2 મહિનામાં એકપણ રજા વગર વતન અમરેલીથી દૂર સિહોરમાં ફરજ નિભાવે છે આ મેડિકલ ઑફિસર

PC: khabarchhe.com

કોરોનાની મહામારીથી લોકોને બચાવવામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે જીવની પણ પરવા કર્યા વિના સતત દર્દીઓની સારવાર અને નવા દર્દીઓની ચકાસણી કરવા માટે કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરી રહ્યા છે. મળીએ, ભાવનગર જિલ્લાના સિહોરમાં કાર્યરત્ આવા જ એક કોરોના વોરિયરને. નામ છે, ડૉ. આરતી બસિયા.

ડૉ. આરતી મેડિકલ ઓફિસર તરીકે સિહોર તાલુકામાં ફરજ બજાવે છે. છેલ્લા બે મહિનાથી તેઓ સતત કાર્યરત્ રહીને સિહોર તાલુકામાં આરોગ્યને લગતી તમામ કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યાં છે. તેમણે કરેલી કામગીરી અંગે ડૉ. આરતી કહે છે કે, ‘સિહોરમાં જ્યારે કોરોનાના કેસ આવવાના શરૂ થયા, ત્યારે શરૂઆતથી જ કોરોના સંક્રમણને અટકાવવા સંક્રમિત વિસ્તારોમાં અમે ફિલ્ડવર્ક કરીને જરૂરી જણાય ત્યાં લોકોને ક્વૉરન્ટાઇન કર્યા હતા.’ સિહોરમાં એકસામટા પોઝિટિવ કેસ નોંધાયા, ત્યારે ત્યાં કામ કરતા ડર ન લાગ્યો? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, ‘આ જ તો અમારું કામ છે, અમે નહીં કરીએ તો કોણ કરશે?’

પરિવારની ચિંતા અને લાગણી વિશે પૂછતાં તેઓ કહે છે કે, ‘આ દરમિયાન મને સૌથી વધુ ચિંતા મારા બે વર્ષના બાળકની હતી. ખાસ કરીને સિહોરમાં પોઝિટિવ કેસ નોંધાયો, ત્યારથી કામ કરવું જોખમભર્યુ હતું, પરંતુ જેટલો મારો પરિવાર મહત્ત્વનો છે, એટલો જ અન્યનો પરિવાર અને જીવ મહત્ત્વનો છે. ત્યારે ભગવાન સૌની રક્ષા કરશે, એમ માનીને કોરોના સામે લડવા મેદાને ઊતરી ગયા.’

ઉલ્લેખનીય છે કે, ડૉ. આરતી બસિયા તેમના પતિ અને બે વર્ષના બાળક સાથે સિહોરમાં પોતાના વતન અમરેલીથી દૂર રહે છે. તેમણે લોકડાઉન જાહેર થયું, ત્યારથી આજ દિન સુધી એક પણ રજા લીધી નથી. સિહોર કોરોનામુક્ત કઈ રીતે બને? તે માટે લીધેલાં પગલાં અને કામગીરી માટે આવા કોરોના વૉરિયર્સ પોતાની ચિંતા કર્યા વિના પણ અગ્રીમ હરોળમાં આ જંગ લડી રહ્યા છે. સલામ છે, આવા ફ્રન્ટલાઇન વૉરિયર્સને…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp