સ્ત્રીઓ તેમની સાસુની ગુલામ નથી, આ વર્ષ 2023 છે; હાઈકોર્ટે આવું કેમ કહ્યું?

PC: hindi.news18.com

કેરળ હાઈકોર્ટે ગુરુવારે છૂટાછેડાના કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે, મહિલાઓ માતા અને સાસુની ગુલામ નથી. તેમણે કહ્યું કે, આ વર્ષ 2023 ચાલી રહ્યું છે. ફેમિલી કોર્ટના આદેશની ટીકા કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન તેણે ફેમિલી કોર્ટની પિતૃસત્તાક ટિપ્પણીઓની પણ મૌખિક ટીકા કરી હતી. ન્યાયાધીશ દેવન રામચંદ્રને કહ્યું કે, ત્રિશૂર ફેમિલી કોર્ટે અગાઉ મહિલાની ફરિયાદોને સામાન્ય ગણાવીને છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી.

જસ્ટિસ રામચંદ્રને કહ્યું કે, ફેમિલી કોર્ટનો આદેશ ખૂબ જ પરેશાન કરનાર અને પિતૃસત્તાક છે. તેમણે કહ્યું કે, આ 2023 છે અને હવે વસ્તુઓ પહેલા જેવી નથી. સુનાવણી દરમિયાન પતિના વકીલે કહ્યું કે, ત્રિશૂર ફેમિલી કોર્ટે મહિલાને તેની માતા અને સાસુની સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે. આ મામલાને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે કહ્યું કે, કોઈ પણ મહિલાને તેની માતા કે સાસુથી નીચી ન ગણવી જોઈએ. જસ્ટિસ રામચંદ્રને કહ્યું કે, મહિલાઓ તેમની માતા કે સાસુની ગુલામ નથી.

જજે પતિના વકીલની દલીલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે, હાલના વિવાદોને કોર્ટની બહાર સરળતાથી ઉકેલી શકાય છે. જસ્ટિસ રામચંદ્રને સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર કોર્ટની બહાર સમાધાન માટે નિર્દેશ આપી શકે છે. આમાં મહિલાની પણ સંમતિ હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે, મહિલાનું પણ પોતાનું દિમાગ હોય છે. તમે શું કરશો? શું તમે તેને બાંધી રાખશો? શું તમે તેના પર સમાધાન માટે દબાણ કરશો? જસ્ટિસ રામચંદ્રને મહિલાના પતિને કહ્યું કે, આ જ કારણ છે કે તે તમને છોડવા માટે મજબૂર છે.

કોર્ટ કોટ્ટારાકારા ખાતેની ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છૂટાછેડાના કેસને માહેની નજીક આવેલી થાલાસ્સેરી ખાતેની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી. મહિલા રોજગાર અર્થે બાળક સાથે માહે ગઈ છે. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, લગ્ન બાદ તે શરૂઆતમાં ઝઘડા અને ગેરવર્તણૂકના કારણે પિતાના ઘરે જતી રહી હતી. ત્રિશૂરની કોર્ટમાં તેની પ્રથમ છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી મહિલાએ કોટ્ટારાકારામાં અરજી દાખલ કરી હતી. કારણ હતું, તે તેના પિતાના ઘરની નજીક હતું.

ત્યાર પછી મહિલાને નોકરી માટે માહે જવાનું થયું હતું. મહિલાએ હાઈકોર્ટને કહ્યું કે. તેના માટે છૂટાછેડાની સુનાવણી માટે કોટ્ટારકારા જવું સરળ નહીં હોય. આના કારણે તેના બાળકની સારસંભાળને અસર કરશે. તેથી, મહિલાએ કોર્ટમાં છૂટાછેડાના કેસને માહેની નજીક આવેલા થાલાસેરીમાં ટ્રાન્સફર કરવા અપીલ કરી હતી. જોકે, તેના પતિએ અરજી ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો છે. તેણે દલીલ કરી હતી કે, તેની માતા, જે આ કેસમાં બીજા પ્રતિવાદી છે, તેની વૃદ્ધાવસ્થાને કારણે થેલાસેરી આવન-જાવન કરી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp