આરતીની થાળી લઈ મહિલા પહોંચી પોલીસ સ્ટેશન, ઇન્ચાર્જ ગભરાઈ ગયા, પછી શું થયું આગળ..

PC: mpforest.in

મધ્યપ્રદેશના રીવા શહેરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલા આરતીની થાળી તૈયાર કરીને પોલીસ સ્ટેશન પહોંચી અને આરતી કરવા લાગી, કારણ કે પોલીસે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે, સ્ટેશન ઈન્ચાર્જે મહિલાને આરતી કરવાની પરવાનગી આપી ન હતી, અને તે પોતાની ખુરશી છોડીને અહીં-તહીં ભટકવા લાગ્યા. મહિલાને આવું કરતી જોઈને પોલીસ સ્ટેશનનો આખો પોલીસ સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને એવું લાગે છે કે, મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની આરતી કરવા ગઈ હશે, પોલીસની કોઈ કામગીરીથી ખુશ થઇ હશે, જો કે વાસ્તવિકતા આનાથી તદ્દન વિરુદ્ધ છે. હકીકતમાં મહિલાએ આવું પોલીસની કામગીરીથી ખુશ થઈને નહીં પરંતુ પોલીસની કામગીરી સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે કર્યું હતું. મહિલાનું નામ અનુરાધા સોની છે અને તે તેના પતિ કુલદીપ સોની સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મહિલાનું નામ અનુરાધા સોની છે. તેના પતિનું નામ કુલદીપ સોની છે, જે જ્વેલરી ફર્મના સંચાલક છે. કુલદીપે જણાવ્યું કે, તેની પેઢીના એક કર્મચારીએ તેના ભાઈ સાથે મળીને 20 કિલો ચાંદીની ઉચાપત કરી હતી, જેની સામે તે 2 જાન્યુઆરીએ નામ સાથે અરજી નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યારે કેસ નોંધાયો ન હતો, ત્યારે તેણે ASPને પત્ર લખ્યો હતો. ઘણા દિવસો પછી, 28 જાન્યુઆરીએ પોલીસે આરોપી મુકેશ સોની અને અર્પિત સોની વિરુદ્ધ કલમ 408 હેઠળ કેસ નોંધ્યો, પરંતુ આજદિન સુધી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ ધરપકડ કે તપાસ કરી નથી. પોલીસની ધીમી કાર્યશૈલી જોઈને અનુરાધા સોની આરતીની થાળી લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની આરતી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મીડિયા સાથે વાત કરતા અનુરાધા સોની અને તેના પતિ કુલદીપ સોનીએ જણાવ્યું કે, આ વીડિયો 4 દિવસ પહેલાનો છે, જ્યારે અમે વિરોધ નોંધાવવા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની આરતી ઉતારી હતી, ત્યારે અમને 8 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા. અનુરાધા અને તેના પતિ સાથે તેમની બે પુત્રીઓ પણ હતી, જેઓ ભૂખ્યા અને તરસ્યા હતા. અનુરાધાનો આરોપ છે કે પોલીસકર્મીઓએ તેની અને તેના પતિ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.

સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ J.P. પટેલે ફરિયાદી અનુરાધા અને તેના પતિના આરોપોને નકારી કાઢ્યા છે અને ગેરવર્તણૂકના મુદ્દાને પણ નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે, ચોરીના કેસની તપાસ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp