સાબરકાંઠા જિલ્લામાં હોકીના મેદાનના અભાવે ખેલાડીઓને પડી રહી છે મુશ્કેલી

PC: hockey.nl

ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકીના સાધનો અને મેદાનના અભાવે મૃતપાયઃ હાલતમાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 20 જેટલા રમતવીરો રાષ્ટ્રીય કક્ષા સુધી સારો દેખાવ કરી ચૂક્યા છે, પરંતુ મેદાન અને સાધનોના અભાવે ક્યાંકને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આ રમતમાં ખેલાડીઓ સારો દેખાવ કરી ચૂક્યા હોવા છતાં પણ સવલતો ઝીરો જેવી જ સ્થિતિ છે.

ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી છે પરંતુ હાલની સ્થિતિએ બીજી રમતોને દેશમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાથી હોકીની રમત છેલ્લા કેટલાય સમયથી મૃતપાયઃ હાલતમાં આવી ગઈ છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી હોકીની રમત રમાય છે અને હિંમતનગરની ટીમ એમાં પણ ભાગ લઈ રહી છે. પરંતુ મેદાન ન હોવાના કારણે ખેલાડીઓને પૂરતી પ્રેક્ટિસ નથી કરી શકતાં અને તેના કારણે તેમનામાં નિરાશા ફેલાઈ છે. એક તરફ મેદાન અને સાધનો સિવાય પણ ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે સારા પ્રદર્શનો કરી ચૂક્યા છે તો બીજી તરફ બીજા ખેલાડીઓનું પણ રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવું હોવા છતાં મેદાન અને જોઈતા સાધનોના અભાવે પીછેહઠ થાય છે અને ત્રણ ઇંચ રેતીમાં પ્રેક્ટીસ કરી મન વાળવું પડે છે. આ રાષ્ટ્રીય રમતની હાલ તો દયનીય હાલત છે.

એક તરફ હોકી રાષ્ટ્રીય રમત હોવા છતાં પણ તેને સાઈડ રમત કરાઈ રહી છે તો બીજી તરફ અન્ય રમતો માટે જિલ્લામાં સારા એવા મેદાનોની સાથે રમતના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના હોકીના ખેલાડીઓ હાલમાં સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે તેઓને ધૂળિયા મેદાનમાંથી છૂટકારો આપી હોકી માટેનું સારું મેદાન ફાળવવામાં આવે તો હિંમતનગર સહિત જિલ્લાની અનેક ટીમો રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરી હોકીનું પ્રોત્સાહન વધારી શકે છે. તો સાધનોમાં હોકી સ્ટીકની હાલત બદતર છે. તેમ જ રમવા માટે બોલ પણ એવા જ અને વધુમાં તો જે ટીમને જીતાડે એવા ગોલ થતા રોકનાર ખેલાડીની જે કીટ આવે તેની હાલત તો જોઈએ તો ધન્ય છે કે સરકાર ભલે તેમનું ધ્યાન નથી રાખતી પણ એ ખેલાડી દેશની લાજ બચવવા પણ તૂટેલી કીટના સહારે ગોલ થતા અટકાવી જીત તરફ આગળ વધવાની હિંમત રાખે છે.

કહેવાય છે ને કે ઘરના છોકરા ઘંટી ચાટે એ વાત સાકાર થતી હોય એવું લાગે છે. હોકી રાષ્ટ્રીય રમત હોવા છતાં આ રમતને સરકાર દ્વારા પ્રોત્સાહન નથી મળી રહ્યું. બીજી તરફ અન્ય રમતો માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે હવે આ હોકી ખેલાડીઓ સારા મેદાન અને સાધનો માટે મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp