મહિલા અનામત બિલ 27 વર્ષથી લટકેલુ હતું, CM યોગીએ પણ કરેલો વિરોધ, બીજા કોણ હતા?

PC: indiatoday.in

18 સપ્ટેમ્બરથી શરૂ થયેલા વિશેષ સત્રમા પહેલાં જ દિવસે મોદી સરકારની કેબિનેટે મહિલા આરક્ષણ બિલને મંજૂરી આપ દીધી છે. આ બિલને સૌથી પહેલાં 1996ના સપ્ટેમ્બર મહિનામાં એચ ડી. ગૌડા સરકારે સંસદમાં રજૂ કર્યું હતું. એ પછી બધી સરકારોએ મહિલા આરક્ષણ બિલ સંસદમાં રજૂ કરવાની કોશિશ કરી હતી,

વર્ષ 2010માં તો UPA સરકારે 33 ટકા મહિલા આરક્ષણ બિલને રાજ્યસભામાં પાસ પણ કરી દીધું હતું, પરંતુ લોકસભામાં લટકી ગયું હતું. આ બિલને ભલે આજે મંજૂરી મળી ગઇ છે પરંતુ તેના ઇતિહાસને જોઇએ તો ખબર પડશે કે છેલ્લાં 27 વર્ષની આ યાત્રા બિલકુલ સરળ નથી રહી. તો હવે તમને એ માહિતી આપીશુ કે ક્યારે ક્યારે આ બિલ રજૂ થયું અને વિરોધ કરનારા નેતા કોણ હતા?

એચ ડી દેવગૌડા સરકારે જ્યારે સંસદમાં પહેલીવાર 33 મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું હતું. તે વખતે દેશમાં 13 પાર્ટીઓના ગઠબંધન વાળ યૂનાઇટેડ ફ્રન્ટની સરકાર હતી.પરંતુ જનતા દળ અને કેટલીક અન્ય પાર્ટિઓના નેતા બિલ પાસ કરવાના પક્ષમાં નહોતા. આ પાર્ટીઓના નેતાઓના વિરોધને કારણે મહિલા આરક્ષણ બિલને ગીતા મુખરજીની આગેવાની હેઠળની 31 સંસદીય સંયુક્ત સમિતિ સમક્ષ મોકલી આપ્યું હતું. આ કમિટીમાં નીતિશ કુમાર, શરદ પવાર, વિજય ભાસ્કર રેડ્ડી, મમતા બેનરજી, મીરા કુમાર, સુમિત્રા મહાજન, સુષ્મા સ્વરાજ, સુશીલ કુમાર શિંદે, ઉમા ભારતી,ગિરિજા વ્યાસ, રામગોપાલ યાદવ અને હન્નાહ મોલ્લાહ સામેલ હતા.

31 સભ્યોવાળી કમિટીમાં સામેલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ બિલનો વિરોધ કરીને લખ્યું હતુ કે, મહિલા આરક્ષણ બિલ દેશની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને અનામત આપવાની વાત કરે છે. પરંતુ મને લાગે છે કે OBC મહિલાઓને પણ અનામત મળવી જોઈએ. તેથી બિલમાં ઉલ્લેખિત એક તૃતીયાંશ અનામતમાં OBC મહિલાઓનો પણ સમાવેશ થવો જોઈએ. આ ઉપરાંત ઓબીસી મહિલાઓ માટે પણ આ અનામત યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ તેની પણ કાળજી લેવી જોઈએ.

16 મે 1997માં લોકસભામાં ફરી એકવાર મહિલા આરક્ષણ બિલ રજૂ થયું ત્યારે શરદ યાદવે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે આ મહિલા આરક્ષણ બિલને કારણે માત્ર શહેરી મહિલાઓને જ ફાયદો થશે. શરદ યાદવ ઉપરાંત હિંદી ભાષી નેતાઓએ પણ બિલનો વિરોધ કર્યો હતો.જેને કારણે ફરી મહિલા આરક્ષણ બિલ પસાર ન થયું.

1998માં આ બિલને લઇને RJD અને સમાજવાદી પાર્ટીએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. RJDના સાંસદ સુરેન્દ્ર પ્રસાદ યાલવે લોકસભા સ્પીકર જીએમસી બાલયોગી પાસેથી બિલની કોપી છીનવી લીધી હતી અને બિલને ફાડી નાંખ્યું હતું.

11 ડિસેમ્બ 1998માં બિલ ફરી રજૂ થયું ત્યારે સમાજવાદી પાર્ટીના તત્કાલીન સાંસદ પ્રસાદ સરોજને મમતા બેનરજીએ કોલર પકડીને સંસદમાંથી બહાર કાઢ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની NDA સરકારે વર્ષ 1998, 1999, 2002 અને 2003-2004માં બિલ પાસ કરાવવાની કોશિશ કરી હતી, પરંત રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીએ વિરોધ કર્યો હતો.

વર્ષ 2004માં તે વખતના પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે પણ લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું હતું, પરંતુ સફળતા મળી નહોતી.

વર્ષ 2010માં જ્યારે મહિલા આરક્ષણ બિલ પર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી તે વખતે ભાજપે બિલને સમર્થન આપ્યું હતું. પરંતુ તે વખતે યોગી આદિત્યાનથ બિલના વિરોધમાં હતા. તે વખતે યોગી આદિત્યનાથની દલીલ હતી કે, બંઘારણની સ્થિતિ અને કાનૂની દરજ્જો મેળવવાને કારણે આરક્ષણનો પ્રત્યક્ષ વિરોધ ભલે દબાઇ ગયો હોય પરંતુ આરક્ષણને કારણે યોગ્યતા છતા અવસરોથી વંચિત વર્ગો અને લોકોના મગજમાં વ્યાપક અસંતોષ તો છે જ. એવી સ્થિતિમાં પહેલેથીજ જે તિરાડ પડેલી છે તે પહોળી ન થાય અને બીજી કોઇ તિરાજ ન પડી જાય.એ આપણી કોશિશ હોવી જોઇએ.

અત્યારે લોકસભામાં કુલ 78 મહિલા સાંસદ છે, મતલબ કે કુલ સાસંદના 14 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp