M.Comનો અભ્યાસ કરેલો યુવક મધમાખીનો ઉછેર કરીને કમાય છે લાખો રૂપિયા
એક તરફ ઘણા લોકો ભણીગણીને નોકરીની શોધ કરી રહ્યા છે અને બીજી તરફ M.Com સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને એક યુવક મધમાખી ઉછેરના ધંધામાં પડ્યો છે. આ ધંધાથી ઓછી મહેનતે એક વર્ષે તે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. આ યુવકનું નામ પંકજ દેસાઈ છે.
પંકજ દેસાઈ ડીસાના નાગફણા ગામનો વતની છે. M.Comનો અભ્યાસ કરીને 22 વર્ષની ઉમરે પંકજે ખેતીના વ્યવસાયમાં જંપલાવ્યું હતું. પહેલા પંકજ પારંપરિક ખેતી કરતો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મધનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. પંકજે 10 મધમાખી પેટીથી મધનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્રણ વર્ષના સમયમાં પંકજની પાસે 450 જેટલી મધની પેટીઓ છે. આ એક પેટીની કિંમત 3500 રૂપિયા છે.
પંકજ જે મધનું ઉત્પાદન કરે તે મધને બનાસ ડેરી દ્વારા 150 રૂપિયા પ્રતિકિલોના ભાવે લેવામાં આવે છે. આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા, રાધનપુર અને સાંતલપુરના 381 જેટલા ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવે છે. પંકજ દેસાઈ 450 મધની પેટીમાંથી આ વર્ષે 18 લાખ રૂપિયાની કમાણી કરવાની આશા વ્યક્ત કરી રહ્યો છે.
પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, તેને M.Com સુધીનો અભ્યાસ કર્યો છે પણ તેને નોકરી કરવામાં કોઈ રસ નહોતો. નોકરી કરતા વધારે ખેતી સારી લગતી હતી, એટલે અભ્યાસ પૂર્ણ કરીને ખેતી કરવા લાગ્યો. જેમાં ત્રણ વર્ષ પહેલા 10 પેટીથી મધ ઉછેરની શરૂઆત કરી હતી અને આજે 450 પેટી થઇ ગઈ છે. ગત વર્ષે 11 લાખ રૂપિયાનું મધ થયું હતું અને આ વર્ષે 18 લાખ રૂપિયાનુ મધ થવાનો અંદાજ છે.
આ ઉપરાંત તેને વધુમાં જણાવ્યું હતું કે, ખેતરમાં મધમાખીની પેટીઓ રાખવાથી પરાગ નયનની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે અને તેનાથી ખેડૂતોને પાકમાં 20થી 30% વધારે ઉત્પાદન મળે છે. એટલા માટે ખેડૂતો મધમાખીની પેટીઓ ભાડેથી લઇ જાય છે. આ વર્ષે 150 મધમાખીની પેટી ભાડે આપવાનો ઓર્ડર છે, જેનો નફો અલગથી મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp