ્યું, 'કાચાથીવુને શ્રીલંકાની નિયંત્રણ રેખાની અંદર ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી. એકવાર મર્યાદા નિર્ધારિત થઈ જાય પછી, કોઈ પણ વ્યક્તિ ફક્ત સરકારના પરિવર્તનને કારણે પરિવર્તનની માંગ કરી શકશે નહીં... શ્રીલંકાના કેબિનેટમાં કાચાથીવુ ચર્ચાનો વિષય બન્યો નથી; આ અંગે ભારત તરફથી કોઈ વાતચીત કરવામાં આવી નથી.'
હકીકતમાં આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે એક દિવસ પહેલા સોમવારે BJP તમિલનાડુ યુનિટના પ્રમુખ K. અન્નામલાઈએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ વિસ્તારને ફરીથી મેળવવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહી છે. જ્યારે અન્નામલાઈએ ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'બોલ હવે કેન્દ્રની કોર્ટમાં છે. દરેક સંભવિત ઉકેલ પર વિચાર કરવામાં આવશે. આ મામલે BJPનો એકમાત્ર ઉદ્દેશ્ય તમિલ માછીમારોને બચાવવાનો છે. PM નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકર આ મામલે ખૂબ જ ગંભીર છે. તેને (કાચાથીવુ) ગેરકાયદેસર રીતે શ્રીલંકાને સોંપવામાં આવ્યું હતું.'
બીજી તરફ, વિદેશ મંત્રી S જયશંકરે દાવો કર્યો હતો કે, ઈન્દિરા ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે 1974માં શ્રીલંકાને કાચાથીવુ ટાપુ આપ્યો હતો અને તેને 'છુપાવી' રાખ્યો હતો. જયશંકરે દિલ્હીમાં BJP હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ દાવો કર્યો હતો. જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું સરકાર આ ટાપુ પર ફરીથી દાવો કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે તેમણે 'મામલો ન્યાયાધીન છે' એમ કહીને પ્રશ્ન ટાળ્યો હતો.
જયશંકરે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના વડા પ્રધાનોએ કાચાથીવુ ટાપુ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી હતી જાણે કે, તેઓ ભારતીય માછીમારોના અધિકારોની પરવા કરતા ન હોય અને કાનૂની અભિપ્રાય તેની વિરુદ્ધ હોવા છતાં તેમને છોડી દેતા હોય. જયશંકરે કહ્યું કે, જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી જેવા વડાપ્રધાનોએ કાચાથીવુને ‘નાનો ટાપુ’ અને ‘નાનો ખડક’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ મુદ્દો અચાનક સામે આવ્યો નથી, પરંતુ તે હંમેશા જીવંત મુદ્દો રહ્યો છે.
1974માં દરિયાઈ સીમા કરાર હેઠળ કાચાથીવુ ટાપુ શ્રીલંકાને આપવામાં આવ્યો હતો. જયશંકરે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે, 1974માં શ્રીલંકાથી 6,00,000 તમિલોનું ભારત પરત આવવું બંને દેશો વચ્ચેના ટાપુ કરારને કારણે શક્ય બન્યું હતું. તેમણે કહ્યું કે, સમજૂતીમાં એવું કંઈ નથી કે જે પહેલાથી અસ્તિત્વમાં છે તેનાથી વધુ લાભ આપતો હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp