સુરતથી UP ગયેલા શ્રમિકોની હાલત કફોડી, નથી મળતી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં સુવિધા

PC: youtube.com

દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. હાલ દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનમાં ત્રણ તબક્કા એટલે કે બે મહિનાના સમય દરમિયાન દેશમાં મોટાભાગના ધંધા-ઉદ્યોગો બંધ હતા. જેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં કામ કરવા આવેલા શ્રમિકોની હાલત કફોડી બની હતી કારણ કે, તેઓના ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા અને તેઓને પાસે રહેલા પૈસા પણ ખૂટવા આવ્યા હતા.

જે તે સમયે શ્રમિકોએ તેમના વતન જવાની માંગ કરી હતી. કેટલાક શ્રમિકોએ તો વતન જવા માટે રસ્તા પર હોબાળો પણ કર્યો હતો અને તેઓને તંત્ર દ્વારા પુરતી સુવિધા આપવામાં ન આવતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. શ્રમિકોઓની વેદનાને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને વતન મોકલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ મોટી સંખ્યામાં શ્રમિકો તેમના વતન પહોંચી ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ગયેલા કેટલાક શ્રમિકોની હાલત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં કફોળી હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર સુરતથી ઉત્તર પ્રદેશ ગયેલા શ્રમીકોનું સ્ક્રીનિગ કરવામાં આવે છે અને તેમને શરીરનું ટેમ્પરેચર વધારે આવે છે, તો તેઓને સરકારી ફેસેલીટીમાં કવોરેન્ટાઇન કરવામાં આવે છે ત્યારે સુરતથી ઉત્તર પ્રદેશના ઇંટામાં ગયેલા એક શ્રમિકે ક્વોરેન્ટાઇનમાં સેન્ટરમાં અપૂરતી સુવિધા મળતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ પણે એવું દેખાઈ રહ્યું હતું કે, તંત્ર દ્વારા શ્રમિકોને કોઈપણ સુવિધા આપવામાં નથી. કવોરેન્ટાઇન સેન્ટરમાં શ્રમિકો માટે બેડની પણ સુવિધા કરવામાં આવી નહોતી. આ ઉપરાંત શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો.

મહત્ત્વની વાત એ છે કે, વાયરલ થયેલા વીડિયોમાં જે કવોરેન્ટાઇન સેન્ટર દેખાઈ રહ્યું છે, તે સેન્ટર એક શાળામાં બનાવવામાં આવ્યુ છે. શાળામાં કોઈ પણ પ્રકારના પલંગની વ્યવસ્થા ન હોવાને કારણે શાળામાં રહેલી ખુરશીઓ અને ટેબલને બેડ બનાવી દેવામાં આવ્યા છે. કરોનાની મહામારી વચ્ચે જે દર્દીઓને કવોરેન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવે ત્યાં સ્વચ્છતાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ ઈંટાના કવોરેન્ટાઇન સેન્ટરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. ક્વોરેન્ટાઇન ફેસિલિટી જ સ્પષ્ટ કરી રહી છે કે, ઉત્તર પ્રદેશનું તંત્ર કોરોનાની જંગમાં કેવી કામગીરી કરી રહ્યું છે. હાલ તો જે શ્રમિકો ગુજરાતમાં અપૂરતી સુવિધા મળતી હોવાના આક્ષેપો કરીને વતન જવાની માંગ કરતા હતા. તેમને જ વતનમાં તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી કવોરેન્ટાઇન ફેસિલિટીમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp