કૂતરા માટે મહિલા વકીલે 4 વર્ષ સુધી કેસ લડ્યો, અપાવ્યો ન્યાય,આ પ્રકારનો પ્રથમ કેસ
દિલ્હીના પહાડગંજમાં એક વ્યક્તિએ કૂતરા પર એસિડ ફેંકીને તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો. દિલ્હીના મહિલા એડવોકેટ રિધમે 4 વર્ષ સુધી કોઈપણ ફી લીધા વિના આ કેસની કાનૂની લડાઈ લડી અને અંતે તે મૂંગા જાનવરને ન્યાય મળ્યો.
પ્રાણી માર ખાઈને પણ વફાદાર રહે છે અને માણસ પ્રેમ અને લાગણી મળ્યા પછી પણ ગદ્દારી કરે છે! આ કહેવત આપણા આજના સમાચાર સાથે બરાબર મેળ ખાય છે. અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના મહિલા એડવોકેટ રિધમ શીલ શ્રીવાસ્તવને 4 વર્ષની લાંબી કાનૂની લડાઈ લડ્યા પછી કોર્ટમાંથી કોકો નામના કૂતરા માટે ન્યાય મળ્યો છે. સ્થાનિક મીડિયા સૂત્રો સાથે વાત કરતા રિધમે કહ્યું કે, ફેબ્રુઆરી 2020માં પહાડગંજની એક મહિલા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેણે આરોપ લગાવ્યો હતો કે, તેણે એક પુરુષને તેના કૂતરાની આંખો, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર એસિડ ફેંકતા જોયા છે. આ એસિડ ફેંકનાર વ્યક્તિ 70 વર્ષનો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હતો. જેમણે અગાઉ ઘણી વખત તે કૂતરાને મારીને ભગાડવાના ઘણા પ્રયાસો કર્યા હતા.
રિધમે કહ્યું કે, તેણે લગભગ 4 વર્ષ સુધી આ કેસ કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર લડ્યો અને તેણે એ પણ નક્કી કર્યું કે, આ કેસમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. ત્યાર પછી તેણે આરોપીને કોર્ટમાંથી 1 વર્ષની જેલ અને 10,500 રૂપિયાનો દંડ ફટકારવાની સજા અપાવી હતી. તેણે એમ પણ કહ્યું કે, આ પ્રકારનો આ એકમાત્ર પહેલો કેસ છે, જ્યાં પ્રાણી ક્રૂરતાના કેસમાં કોઈને આ સજા મળી છે. આ કેસમાં, અદાલતે ભારતીય દંડ સંહિતા, 1860 (પશુઓને મારવા અથવા અપંગ બનાવવું વગેરે) અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 (પ્રાણીઓ સાથે ક્રૂરતાપૂર્વક વર્તવું)ની કલમ 11 (1) હેઠળ ગુના માટે વ્યક્તિને દોષિત ઠેરવ્યો હતો.
રિધમે કહ્યું કે, તે હજી પણ ઘણી વાર કોકોને મળવા માટે જાય છે અને હવે તે પહેલા કરતા ઘણો સ્વસ્થ થઇ ચુક્યો છે. પરંતુ તેઓએ એમ પણ કહ્યું કે, હવે તે કોઈ માણસની પાસે આસાનીથી નથી આવતો અને તેણે માણસો પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. તેણે એમ પણ કહ્યું કે, જો તે કોઈની નજીક આવે તો પણ પહેલા તે વ્યક્તિની સારી રીતે સૂંઘીને તેને ઓળખે છે અને પછી તે હવે સરળતાથી કોઈની નજીક જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp